તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
દક્ષિણ મુંબઈમાં ગણેશોત્સવ પૂર્વે મોટી હોનારત: 'ભુલેશ્વરના રાજા'ની ૨૨ ફૂટ ઊંચી પ્રતિમા આગમન યાત્રા દરમિયાન ભોંયભેગી થતાં બે શ્રદ્ધાળુઓનાં કાળજું કંપાવનારા મોત, બે બાળકીઓ સહિત પાંચ ગંભીર રીતે ઘાયલ
ભાયખલાથી મંડપ તરફ આવી રહેલી શોભાયાત્રા દરમિયાન નટ-બોલ્ટ ઢીલા પડી જતાં વિરાટ મુર્તિ ધરાશાયી થઈ; ગણેશ મંડળના પ્રમુખ અને સ્થાનિક યુવકે જીવ ગુમાવ્યો, ઘટનાસ્થળે નાસભાગ અને ભારે અફરાતફરી મચી

મુંબઈ:ગણેશોત્સવની ધામધૂમથી તૈયારીઓ કરી રહેલી આર્થિક રાજધાની મુંબઈમાં એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. દક્ષિણ મુંબઈના ગીચ વસ્તી ધરાવતા ભુલેશ્વર વિસ્તારમાં 'ભુલેશ્વરચા રાજા' તરીકે ઓળખાતા પ્રખ્યાત ગણેશ મંડળની ૨૨ ફૂટ ઊંચી વિરાટ મૂર્તિ આગમન શોભાયાત્રા દરમિયાન અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ કરૂણ દુર્ઘટનામાં ગણેશ મંડળના પ્રમુખ સહિત બે લોકોના મૂર્તિ નીચે દબાઈ જવાથી દર્દનાક મોત નિપજ્યા છે, જ્યારે બે નાની બાળકીઓ સહિત અન્ય પાંચ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
મળતી વિગતો અનુસાર, શનિવારે મોડી રાત્રે અંદાજે ૯:૫૦ થી ૧૦:૦૦ વાગ્યાના સુમારે ભુલેશ્વરના જય અંબે ચોક, કબૂતરખાના નજીક આવેલા બલરામ મર્ચન્ટ રોડ પર આ અકસ્માત બન્યો હતો. ભાયખલાથી ભુલેશ્વર સ્થિત મંડપ તરફ લાવવામાં આવી રહેલી આ ૨૨ ફૂટ ઊંચી અને આશરે ૩,૦૦૦ કિલોગ્રામ વજન ધરાવતી મૂર્તિ મંડપથી માંડ ૫૦ મીટર જ દૂર હતી, ત્યારે અચાનક ધડાકાભેર નીચે પડી ગઈ હતી. મૂર્તિ પડતા જ ત્યાં ઉપસ્થિત ભક્તોમાં ભારે નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી.
મંડળના અધ્યક્ષ અને સ્થાનિક રહીશનું મોત
આ દુર્ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ, બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC) ના અધિકારીઓ, મુંબઈ પોલીસ અને એસઆરપીએફની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતમાં મૂર્તિના કાટમાળ નીચે દબાઈ ગયેલા લોકોને તાત્કાલિક બહાર કાઢી નજીકની જી.ટી. હોસ્પિટલ, જે.જે. હોસ્પિટલ અને સેફી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સારવાર દરમિયાન તબીબોએ શિવસેનાના ઉપવિભાગ પ્રમુખ અને મંડળના પ્રમુખ સંકેત નેવશે (ઉંમર ૩૩ વર્ષ) તથા સ્થાનિક રહીશ બ્રિજેશ હેમંત જોશી (ઉંમર ૩૦ વર્ષ)ને મૃત જાહેર કર્યા હતા. જ્યારે અન્ય ઈજાગ્રસ્તોમાં વૈભવ ઘેનાંદ (૩૮), પવન ચૌરસિયા (૨૫), કુણાલ કાશીદ (૨૬) અને બે માસૂમ બાળકીઓ લાવણ્યા ગાનેર (૫) અને દિવ્યા ગાનેર (૭)નો સમાવેશ થાય છે, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
નટ-બોલ્ટ ઢીલા પડી જવાથી દુર્ઘટના સર્જાયાની આશંકા
પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૂર્તિના લોખંડના માળખામાં (ફ્રેમમાં) લગાવેલા નટ-બોલ્ટ ઢીલા પડી જવાને કારણે આ સમગ્ર અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે. પ્રત્યક્ષદર્શીઓના મતે, પહેલા મૂર્તિનો હાથ તૂટ્યો હતો અને ક્ષણભરમાં જ આખી ૨૨ ફૂટની મૂર્તિ નીચે આવી પડી હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોએ રસ્તાની બિસ્માર હાલત અને સુવિધાઓ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ અત્યંત ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે, જેમાં વિવિધ મંડળો દ્વારા વિશાળ મૂર્તિઓ લાવવામાં આવે છે. પરંતુ આ કરૂણ ઘટનાએ આયોજકોની સુરક્ષા વ્યવસ્થા, વજનદાર મૂર્તિઓના પરિવહન માટેના નિયમો અને રોડ સેફ્ટી અંગે મોટા પ્રશ્નાર્થચિહ્નો ઊભા કર્યા છે. હાલ પોલીસ અને પાલિકાતંત્ર દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા આગળની કાનૂની અને તાંત્રિક તપાસ ચલાવવામાં આવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
