<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

અમેરિકન કાર્ગો જહાજના ક્રૂ મેમ્બર્સ માટે દેવદૂત બન્યા મરિન એન્જિનિયર પાર્થ પટેલ: પ્રશાંત મહાસાગરમાં ૧૮ લોકોના જીવ બચાવ્યા

મધદરિયે એન્જિન રૂમમાં પાણી ભરાતા જોખમાયેલી જહાજની સફર વચ્ચે ગુજરાતી યુવાને અસાધારણ કોઠાસૂઝ અને સાહસ દાખવી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ રોશન કર્યું

અમદાવાદ: પ્રશાંત મહાસાગરમાં મધદરિયે એક તરફ કાળમુખા ઉછળતા મોજાં અને બીજી તરફ ઘોર અંધકાર વચ્ચે અચાનક એક અમેરિકન કાર્ગો જહાજ પર મોતનો ભય મંડરાયો હતો. જહાજના એન્જિન રૂમમાં અચાનક પાણી ભરાઈ જવાને કારણે તેની પાવર અને પ્રોપલ્શન સિસ્ટમ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. દરિયાની વચ્ચે જહાજ ડૂબી જવાની ભીતિ સર્જાતા નિર્ધારિત રૂટ પર સવાર ૧૮ અમેરિકન ક્રૂ મેમ્બર્સના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. આ કટોકટીની ઘડીએ ગુજરાતના સાહસિક યુવાને આગળ આવીને અસાધારણ બહાદુરીનો પરિચય આપ્યો હતો અને માનવતાની અનન્ય મિસાલ પ્રસ્તુત કરી હતી.

આ કટોકટીભરી સ્થિતિમાં આસપાસના વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 'પેસિફિક યાંતાઈ' જહાજ દ્વારા તાત્કાલિક દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મૂળ અરવલ્લી જિલ્લાના અને હાલ અમદાવાદના નરોડા ખાતે રહેતા નીડર મરિન એન્જિનિયર પાર્થ પટેલે મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે અદભુત સાહસનો પરિચય આપ્યો હતો. જહાજ ડૂબવાની તૈયારીમાં હતું ત્યારે પાર્થ પટેલે અત્યંત જોખમ ઉઠાવીને એન્જિન રૂમમાં પ્રવેશ કર્યો હતો અને ઇમરજન્સી મેનુવરિંગની સંપૂર્ણ જવાબદારી પોતે સંભાળી લીધી હતી. આ પરાક્રમી પગલાંથી ફસાયેલા સાથીદારોમાં એક નવી આશાનો સંચાર થયો હતો.

દરિયાના જોખમી વાતાવરણ, ઉછળતા મોજાં અને અંધકાર વચ્ચે પાર્થ પટેલ અને તેમની ટીમે નિર્ધારિત રૂટને બદલે આગળ વધવાનો અત્યંત સાહસિક નિર્ણય લીધો હતો. સતત ૧૨ કલાક સુધી ચાલેલા આ અત્યંત જટિલ અને ભયાનક રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પાર્થ પટેલે પોતાની કોઠાસૂઝ અને ટેકનિકલ કુશળતાનો ઉપયોગ કરીને ૧૮ અમેરિકન ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. તેમની આ ત્વરિત અને નીડર કામગીરીને કારણે મધદરિયે ૧૮ લોકોનો માળો વિખેરાતા બચી ગયો હતો અને તમામ સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટના અંગે જહાજ સંચાલન સાથે જોડાયેલા સત્તાવાર સૂત્રો અને સાથીદારોએ પાર્થ પટેલની વ્યાવસાયિક કુશળતાના વખાણ કરતા જણાવ્યું હતું કે, "આ પ્રકારની અત્યંત વિપરીત પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારના ડર વગર સીધા એન્જિન રૂમમાં જવું અને સિસ્ટમને કંટ્રોલમાં લાવવી એ માત્ર ટેકનિકલ જ્ઞાન નહીં પરંતુ મજબૂત મનોબળનું પરિણામ છે." દરિયાઈ સુરક્ષા નિષ્ણાતોએ પણ આ રેસ્ક્યૂ ઓપરેશનને એક માસ્ટરક્લાસ સમાન ગણાવ્યું છે, કારણ કે જહાજની અંદર પાવર જતો રહ્યા બાદ તેને ફરીથી ઓપરેશનલ બનાવવું એ કોઈ સાહસિક પરાક્રમથી કમ નથી.

આટલું જ નહીં, પાર્થ પટેલની ટેકનિકલ માસ્ટરી અને અથાક પરિશ્રમને કારણે ફસાયેલા જહાજને પણ મોટી હોનારતમાંથી ઉગારી સલામત રીતે કિનારા સુધી લાવવામાં સફળતા મળી હતી. અરવલ્લી અને અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના આ યુવાને મધદરિયે દાખવેલી અસાધારણ શૌર્યતાની ચર્ચા હવે આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહી છે. મધદરિયે દેવદૂત બનીને ૧૮ લોકોની જિંદગી બચાવનારા પાર્થ પટેલની આ અદ્વિતીય સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશનું મસ્તક ગૌરવથી ઊંચું થયું છે.

આ ભવ્ય સફળતા બાદ સ્થાનિક સ્તરેથી લઈને વિવિધ દરિયાઈ સંગઠનો દ્વારા પાર્થ પટેલના સન્માનની તૈયારીઓ ચાલી રહી છે, તેમજ તેમની આ વીરતા યુવા પેઢી માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.

(11:08 AM IST)