<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

દહેરાદૂનમાં ફરી ભડક્યું રોડ રેજનું હિંસક તોફાન: વાહન હટાવવા બાબતે લાઠી-દંડા અને પિસ્તોલ લહેરાવાતા મચી દોડધામ

પટેલનગર ફાયરિંગની ઘટનાના ૪૮ કલાકની અંદર જ પ્રેમનગરમાં સર્જાયેલી બસ ડ્રાઇવર અને કાર સવારો વચ્ચેની તીવ્ર અથડામણ બાદ પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ

દહેરાદૂન: ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક હિંસક ઘટના પ્રકાશમાં આવી છે. પટેલનગર વિસ્તારમાં તાજેતરમાં થયેલી ગોળીબારની સનસનીખેજ ઘટનાના માંડ ૪૮ કલાક વીત્યા બાદ, પ્રેમનગર થાના ક્ષેત્ર અંતર્ગત એક હોસ્ટેલ પાસે રસ્તા પરથી વાહન હટાવવા બાબતે સર્જાયેલા સામાન્ય મનદુઃખે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ગરમાગરમી દરમિયાન બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાકડી-દંડા ઉછળ્યા હતા અને સરેઆમ લાઇસન્સવાળી પિસ્તોલ લહેરાવીને ભયનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો.
માહિતી મળતા જ પ્રેમનગર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આ કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ઉપયોગમાં લેવાયેલું લાકડી-ડંડું, ફોર્ચ્યુનર કાર તેમજ ગુનામાં વપરાયેલી ૩૨ બોરની લાઇસન્સવાળી પિસ્તોલ અને જીવંત કારતૂસો પણ કબ્જે કરવામાં આવ્યા છે.
આ અગાઉ પણ દહેરાદૂનના વિવિધ વિસ્તારોમાં રોડ રેજ અને નજીવી બાબતોમાં હથિયારો કાઢવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેણે શહેરી સુરક્ષા સામે ગંભીર સવાલો ખડા કર્યા છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ સાર્વજનિક સ્થળે હુડદંગ મચાવવા, શાંતિ ભંગ કરવા અને ઘાતક હથિયાર પ્રદર્શિત કરવા અંગે કડક કાનૂની ગુનો નોંધવામાં આવ્યો છે.
સ્‍થાનીય પ્રસાશન  દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે શહેરમાં કાયદો હાથમાં લેનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં અને આગામી સમયમાં આવા અસામાજિક બનાવો અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવામાં આવશે.

(11:27 AM IST)