<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

હરિયાણા કોંગ્રેસમાં ભૂકંપ: કુલદીપ શર્માએ ખડગેને પત્ર લખી દીપેન્દર હુડ્ડાને CWCમાંથી હટાવવાની કરી માગ સજ્જન કુમાર વિવાદે

સજ્જન કુમાર અંગેના નિવેદનથી શીખ સમુદાયમાં રોષ ફેલાતા કોંગ્રેસને નુકસાનની ભીતિ વ્યક્ત કરી પૂર્વ સ્પીકરે કાર્યવાહીની માગણી કરી અને હાઈકમાન્ડ સમક્ષ લેખિત રજૂઆત કરી

ચંદીગઢ : હરિયાણા કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદ વચ્ચે પૂર્વ વિધાનસભા અધ્યક્ષ કુલદીપ શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રોહતકના સાંસદ દીપેન્દર હુડ્ડાને કોંગ્રેસ વર્કિંગ કમિટીમાંથી દૂર કરવાની માગ કરી છે. સજ્જન કુમાર અંગેના વિવાદાસ્પદ નિવેદનને કારણે શીખ સમુદાયમાં ભારે નારાજગી ફેલાઈ હોવાનું કારણ તેમણે પત્રમાં દર્શાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ કુલદીપ શર્માએ પોતાના પત્રમાં આક્ષેપ કર્યો છે કે દીપેન્દર હુડ્ડા દ્વારા ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમાર અંગે આપવામાં આવેલા નિવેદનથી શીખ સમુદાયની લાગણી દુભાઈ છે. આ નિવેદનથી પાર્ટીની છબીને નુકસાન થઈ રહ્યું છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસને તેનો મોટો ફટકો પડી શકે છે. તેમણે હાઈકમાન્ડને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે.
હરિયાણા કોંગ્રેસમાં હુડ્ડા જૂથ અને બિન-હુડ્ડા જૂથ વચ્ચેનો સંઘર્ષ કોઈ નવી વાત નથી. અગાઉ પણ અનેક વખત આંતરિક મતભેદો જાહેરમાં સામે આવી ચૂક્યા છે. કુલદીપ શર્માને હરિયાણાના વરિષ્ઠ બ્રાહ્મણ નેતા માનવામાં આવે છે, જ્યારે દીપેન્દર હુડ્ડા જાટ સમુદાયના મોટા ચહેરા છે.
આ પત્રથી ફરી એકવાર કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવ્યો છે.આ મામલે હજુ સુધી કોંગ્રેસ હાઈકમાન્ડ કે દીપેન્દર હુડ્ડા તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. હવે ખડગે આ પત્રને ગંભીરતાથી લે છે કે નહીં અને CWCને લઈને કોઈ નિર્ણય કરે છે કે કેમ તેના પર સૌની નજર છે. પાર્ટી આંતરિક રીતે આ વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કરશે તેવું મનાઈ રહ્યું છે.

(12:36 PM IST)