હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે લીક ઓડિયોમાં કર્યો મોટો દાવો: હરદીપ નિજ્જરની હત્યા પાછળ પોતાનો હાથ હોવાની કબૂલાત
કેનેડા સ્થિત કુખ્યાત ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે અન્ય ખાલિસ્તાની આતંકી સાથેની વાતચીતમાં ડ્રગ્સની પ્રવૃત્તિઓનો બદલો લેવા હત્યા કર્યાનું કથિત રીતે જણાવ્યું.

બેંગલુરુ:કેનેડાના સરેમાં જૂન ૨૦૨૩માં ગુરુદ્વારાની બહાર થયેલી ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલામાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. કેનેડામાં છુપાયેલા કુખ્યાત ગેંગસ્ટર અને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેંડના વોન્ટેડ આરોપી ગોલ્ડી બ્રારે એક લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં કથિત રીતે દાવો કર્યો છે કે હરદીપ નિજ્જરની હત્યા પાછળ તેની જ ગેંગનો હાથ હતો. ઉલ્લેખનીય છે કે નિજ્જરની હત્યા બાદ જ ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ પેદા થયો હતો અને આ મામલો આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યો હતો.
વાયરલ થયેલા આ ઓડિયો રેકોર્ડિંગમાં ગોલ્ડી બ્રાર અન્ય ખાલિસ્તાની અલગતાવાદી પરમજીત સિંહ પમ્મા સાથે વાતચીત કરતો સાંભળવા મળે છે, જેમાં તે દાવો કરે છે કે નિજ્જર યુવાનોમાં ડ્રગ્સ સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યો હતો અને એટલા માટે જ તેણે પોતાની ટીમ સાથે મળીને તેને ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. ઓડિયોમાં બ્રાર એવું કહેતો સાંભળવા મળે છે કે, "આ લોકો ડ્રગ્સ વેચવા માટે યુવાનોનો ઉપયોગ કરી રહ્યા હતા, તેથી અમારે નિજ્જરને મારવો પડ્યો." જોકે, આ લીક થયેલા ઓડિયોની સત્યતા કે અધિકૃતતા હજુ સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે સ્થાપિત કરવામાં આવી નથી.
આ વાર્તાલાપ દરમિયાન બ્રારે એવા દાવા પણ કર્યા હતા કે તેના ભાઈઓની હત્યા કરનારા શખ્સો નિજ્જરના આશ્રયે રહેતા હતા અને તેણે ગુરુદ્વારાની બહાર બદલો લેવા માટે આ યોજના બનાવી હતી. આપને જણાવી દઈએ કે ૧૮ જૂન ૨૦૨૩ના રોજ જ્યારે હરદીપ સિંહ નિજ્જર સરે સ્થિત ગુરુ નાનક શીખ ગુરુદ્વારાના પાર્કિંગમાંથી પોતાની પિકઅપ ટ્રકમાં નીકળી રહ્યો હતો, ત્યારે માસ્ક પહેરેલા શૂટરોએ તેની પર આડેધડ લગભગ ૫૦ જેટલા રાઉન્ડ ગોળીબાર કર્યો હતો, જેમાંથી ૩૪ ગોળીઓ તેને વાગી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. કેનેડિયન તપાસકર્તાઓએ આ હત્યાકાંડમાં ઉપયોગમાં લેવાયેલી ચાંદીની ટોયોટા કેમરી કાર અને શૂટરોની તસવીરો પણ જારી કરી હતી.
આ હત્યાના થોડા સમય બાદ કેનેડાના તત્કાલીન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના પાયાવિહોણા આક્ષેપો કર્યા હતા, જેને ભારત સરકારે સ્પષ્ટપણે ફગાવી દીધા હતા. હવે ગોલ્ડી બ્રારના આ કથિત ઓડિયો વાયરલ થયા બાદ આ હાઇ-પ્રોફાઇલ હત્યા કેસ નવો જ વળાંક લઈ રહ્યો છે અને સુરક્ષા એજન્સીઓ આ પાસાની પણ ઝીણવટભરી તપાસ કરી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
