<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ભારત સાથે પંગો બાંગ્લાદેશને ભારે પડ્યો: કંગાળીના આરે પહોંચ્યો પડોશી દેશ: ફેક્ટરીઓ પર વાગ્યા તાળા અને ઉદ્યોગો ધામધૂમથી ઠપ્પ!

ગેસ અને વીજળીના ભીષણ સંકટે વટાવી સીમાઓ: આશુગંજ ખાતર ફેક્ટરી બંધ થતાં ખાદ્ય સુરક્ષા પર સર્જાયું મોટું જોખમ: રસ્તા પર ઉતર્યા ભુખ્યા નાગરિકો

ઢાકા: ભારત સામે રાજકીય અને કૂટનીતિક ચાલો રમવાના ચક્કરમાં બાંગ્લાદેશ અત્યાર સુધીના સૌથી ભયાનક ઊર્જા સંકટના વિષચક્રમાં ફસાઈ ગયું છે. દેશમાં કુદરતી ગેસની તીવ્ર અછતને કારણે ઔદ્યોગિક ક્ષેત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે અને લાખો લોકોના ઘરોમાં ચૂલા સળગવાના બંધ થઈ ગયા છે. આ કટોકટીનું સૌથી વરવું રૂપ આશુગંજ યુરિયા ખાતર ફેક્ટરીમાં જોવા મળી રહ્યું છે, જ્યાં ૧,૨૦૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા અને દરરોજ ૧,૦૦૦ ટનથી વધુ ખાતરનું ઉત્પાદન થતું હતું. માર્ચ ૨૦૨૫થી આ સરકારી ફેક્ટરી ગેસના અભાવે સંપૂર્ણપણે બંધ પડી છે અને તેની કરોડો રૂપિયાની મશીનરી હવે ધૂળ અને કાટ ખાઈ રહી છે.

ખાતરનું ઉત્પાદન અટકી જતાં ૧૭ કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં કૃષિ ક્ષેત્ર પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જેનાથી ભવિષ્યમાં ભીષણ ભુખમરાની આશંકા સેવાઈ રહી છે. આટલું જ નહીં, બાંગ્લાદેશની આર્થિક કરોડરજ્જુ ગણાતો ગાર્મેન્ટ (કાપડ) ઉદ્યોગ પણ ગેસ અને વીજળીના અભાવે દમ તોડી રહ્યો છે. વિશ્વના બીજા સૌથી મોટા કાપડ નિકાસકાર દેશની સેંકડો ફેક્ટરીઓ કાં તો બંધ થઈ ગઈ છે અથવા તો તેનું ઉત્પાદન અડધું કરી દેવાયું છે. પાવર પ્લાન્ટ્સને પૂરતો ગેસ ન મળતા દેશભરમાં દિવસમાં અસંખ્ય વાર વીજળી ગુલ થઈ જાય છે, જેના કારણે સરકારે શોપિંગ મોલ અને બજારો વહેલા બંધ કરવાનો આદેશ આપવો પડ્યો છે.

આ સંકટે સામાન્ય નાગરિકોનું જીવવું પણ દુષ્કર બનાવી દીધું છે. ગૃહિણીઓ રાંધણગેસના ઓછા પ્રેશરથી પરેશાન થઈને ફરીથી લાકડાના ચૂલા સળગાવવા મજબૂર બની છે, તો બીજી તરફ ગેસથી ચાલતા ઓટો-રિક્ષા ચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ આક્રોશમાં આવીને રસ્તાઓ બ્લોક કરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભૂતકાળમાં નવા ગેસ કુવાઓના ઉત્ખનનમાં નિષ્ફળતા, આયાતી એલએનજી (LNG) પર અતિશય નિર્ભરતા અને મધ્ય પૂર્વના યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા બાંગ્લાદેશ સંપૂર્ણપણે ઘૂંટણિયે આવી ગયું છે.

(7:18 PM IST)