<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

આઈએનએસના પૂર્વ ડીજી વાય.સી. મોદીનો ખુલાસો: હાફિઝ સઈદને પાકિસ્તાન સરકાર અને આઈએસઆઈની વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે

૨૬/૧૧નો માસ્ટરમાઇન્ડ કાગળ પર જેલમાં પણ વાસ્તવમાં જેડ-પ્લસથી વધુ સુરક્ષા કવચ હેઠળ મુક્ત: બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી કેમ્પો ફરી ધમધમતા થયા હોવાનો દાવો

નવી દિલ્હી: ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ YC મોદીએ એક વિશિષ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન ૨૬/૧૧ મુંબઈ આતંકી હુમલાના મુખ્ય સૂત્રધાર અને કુખ્યાત આતંકવાદી હાફિઝ સઈદ અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વાય.સી. મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાફિઝ સઈદને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને પાકિસ્તાન સરકારનું સીધું સંરક્ષણ પ્રાપ્ત છે. કાગળ પર ભલે તેને નિવારક કસ્ટડી માં બતાવવામાં આવ્યો હોય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેને 'Z-Plus' કરતાં પણ વધુ કડક સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે અને તે ખુલ્લેઆમ તમામ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યો છે.

વાય.સી. મોદીના જણાવ્યા અનુસાર, હાફિઝ સઈદના સુરક્ષા વર્તુળમાં આતંકવાદીઓની સાથે પાકિસ્તાની રેન્જર્સના જવાનો પણ તૈનાત રહે છે અને સરકારી અધિકારીઓ નિયમિતપણે તેની સાથે મુલાકાત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે અમેરિકા પોતાના રાજનૈતિક સ્વાર્થને કારણે આ આંતરરાષ્ટ્રીય આતંકવાદી સામે કોઈ નક્કર કાર્યવાહી કરી રહ્યું નથી. હાફિઝ સઈદ માત્ર ૨૬/૧૧ હુમલાનો માસ્ટરમાઇન્ડ નથી, પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ સાજિદ જટ્ટનો આકા પણ છે. સામે આવેલા તાજેતરના ફોટોગ્રાફ્સ દર્શાવે છે કે બહાવલપુર અને મુરીદકેમાં આતંકી કેમ્પો ફરીથી સક્રિય થઈ ગયા છે, જ્યાં પાકિસ્તાન સરકારી ભંડોળથી આતંકવાદી માળખું તૈયાર કરી રહી છે.

પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર હોવાનું વિશ્વસમક્ષ સાબિત કરવા માટે ભારતીય એજન્સીઓએ કમર કસી છે. ૨૬/૧૧ બાદ ભારત દ્વારા પાકિસ્તાનને હાફિઝ સઈદ અને મૌલાના મસૂદ અઝહરના પરિવારજનોની તમામ વિગતો સાથેનું ડોઝિયર સોંપવામાં આવ્યું હોવા છતાં પાકિસ્તાને કોઈ પગલાં લીધા ન હતા. પરિણામે, NIA અને મુંબઈ પોલીસે તપાસ પૂર્ણ કરીને હાફિઝ સઈદ વિરુદ્ધ વ્યક્તિગત ચાર્જશીટ દાખલ કરી છે. હવે આ તમામ પ્રક્રિયાગત દસ્તાવેજો વિદેશ મંત્રાલય દ્વારા ઔપચારિક રીતે પાકિસ્તાનના વિદેશ મંત્રાલયને મોકલીને સમન્સ જારી કરવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો સંપૂર્ણપણે ખુલ્લો પડી શકે.

(7:50 PM IST)