હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હિમાચલમાં મેઘતાંડવથી ભારે વિનાશ: ૧૪૯ રસ્તાઓ ઠપ્પ : ૨૨૪ લોકોના મોત અને ₹૧,૧૨૧ કરોડની મિલકતો સ્વાહા
દેવભૂમિમાં ચોમાસું બન્યું કાળમુખું: કુલ્લુમાં સૌથી વધુ ૩૧ માનવજિંદગી હોમાઈ : મંડીમાં ૮૬ માર્ગો બંધ થતાં અનેક ગામડો સંપર્કવિહોણા : રાજ્યભરમાં પૂર અને ભૂસ્ખલનની કટોકટી

શિમલા: કુદરતી સૌંદર્યથી ભરપૂર હિમાચલ પ્રદેશમાં આ વર્ષે ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ચો તરફ ભારે તારાજીના દ્રશ્યો સર્જાયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન્સ સેન્ટર ના તાજેતરના અહેવાલ અનુસાર, સતત થઈ રહેલા મુસળધાર વરસાદ અને ભૂસ્ખલનને કારણે રાજ્યભરમાં ૧૪૯ જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આ સિવાય, ૬૦ વીજ વિતરણ ટ્રાન્સફોર્મર (DTR) ઠપ્પ થઈ જતાં અને ૩૫ પીવાના પાણીની યોજનાઓ ક્ષતિગ્રસ્ત થતાં હજારો ગ્રામજનો અંધારપટ અને પાણીની ભયંકર અછતનો સામનો કરવા મજબૂર બન્યા છે.
આ ચોમાસાની ઋતુમાં કુદરતી આપત્તિઓએ દેવભૂમિમાં ભારે માનવખુવારી સર્જી છે. ૩૦ જૂનથી ૨૨ ઓગસ્ટ દરમિયાન નોંધાયેલા આંકડા મુજબ, રાજ્યમાં વિવિધ હોનારતોમાં કુલ ૨૨૪ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ૩૩૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને એક વ્યક્તિ હજુ પણ ગુમ છે. આ કુલ મૃત્યુઆંકમાંથી ૯૧ લોકોના મોત ભૂસ્ખલન, વાદળ ફાટવાથી આવેલા પૂર, ડૂબી જવા અને ભેખડો ધસી પડવા જેવી કુદરતી આપત્તિઓને કારણે થયા છે, જ્યારે ૧૩૩ લોકોના મોત વરસાદી માહોલમાં સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતોમાં થયા છે. જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો કુલ્લુમાં સૌથી વધુ ૩૧ લોકોના કરૂણ મોત નીપજ્યા છે, જ્યારે મંડી જિલ્લામાં સૌથી વધુ ૮૬ રસ્તાઓ બંધ થઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
ભારે વરસાદ અને પૂરના કારણે હિમાચલ પ્રદેશને અત્યાર સુધીમાં ₹૧,૧૨૧.૩૦ કરોડથી પણ વધુનું જંગી આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. સેંકડો મકાનો, દુકાનો, ગોડાઉનો અને સરકારી માળખાકીય સુવિધાઓ જમીનદોસ્ત થઈ ગઈ છે, જ્યારે ૪૪૧ જેટલા પશુઓ પણ કાળનો કોળિયો બન્યા છે. હવામાન વિભાગે શિમલા, કાંગડા, મંડી અને ચંબા સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં હજુ પણ વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વહીવટીતંત્ર દ્વારા નદી-નાળા અને ભૂસ્ખલન સંભવિત વિસ્તારોથી દૂર રહેવાની અપીલ સાથે યુદ્ધના ધોરણે રસ્તાઓ અને વીજ-પાણી પુરવઠો પુનઃસ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
