<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના રહસ્યમય મોત ઘરના તાળા તોડી જોતાં છત, સીડી અને પલંગ નીચેથી મળ્યા ૪ મૃતદેહ

૬૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક, તેમના પત્ની અને બે બાળકોની ઘાતકી હત્યા કે સામૂહિક આત્મહત્યા? ગુરુવાર રાતથી ફોન બંધ થયા બાદ શનિવારે રાત્રે ખૌફનાક સત્ય સામે આવ્યું

રંગપુર: પડોશી દેશ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પરના અત્યાચારો અને શંકાસ્પદ ઘટનાઓની શ્રેણીમાં વધુ એક ખૌફનાક કિસ્સો ઉમેરાયો છે. રંગપુર શહેરના દાસપારા (મછુઆપારા) વિસ્તારમાં આવેલા એક બંધ મકાનમાંથી શનિવારે રાત્રે એક જ હિન્દુ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ અત્યંત શંકાસ્પદ સંજોગોમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભયનો માહોલ વ્યાપી ગયો છે. મૃતકોની ઓળખ ૬૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક અને હોમિયોપેથિક ડૉક્ટર ગણપતિ ચક્રવર્તી, તેમના ૫૦ વર્ષીય પત્ની પ્રીતિલતા ચક્રવર્તી, ૨૩ વર્ષીય પુત્રી આગમી ચક્રવર્તી અને ૧૨ વર્ષીય પુત્ર પ્રિયમ ચક્રવર્તી તરીકે થઈ છે.

આ ભયાનક ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે ગુરુવાર બપોર પછીથી પરિવાર સાથે સંબંધીઓનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો હતો. ચારેય સભ્યોના મોબાઈલ ફોન સ્વિચ ઓફ આવતાં શંકા જતાં સંબંધીઓ શનિવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યાની આસપાસ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો બહારથી બંધ હતો અને અંદર અંધારપટ હતો. ઘટનાની જાણ થતાં જ કોતવાલી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મુખ્ય દરવાજાનું તાળું તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરની અંદરનું દ્રશ્ય જોઈને પોલીસ અને સંબંધીઓ દંગ રહી ગયા હતા, કારણ કે ઘરના અલગ-અલગ ભાગોમાં પરિવારજનોના મૃતદેહો વિખરાયેલા પડ્યા હતા.

ગુનાહિત તપાસ વિભાગ (CID) અને ડિટેક્ટીવ બ્રાન્ચના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા ચોંકાવનારી વિગતો આપી હતી. પુત્રી આગમી અને માતા પ્રીતિલતાના મૃતદેહ સીડી પરથી મળી આવ્યા હતા, જ્યારે પરિવારના વડા ગણપતિ ચક્રવર્તીનો મૃતદેહ ઘરની છત પરથી અને ૧૨ વર્ષીય બાળકના મૃતદેહ પલંગ નીચેથી મળી આવ્યો હતો. સંબંધીઓના જણાવ્યા મુજબ ગણપતિ ચક્રવર્તીનો કોઈ સાથે વૈર નહોતું. હાલમાં ફોરેન્સિક ટીમે ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. આ આખો મામલો સુનિયોજિત હત્યાનો છે કે અન્ય કોઈ ષડયંત્ર છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓએ ઊંડી તપાસ શરૂ કરી છે.

(7:52 PM IST)