<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ભારત બનશે ગ્લોબલ શિપબિલ્ડિંગ હબ: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળમાં ₹૩,૫૦૦ કરોડના પ્રોજેક્ટ્સનો કર્યો શિલાન્યાસ

પારંપરિક જહાજ નિર્માણ દેશોના ઉત્પાદનમાં ઘટાડાથી ભારત માટે સુવર્ણ તક: GRSE અને યંત્ર ઇન્ડિયાના વિસ્તરણથી રોજગારીની નવી તકો સર્જાશે અને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા મજબૂત બનશે

કોલકાતા:  ભારતને ગ્લોબલ શિપબિલ્ડિંગ હબ બનાવવાની દિશામાં એક ઐતિહાસિક ડગલું ભરતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ બંગાળમાં ₹૩,૫૦૦ કરોડના ખર્ચે સાકાર થનારા પાંચ મોટા બ્રાઉનફીલ્ડ વિસ્તરણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો છે. કોલકાતા ખાતે આયોજિત વર્ચ્યુઅલ સમારોહમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીની ઉપસ્થિતિ વચ્ચે રાજનાથ સિંહે જણાવ્યું હતું કે પરંપરાગત રીતે જહાજ બનાવતા દેશો હવે ઉત્પાદનમાં ઘટાડો કરી રહ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે જે ખાલીપો (Vacuum) સર્જાયો છે તેને પૂર્ણ કરીને ભારત શિપબિલ્ડિંગ ક્ષેત્રે વિશ્વભરમાં અગ્રેસર બની શકે છે.

આ ₹૩,૫૦૦ કરોડના મહત્વાકાંક્ષી રોકાણમાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) ની ત્રણ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડ (YIL) ની બે અત્યાધુનિક ફેક્ટરીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રાયચક ખાતે હુગલી નદીના કિનારે ૩૨ એકર જમીનમાં ₹૨,૫૦૦ કરોડથી વધુના રોકાણ સાથે વિશાળ શિપબિલ્ડિંગ અને રીપેરિંગ હબ બનાવવામાં આવશે. આ સુવિધા ઉપલબ્ધ થવાથી ભારત ૨૦૦ મીટર સુધીના યુદ્ધ જહાજો અને નેક્સ્ટ જનરેશન ડિસ્ટ્રોયર્સનું નિર્માણ દેશમાં જ કરી શકશે. આ ઉપરાંત ઇશાપોર સ્થિત યંત્ર ઇન્ડિયાની મેટલ એન્ડ સ્ટીલ ફેક્ટરીમાં ₹૭૫૦ કરોડથી વધુના ખર્ચે નવી ફેસિલિટી તૈયાર કરાશે, જે સ્વદેશી ધાતુશાસ્ત્ર અને શસ્ત્ર સામગ્રીની ઉત્પાદન ક્ષમતા વધારશે.

સંરક્ષણ મંત્રીએ આત્મનિર્ભરતા પર ભાર મુકતા કહ્યું કે GRSE એ અત્યાર સુધીમાં ૮૦૦ થી વધુ જહાજોનું નિર્માણ કર્યું છે અને હાલમાં તે જર્મનીની કંપની માટે ૧૨ માલવાહક જહાજો બનાવી રહી છે, જે 'મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ' નું મૂર્તિમંત સ્વરૂપ છે. પશ્ચિમ બંગાળમાં આ નવી ઔદ્યોગિક ક્રાંતિથી હજારો નવી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારીની તકો ઊભી થશે તેમજ MSME અને સ્થાનિક ઉદ્યોગોને મોટો સપોર્ટ મળશે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે ભારતમાં ઉપલબ્ધ વિશાળ કુશળ માનવબળ, મજબૂત સ્ટીલ ઉદ્યોગ અને નવી ટેકનોલોજી અપનાવવાની ક્ષમતા ભારતને વૈશ્વિક સ્તરે શિપ ડિઝાઇન અને રીપેરિંગ (MRO) નું પ્રમુખ કેન્દ્ર બનાવશે.

(7:55 PM IST)