News of Monday, 24th August 2026
તામિલનાડુમાં સરકારી હોસ્પિટલોમાં જન્મેલા દરેક બાળકને એક ગ્રામ સોનાની વીંટી આપવામાં આવશે
૧.૨૮ લાખ વીંટી માટે કુલ ૭૫૫ કરોડ રૂપિયાનું બજેટ મુકાયું

ચેન્નાઇ તા.૨૪: તામિલનાડુમાં મુખ્ય પ્રધાન વિજયના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત બાળકો માટે સાંસ્કૃતિક મૂલ્યો સાથે જોડાયેલી ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ' નામની અનોખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ સરકારી હોસ્પિટલોમાં જન્મ લેનારા દરેક બાળકને એક ગ્રામ સોનાની વીંટી ભેટમાં આપવામાં આવશે.
તામિલ સંસ્કૃતિમાં ‘થાઇમામન સીર' એટલે કે મામા દ્વારા ભેટ આપવાની એક ખાસ પરંપરા છે. હવે રાજ્ય સરકાર દરેક નવજાત બાળક માટે મામાની ભૂમિકા ભજવીને આ ભેટ આપશે. વર્તમાન બજારભાવ મુજબ એક ગ્રામ સોનાની વીંટીની કિમત અંદાજે ૧૩,૬૦૦ રૂપિયા છે. આ યોજનાનો સત્તાવાર પ્રારંભ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સી. એન. અન્નાદુરાઈની જયંતી ૧૫ સપ્ટેમ્બરે કરવામાં આવશે. જોકે એનો અમલ ૨૦૨૬ની બાવીસ જૂનથી જ પ્રભાવી ગણાશે.
રાજ્યમાં દર વર્ષે ૭.૮ લાખ બાળકો જન્મે છે. એમાંથી ૪.૨ લાખ બાળકોની ડિલિવરી સરકારી હોસ્પિટલોમાં થાય છે. આ યોજના માટે સરકારે ૭૫૫.૮૩ કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ ફાળવ્યું છે. સરકારી હોસ્પિટલમાં ડિલિવરીનો સરેરાશ ખર્ચ માત્ર ૧૩૬૪ રૂપિયા આવે છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં આ ખર્ચ ૬૩,૦૦૦ રૂપિયાથી પણ વધુ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે વાલીઓએ આધાર કાર્ડ, રેશન કાર્ડ કે વોટર આઇડેન્ટિટી (ID) કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડશે. આ યોજનામાં જાતિ કે જન્મક્રમના આધારે કોઈ જ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
