News of Monday, 24th August 2026
૩ ફ્રી LPG સિલિન્ડર, ટ્રાન્સજેન્ડર્સ અને મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરી
તમિલનાડુના મુખ્યમંત્રી વિજયનો મોટો ધડાકો

ચેન્નાઈ, તા.૨૪: તમિલનાડુમાં રાજ્ય સરકારે સામાન્ય જનતા માટે કલ્યાણકારી યોજનાઓનો મોટો પિટારો ખોલી દીધો છે. મુખ્યમંત્રી જોસેફ વિજયે વિધાનસભામાં અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરતા મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મફત બસ પ્રવાસ અને ગરીબ પરિવારો માટે વાર્ષિક ૩ મફત એલપીજી સિલિન્ડર આપવાની યોજનાનું એલાન કર્યું છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના કરોડો નાગરિકોને સીધો આર્થિક ફાયદો થશે, જેની પાછળ સરકારી તિજોરી પર વાર્ષિક કરોડો રૂપિયાનો વધારાનો બોજ પડશે.
મુખ્યમંત્રી વિજયે અન્નપૂર્ણી સુપર સિક્સ યોજના હેઠળ જાહેરાત કરી હતી કે રૂ.૨.૫ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા આશરે ૧૩ મિલિયન પરિવારોને દર વર્ષે ૩ ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. આ યોજના આવતા વર્ષે પોંગલના તહેવારથી લાગુ કરવામાં આવશે, જેમાં લાભાર્થીઓ દ્વારા ખરીદેલા સિલિન્ડરના નાણાં સીધા તેમના બેંક ખાતામાં ડીબીટી દ્વારા જમા થશે. વૈશ્વિક પરિસ્થિતિઓ અને ચાલુ ગલ્ફ વોરને કારણે વધતા ભાવ વચ્ચે સામાન્ય પરિવારો પરથી આર્થિક બોજ ઓછો કરવા માટે આ નિર્ણય લેવાયો છે, જેનાથી તિજોરી પર વાર્ષિક રૂ.૪,૦૦૦ કરોડનો બોજ આવશે.
આ ઉપરાંત, મહિલાઓ માટેની વેત્રી પાયના થિટ્ટમ યોજનાનો વ્યાપ વધારીને હવે સામાન્ય બસો ઉપરાંત એક્સપ્રેસ, LSS અને ડિલક્સ બસો તેમજ આંતર-જિલ્લા રૂટ પર પણ મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર લોકો માટે મુસાફરી મફત કરી દેવાઈ છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે કે ૨ ઓક્ટોબરથી અમલમાં આવનાર આ યોજનાથી સરકાર પર વાર્ષિક રૂ.૬,૦૦૦ કરોડનો વધારાનો ખર્ચ થશે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે મહિલાઓની પ્રગતિ અને આર્થિક સ્વતંત્રતા માટે પરિવહન મુક્ત હોવું જરૂરી છે જેથી કોઈ પણ મહિલા તકોથી વંચિત ન રહે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
