News of Monday, 24th August 2026
સિમ કાર્ડ ધારકો માટે મોટા સમાચારઃ ૯ કનેક્શનની મર્યાદા વટાવશો તો ૧૦મું સિમ નહી મળેઃ
DoTના નવા નિયમો લાગુઃ ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મની મદદથી ઓળખ કરી ટેલિકોમ કંપનીઓનો નવી સિમ આપવાનો સ્પષ્ટ ઇનકાર

નવી દિલ્હી, તા.૨૪: સિમ કાર્ડ ખરીદીના નામે થતી ગેરરીતિઓ, સાયબર ફ્રોડ અને નાણાકીય ગુનાઓ પર કડક લગામ કસવા માટે કેન્દ્રીય ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરી આજે, ૨૪ ઓગસ્ટ ૨૦૨૬થી તેનો કડક અમલ શરૂ કરી દેવાયો છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે એક જ વ્યક્તિના નામે ચોક્કસ મર્યાદા કરતાં વધુ મોબાઇલ કનેક્શન હશે, તો તેમને ૧૦મું નવું સિમ કાર્ડ ફાળવવામાં આવશે નહીં.
સરકારના નિયમ મુજબ દેશના મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક વ્યક્તિ પોતાના નામે મહત્તમ ૯ (નવ) મોબાઇલ કનેક્શન રાખી શકે છે. આ મર્યાદા કોઈ એક જ કંપની સુધી સીમિત નથી, પરંતુ તમામ કંપનીઓના કનેક્શન મળીને ગણવામાં આવશે. દાખલા તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે અલગ-અલગ કંપનીના થઈને કુલ ૯ કનેક્શન કાર્યરત હશે, તો તે દસમા સિમ કાર્ડ માટે યોગ્ય ગણાશે નહીં.
દેશના સુરક્ષાત્મક દ્રષ્ટિકોણથી સંવેદનશીલ ગણાતા લાઇસન્સ પ્રાપ્ત સેવા ક્ષેત્રો જેવા કે જમ્મુ અને કાશ્મીર, આસામ તેમજ ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ગ્રાહક દીઠ મહત્તમ ૬ (છ) મોબાઇલ કનેક્શનની જ મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.
ગ્રાહકો મર્યાદા વટાવીને નવું સિમ મેળવી ન શકે તે માટે DoT દ્વારા વિકસાવવામાં આવેલા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. ૨૩ ઓગસ્ટ ૨૦૨૬થી મર્યાદા સુધી પહોંચી ગયેલા ગ્રાહકોના પ્રતિનિધિ ફોટોગ્રાફ્સ DIP પર ટેલિકોમ કંપનીઓ માટે ઉપલબ્ધ કરાવી દેવાયા છે. જ્યારે પણ કોઈ ગ્રાહક નવું સિમ ખરીદવા અરજી કરશે અથવા કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરશે, ત્યારે કંપનીઓ આ સેન્ટ્રલ ડેટાબેઝ પરથી રીઅલ-ટાઇમમાં ચકાસણી કરશે.
હાલ શરૂઆતના તબક્કામાં ટેલિકોમ કંપનીઓને આ ચકાસણી સિસ્ટમ પોસ્ટ-ફેક્ટો (એક્ટિવેશન પછીના તબક્કે) લાગુ કરવાની અસ્થાયી છૂટ આપવામાં આવી છે. પરંતુ જો કોઈ ટેકનિકલ કારણોસર અથવા ભૂલથી નિયત મર્યાદા કરતાં વધુ સિમ કાર્ડ એક્ટિવેટ થઈ જશે, તો તે કનેક્શનને દિવસ દરમિયાન તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવશે. DoT એ તમામ ટેલિકોમ ઓપરેટરોને ૩૦ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં આ ચકાસણી પ્રક્રિયાને સંપૂર્ણપણે રીઅલ-ટાઇમ એનરોલમેન્ટ અને એક્ટિવેશન સિસ્ટમમાં સાંકળી લેવા આદેશ આપ્યો છે.
જો ગ્રાહકોને પોતાના નામે કેટલા સિમ એક્ટિવ છે તે જાણવું હોય, તો તેઓ સરકારના અધિકળત જઈને ચકાસણી કરી શકે છે અને અજાણ્યા નંબરોને બ્લોક કરવાની અરજી પણ કરી શકે છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
