<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

"કેન્દ્રની ના અને સીએમનો પ્રવાસ રદ": મુખ્યમંત્રીઓની વિદેશ મુલાકાત માટે કેન્દ્રની મંજૂરી કેમ જરૂરી? જાણો સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા

તેલંગાણાના CM રેવંત રેડ્ડીનો યુએસ પ્રવાસ અટકાયા બાદ રાજકારણ ગરમાયું; MEA ની 'રાજકીય મંજૂરી' ના કડક નિયમો ફરી ચર્ચામાં

 

 

હૈદરાબાદ, તા.૨૪: તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીનો પ્રસ્તાવિત અમેરિકા પ્રવાસ કેન્દ્ર સરકાર તરફથી રાજકીય મંજૂરી (Political Clearance) ન મળવાના કારણે છેલ્લી ઘડીએ રદ થતાં દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રેવંત રેડ્ડી ૨૦ ઓગસ્ટે યુકેના ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે ગયા હતા અને ત્યાંથી તેઓ સીધા અમેરિકા જવાના હતા. જોકે, અમેરિકા પ્રવાસ માટે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે મંજૂરી ન આપતાં તેમને લંડનથી જ ભારત પરત ફરવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ બંધારણીય હોદ્દો ધરાવતા મુખ્યમંત્રીઓ અને રાજ્યના મંત્રીઓની વિદેશ મુલાકાત માટેના નિયમો અને પ્રક્રિયા ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચાના કેન્દ્રસ્થાને આવ્યા છે.


કેન્દ્ર સરકારે કેમ ના પાડી? MEA એ આપી સ્પષ્ટતા
વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોઈ પણ મુખ્યમંત્રી કે રાજ્યના પ્રતિનિધિમંડળના વિદેશ પ્રવાસનું મૂલ્યાંકન તેમના હોદ્દાની ગરિમા અને મુલાકાતના મુખ્ય હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. અમેરિકામાં મુખ્યમંત્રી માટે જે કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો, તે તેમના બંધારણીય પદના દરજ્જા અને મુલાકાતના હેતુ સાથે સુસંગત જણાતો નહોતો. આથી તેમને રાજકીય મંજૂરી આપવામાં આવી નહોતી. જોકે, મંત્રાલયે તેમના યુકે પ્રવાસને યોગ્ય ગણીને અગાઉ મંજૂરી આપી જ હતી.


મુખ્યમંત્રીઓ માટે શું છે મંજૂરીની કાયદાકીય પ્રક્રિયા?
ભારતના બંધારણીય માળખા મુજબ, કોઈપણ રાજ્યના મુખ્યમંત્રી કે મંત્રી સરકારી કે ખાનગી વિદેશ પ્રવાસે જાય ત્યારે તેમણે કેબિનેટ સચિવાલય (Cabinet Secretariat) અને વિદેશ મંત્રાલયને અગાઉથી જાણ કરવાની રહે છે.


•    ઇ-પોલિટિકલ ક્લિયરન્સ: વિદેશ પ્રવાસ માટે વિદેશ મંત્રાલયના ખાસ 'ઇ-પોલિટિકલ ક્લિયરન્સ પોર્ટલ' મારફતે ઓનલાઇન અરજી કરવાની હોય છે.

•    મંજૂરીના મુખ્ય આધાર: મંજૂરી આપતા પહેલા યજમાન દેશ અથવા આમંત્રિત સંસ્થાનો ટ્રેક રેકોર્ડ, પ્રસ્તાવિત બેઠકોનું સ્તર, મુલાકાતનો હેતુ, પ્રતિનિધિમંડળની રચના, ભારતના તે દેશ સાથેના રાજદ્વારી સંબંધો અને સુરક્ષા પ્રોટોકોલ જેવી બાબતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવે છે.

•    હેતુ: આ મંજૂરીનો મુખ્ય આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે દેશના કોઈપણ બંધારણીય પદાધિકારીની વિદેશ મુલાકાત ભારતની વૈશ્વિક વિદેશ નીતિ, રાષ્ટ્રીય સુરક્ષા કે રાજદ્વારી હિતો સાથે વિરોધાભાસી ન ઊભી કરે.

કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદો માટેના કડક નિયમો
માત્ર શાસક કે વિરોધ પક્ષના મુખ્યમંત્રીઓ જ નહીં, પરંતુ કેન્દ્રીય મંત્રીઓ માટે પણ નિયમો અત્યંત કડક છે. કેન્દ્રીય મંત્રીઓએ વિદેશ મંત્રાલયની રાજકીય મંજૂરી ઉપરાંત સીધા વડાપ્રધાન (PMO) ની મંજૂરી લેવી પડે છે. આ ઉપરાંત સંસદસભ્યો (MPs) ના વિદેશ પ્રવાસ માટે ગૃહ મંત્રાલય (MHA) તરફથી ફોરેન કન્ટ્રીબ્યુશન એક્ટ (FCRA) અંતર્ગત મંજૂરી મેળવવી ફરજિયાત હોય છે.


ભૂતકાળમાં પણ અટકાવવામાં આવ્યા છે મુખ્યામંત્રીઓના પ્રવાસ
કેન્દ્ર સરકાર દ્વારા વિદેશ પ્રવાસની પરવાનગી ન મળી હોય તેવી આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક મુખ્યમંત્રીઓની વિદેશ મુલાકાતો અટકાવાઈ છે:


•    અરવિંદ કેજરીવાલ: ૨૦૧૯ માં કોપનહેગન ક્લાઇમેટ સમિટ અને ૨૦૨૨ માં સિંગાપોર વર્લ્ડ સિટીઝ સમિટ માટે પરવાનગી નકારી કાઢવામાં આવી હતી.

•    મમતા બેનર્જી: ૨૦૧૮ ની ચીન મુલાકાત અને ૨૦૨૧ માં રોમમાં આયોજિત શાંતિ સંમેલનમાં ભાગ લેવા જવાની મંજૂરી મળી નહોતી.

•    અન્ય નેતાઓ: ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ તરુણ ગોગોઈ (અસમ) અને અર્જુન મુંડા (ઝારખંડ) ના પણ વિદેશ પ્રવાસો ભૂતકાળમાં કેન્દ્ર સરકાર દ્વારા અટકાવવામાં આવ્યા છે.

સમગ્ર પ્રક્રિયા પાછળ કેન્દ્ર સરકારનો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના તમામ રાજ્યો અને બંધારણીય નેતાઓ ભારતની એકીકૃત વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોના દાયરામાં રહીને જ આંતરરાષ્ટ્રીય મંચ પર પ્રતિનિધિત્વ કરે તે સુનિશ્ચિત કરવાનો છે.

(3:55 PM IST)