તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Monday, 24th August 2026
"આર્થિક પ્રતિબંધો વચ્ચે ઈરાનનો મોટો ધમાકો": ફાર્સ પ્રાંતમાં ૨૧૨ અબજ ઘન મીટર કુદરતી ગેસનો વિશાળ ભંડાર મિલ્યો
અમેરિકા અને ઇઝરાયેલના આર્થિક દબાણ સામે તેહરાનની મોટી સફળતા; હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની આપી ગંભીર ચેતવણી

તેહરાન, તા.૨૪: અમેરિકા અને ઇઝરાયેલ તરફથી સતત વધી રહેલા આર્થિક પ્રતિબંધો અને સૈન્ય દબાણ વચ્ચે ઈરાને ઉર્જા ક્ષેત્રે એક મોટી સફળતા હાંસલ કરી છે. ઈરાને દક્ષિણ ફાર્સ પ્રાંતમાં ૨૧૨ અબજ ઘન મીટરથી વધુ કુદરતી ગેસનો એક વિશાળ ભંડાર શોધી કાઢ્યો છે. દેશના પેટ્રોલિયમ મંત્રી મોહસેન પાકનેજાદે રવિવારે રાજ્ય ટેલિવિઝન પર આ ઐતિહાસિક શોધની સત્તાવાર જાહેરાત કરી હતી.
ઓછા ખર્ચે ઉત્પાદન શક્ય: "મીઠો" કુદરતી ગેસ
પેટ્રોલિયમ મંત્રી પાકનેજાદના જણાવ્યા અનુસાર, આ નવા ક્ષેત્રમાંથી આશરે ૧૬૦ અબજ ઘન મીટરથી વધુ ઉપયોગી ગેસ સહેલાઈથી કાઢી શકાય તેમ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ ભંડારમાં રહેલો ગેસ "મીઠો" (Sweet Natural Gas) પ્રકારનો છે, એટલે કે તેમાં હાઇડ્રોજન સલ્ફાઇડનું પ્રમાણ અત્યંત નહિવત છે. આ ખાસિયતને કારણે આ ક્ષેત્રમાંથી ગેસનું ઉત્પાદન કરવાનો સમય અને પ્રોસેસિંગ ખર્ચ બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઈરાન સરકાર આ ભંડારનો ઝડપથી વિકાસ કરવા માટે તાત્કાલિક પગલાં ભરી રહી છે.
યુએસ-ઇઝરાયેલી હુમલા અને પ્રતિબંધો સામે મજબૂત પાયો
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ, ઈરાનનું ઉર્જા ક્ષેત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા તેના માળખાગત સુવિધાઓ પર કરવામાં આવેલા હુમલાઓ તેમજ કડક આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આવી વિષમ પરિસ્થિતિઓમાં ગેસનો આટલો મોટો ભંડાર મળી આવવો એ ઈરાનના આર્થિક અને ઉર્જા ભવિષ્ય માટે અત્યંત મજબૂત પાયો સાબિત થશે.
ઓઈલ નિકાસ રોકવાની અને યુદ્ધની ઈરાનની ખુલ્લી ધમકી
બીજી તરફ, આ શોધ બાદ રાજકીય ગરમાવો પણ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી મોહસેન રેઝાઈએ સોશિયલ મીડિયા પર આકરા તેવર બતાવતા ચેતવણી આપી છે કે, "જો અમેરિકાનું આર્થિક યુદ્ધ ચાલુ રહેશે, તો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) કે પર્સિયન ગલ્ફમાંથી તેલનું એક પણ ટીપું બહાર નિકાસ થવા દેવામાં આવશે નહીં." તેમણે સ્પષ્ટ કર્યું કે ઈરાન સામેના આર્થિક યુદ્ધમાં અમેરિકાને સાથ આપનારા કોઈપણ દેશને ઈરાન સામે સીધા યુદ્ધમાં સામેલ ગણવામાં આવશે.
ટ્રમ્પનો 'આર્થિક પ્રલય' અને વાટાઘાટોનું અસ્પષ્ટ ભવિષ્ય
રેઝાઈનું આ નિવેદન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તાજેતરની ટિપ્પણીઓના જવાબરૂપે આવ્યું છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને ઈરાનને આર્થિક જીવનરેખા પૂરી પાડતા દેશો સામે "અત્યાર સુધીની સૌથી કારમી આર્થિક કાર્યવાહી" કરવાની ધમકી આપી હતી અને તેને "આર્થિક દિવસ" (Economic Doomsday) ગણાવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે, ૧૮ જૂનના રોજ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે પ્રદેશમાં યુદ્ધવિરામ અને અંતિમ કરાર પર પહોંચવા માટે ૬૦ દિવસની વાટાઘાટોની મુદત નક્કી કરવામાં આવી હતી, જે સોમવારે પૂર્ણ થઈ છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધતા તણાવને કારણે આ વાટાઘાટોનું ભાવિ હવે સંપૂર્ણપણે અંધકારમય અને અસ્પષ્ટ બની ગયું છે.
(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
