<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

રૂ. ૩૦,૦૦૦ કરોડના દેશવ્યાપી ડિજિટલ અરેસ્ટ તથા સાયબર ફ્રોડ કૌભાંડ પર ઈડીનો સર્જિકલ સ્ટ્રાઈક: મુંબઈથી બે મહાઠગોની ધરપકડ, ૨૦ રાજ્યોમાં ફેલાયેલા નેટવર્ક અને ડમી કંપનીઓનો પર્દાફાશ

​ગોવામાં મહિલા સાથે ૨.૬૦ કરોડની ઠગાઈથી શરૂ થયેલી તપાસમાં ૩૦૦ જેટલી ફરિયાદો અને ૧૬૦ FIRનો ખુલાસો, ડ્રાઈવરોને ડાયરેક્ટર બનાવી રૂ. ૨૭,૦૦૦ કરોડના બેંક વ્યવહારો અને રૂ. ૩,૦૦૦ કરોડના રોકડ વ્યવહારો આચર્યાનું બહાર આવ્યું

​મુંબઈ / પંજી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમગ્ર દેશમાં હાહાકાર મચાવનારા રૂ. ૩૦,૦૦૦ કરોડના સાયબર ફ્રોડ અને 'ડિજિટલ અરેસ્ટ' મની લોન્ડરિંગ કેસમાં મોટી કાર્યવાહી કરીને મુંબઈમાંથી બે મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના મહેસૂલ વિભાગ હેઠળ કામ કરતી તપાસ એજન્સીએ મુંબઈમાંથી ફહીમ મોઈન હુસૈન સૈયદ અને નઈમ મુઈન સૈયદ નામના બે આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. દેશના ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા આ સાયબર ક્રાઈમ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં નિર્દોષ નાગરિકો સાથે આશરે રૂ. ૪,૦૦૦ કરોડની પ્રત્યક્ષ ઠગાઈ આચરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

​આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ગોવાના પંજી ખાતે નોંધાયેલી એક ફરિયાદથી થયો હતો. મે અને જૂન ૨૦૨૫ દરમિયાન ગોવાની એક મહિલાને સાયબર ઠગોએ 'ડિજિટલ અરેસ્ટ' નો ડર બતાવીને કથિત 'સીક્રેટ સુપરવિઝન એકાઉન્ટ્સ'માં રૂ. ૨.૬૦ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તપાસ શરૂ કરાતાં દેશવ્યાપી કૌભાંડની કડીઓ ખુલવા લાગી હતી. મુંબઈની ખાસ PMLA કોર્ટે બંને આરોપીઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કરીને તેમને ગોવા લઈ જવાની મંજૂરી આપી છે, જ્યાં તેમને વિસ્તૃત પૂછપરછ માટે ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવશે.

​ઈડીની પડાતાલ દરમિયાન સામે આવ્યું છે કે આ નેટવર્ક દ્વારા રૂ. ૨૭,૦૦૦ કરોડના બેંક વ્યવહારો અને રૂ. ૩,૦૦૦ કરોડના રોકડ વ્યવહારો આચરવામાં આવ્યા છે. દેશભરમાં આ નેટવર્ક વિરૂદ્ધ ૩૦૦થી વધુ ફરિયાદો અને ૧૫૦થી ૧૬૦ જેટલી એફઆઈઆર નોંધાયેલી છે. ઠગાઈથી મેળવેલા નાણાં સૌપ્રથમ બોગસ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા, ત્યારબાદ રોકડ ઉપાડીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) માન્યતા પ્રાપ્ત મની ચેન્જર્સ દ્વારા તેને વિદેશી ચલણમાં કન્વર્ટ કરી લેવામાં આવતા હતા.

​તપાસમાં ગેરરીતિની એક ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. ઠગાઈના નાણાં વટાવવા માટે ઊભી કરાયેલી શેલ (ડમી) કંપનીઓમાં એક-એક રૂમની ખોલીમાં રહેતા ડ્રાઈવરો અને સામાન્ય કર્મચારીઓને ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા. ઈડી દ્વારા જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ગોવા તેમજ મુંબઈ ખાતે પાડવામાં આવેલા દરોડા દરમિયાન રૂ. ૩.૨૫ કરોડની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે. હાલ એજન્સી આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા તાર અને અન્ય સાથીદારોની શોધખોળ કરી રહી છે.

(4:01 PM IST)