<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

CINTAA માં વર્ચસ્વની લડાઈ આમને-સામને: ઉપાસના સિંહના ‘સરમુખત્યારશાહી’ના આરોપો પર પદ્મિની કોલ્હાપુરેનો પલટવાર

‘શું વરિષ્ઠ કલાકારો પાસે પોતાનું મગજ નથી?’: કોરમ અને બહુમતીથી નિર્ણયો લેવાતા હોવાનું કહી પ્રેસ કોન્ફરન્સમાં પદ્મિની અને પૂનમ ઢિલ્લોને રજૂ કર્યો પોતાનો પક્ષ

 

મુંબઈ, તા.24: સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન (CINTAA) માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે વધુ તીવ્ર બન્યો છે. પૂર્વ મહાસચિવ ઉપાસના સિંહ દ્વારા પૂનમ ઢિલ્લોન અને પદ્મિની કોલ્હાપુરે પર લગાવાયેલા "સરમુખત્યારશાહી" અને એકહથ્થુ શાસનના આરોપો સામે CINTAA ના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને અનુભવી અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ મૌન તોડ્યું છે. એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

 

પોતાનો પક્ષ રજૂ કરતા પદ્મિની કોલ્હાપુરેએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, "શું તમને લાગે છે કે આટલા વરિષ્ઠ કલાકારો બે લોકોનું આંધળું અનુકરણ કરશે? રાકેશ બેદી, યશપાલ શર્મા કે પિન્ટુ જી જેવા અનુભવી કલાકારો શું 'હા માં હા' મિલાવનારા લોકો છે? શું એમની પાસે પોતાનું મન નથી?" તેમણે સ્પષ્ટ કર્યું કે એક્ઝિક્યુટિવ કમિટી (EC) માં કોઈપણ નિર્ણય એકપક્ષીય રીતે લેવાતો નથી. દરેક નિર્ણય આઠ સભ્યોના કોરમ અને બહુમતીના મતદાનથી જ નક્કી કરવામાં આવે છે.

 

પદ્મિનીએ સમિતિના વિસર્જન અંગે ફેલાયેલી અફવાઓનો છેદ ઉડાડતા જણાવ્યું કે, "CINTAA ની વર્તમાન કમિટી સંપૂર્ણપણે કાયદેસર છે અને તેને વિસર્જન કરવામાં આવી નથી. અમે બંધારણ મુજબ કામ કરી રહ્યા છીએ અને અમારો એકમાત્ર ઉદ્દેશ્ય સભ્યોનું કલ્યાણ કરવાનો છે."

 

ઉલ્લેખનીય છે કે, ઉપાસના સિંહે આરોપ લગાવ્યો હતો કે પૂનમ ઢિલ્લોન અને પદ્મિની કોલ્હાપુરે સંસ્થા પર સંપૂર્ણ નિયંત્રણ રાખવા માગે છે અને જે સભ્યો તેમની વાત નથી માનતા તેમને બાજુ પર કરી દેવામાં આવે છે. આંતરિક મતભેદો અને રાજીનામા બાદ CINTAA નું રાજકારણ ગરમાયું છે.

(4:52 PM IST)