<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

મામા ગોવિંદાના વિવાદ પર કૃષ્ણા અભિષેકે મૌન તોડ્યું: ‘અમારા ઘરની વાત કરીને લોકો ફૂટેજ લઈ રહ્યા છે, જે મને જરાય પસંદ નથી’

કૌટુંબિક ડ્રામા વચ્ચે કૃષ્ણાની પાપારાઝીને ખાસ વિનંતી; અંગત વિવાદો ઘર સુધી જ મર્યાદિત રહે તેવી વ્યક્ત કરી લાગણી

મુંબઈ, તા.24: અભિનેતા અને પ્રખ્યાત હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક સોમવારે મુંબઈ એરપોર્ટ પર 'ધી ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'ના તેના સહ-કલાકાર કિકુ શારદા સાથે જોવા મળ્યો હતો. જ્યારે આ જોડી એક કાર્યક્રમ માટે ઉદયપુર જવા રવાના થઈ રહી હતી, ત્યારે પાપારાઝીઓએ તેમને ઘેરી લીધા હતા. આ દરમિયાન કૃષ્ણાએ તેના મામા ગોવિંદા અને મામી સુનિતા આહુજા વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને પાપારાઝીને સંવેદનશીલ સવાલો ન પૂછવા વિનંતી કરી હતી.

 

મામા-મામીના સંબંધી ચાલી રહેલી ચર્ચાઓ પર કૃષ્ણાએ કહ્યું કે, "તમે મસ્તીના સવાલો પૂછો, પરંતુ મામા કે ઘરની બાબતો અંગે સવાલ ન કરો. મેં જોયું છે કે અમારા ઘરની વાતો કરીને બાકીના ઘણા લોકો બિનજરૂરી 'ફૂટેજ' લઈ રહ્યા છે. ઘરની વાત ઘરની અંદર જ રહેવી જોઈએ. મને બિલકુલ પસંદ નથી કે બહારના લોકો આ વિષય પર આટલી બધી વાત કરી રહ્યા છે."

 

કૃષ્ણાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે તે પોતાના પરિવાર અંગે કોઈ નકારાત્મક નિવેદન આપશે નહીં. તેણે કહ્યું કે, "હું ગોવિંદામામા અને સુનિતામામી  બંનેને ખૂબ પ્રેમ કરું છું. મારી ભગવાનને પ્રાર્થના છે કે ટૂંક સમયમાં બધું સારું થઈ જાય અને બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય."

 

બીજી તરફ, ગોવિંદા અને સુનિતા વચ્ચેનો વિવાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે, જ્યાં બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હોવાના અહેવાલો છે. ગોવિંદાએ પોતાના અંગત જીવન વિશે ફેલાવવામાં આવતા ખોટા અહેવાલો અને AI-જનરેટેડ કન્ટેન્ટ સામે કાનૂની નોટિસ ફટકારીને ₹100 કરોડના દાવાની ચેતવણી આપી છે. જોકે, સુનિતા આહુજાએ તાજેતરમાં મુંબઈની ફેમિલી કોર્ટમાં ગોવિંદા સામે દાખલ કરેલો છૂટાછેડાનો કેસ પાછો ખેંચી લીધો હોવાની માહિતી અભિનેતાના મેનેજરે આપી છે.

(4:53 PM IST)