<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

અદાણી ગ્રુપ મામલે સેબીનું મોટું પગલું: તપાસનો સામનો કરી રહેલા વિદેશી ફંડ્સની સેટલમેન્ટ અરજીઓ ફગાવી

આવશ્યક શરતો પૂરી ન થતાં સેબીએ લીધો આકરો નિર્ણય; અદાણી ગ્રુપની કંપનીઓમાં શેરહોલ્ડિંગને લઈને 2020થી ચાલી રહી છે વ્યાપક તપાસ

 

નવી દિલ્હી, તા.24: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અદાણી ગ્રુપની કંપનીઓમાં હિસ્સો ધરાવતા વિવિધ વિદેશી ભંડોળ (Foreign Portfolio Investors) દ્વારા દાખલ કરવામાં આવેલી સેટલમેન્ટ અરજીઓને ફગાવી દીધી છે. સેબીના નિયમો અને આવશ્યક શરતોને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેતા નિયમનકારે આ સેટલમેન્ટ પ્રપોઝલ્સ નકારી કાઢી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, સેબીએ વિદેશી ફંડ્સના પ્રતિનિધિઓને આ નિર્ણય અંગે સત્તાવાર જાણ કરી દીધી છે. વર્ષ 2020 થી ચાલી રહેલી તપાસનો અંત લાવવા અને કેસનો સમાજધાનપૂર્વક ઉકેલ લાવવા માટે લગભગ 13 જેટલા વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ નિયમનકારનો સંપર્ક કર્યો હતો. સેબી એ બાબતની તપાસ કરી રહી છે કે આ ઓફશોર ફંડ્સ ખરેખર સ્વતંત્ર જાહેર શેરધારકો છે કે પછી અદાણી ગ્રુપના પ્રમોટર્સ વતી કામ કરી રહ્યા છે.

 

જે ફંડ્સ સામે સેબીની તપાસ ચાલી રહી છે તેમાં અલ્બુલા ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ક્રેસ્ટા ફંડ, એશિયા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (મોરિશિયસ), APMS ઇન્વેસ્ટમેન્ટ ફંડ, એલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, વેસ્પેરા ફંડ અને LTS ઇન્વેસ્ટમેન્ટ ફંડ જેવા અગ્રણી વિદેશી રોકાણકારો સામેલ છે. સેબી દ્વારા માગવામાં આવેલી ચોક્કસ માહિતી પૂરી પાડવામાં કેટલાંક ફંડ્સે અસમર્થતા દર્શાવી હતી, જ્યારે કેટલાકે સેટલમેન્ટની શરતો સામે વિરોધ નોંધાવ્યો હતો.

 

આ સમગ્ર મુદ્દો 2023 માં અમેરિકી શોર્ટ-સેલર 'હિન્ડેનબર્ગ રિસર્ચ'ના અહેવાલ બાદ વધુ વિવાદમાં આવ્યો હતો, જેમાં અદાણી ગ્રુપ પર નિયમનકારી અને કોર્પોરેટ ગવર્નન્સ અનિયમિતતાઓનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ તમામ તપાસ હેઠળના વિદેશી ફંડ્સ સાથે કોઈ પણ પ્રકારનો સીધો સંબંધ હોવાનો અગાઉ પણ સ્પષ્ટ ઇનકાર કર્યો છે. સેબી દ્વારા સમાધાન અરજીઓ રદ કરાતાં હવે આ કાનૂની અને નિયમનકારી પ્રક્રિયા વધુ લાંબી ખેંચાય તેવી શક્યતા છે.

(4:56 PM IST)