News of Monday, 24th August 2026
ભીખ માંગીને ગુજારાન ચલાવતી વૃદ્ધાના અવસાન બાદ ઘરમાંથી મળ્યો ખજાનો: સિક્કા ભરેલી 30 બોરીઓ અને રોકડ જોઈ આખું ગામ દંગ!
કર્ણાટકના માંડ્યામાં 69 વર્ષીય નૂરબેનના કુદરતી મૃત્યુ બાદ સફાઈ દરમિયાન ખુલી ગુપ્ત તિજોરી; બેંક બેલેન્સ અને રોકડ મળીને કુલ ₹8.40 લાખની બચત સામે આવી

માંડ્યા : કર્ણાટકના માંડ્યા શહેરના ગુટ્ટાલુ રોડ પર આવેલા સબ્દરિયાબાદ મોહલ્લામાંથી એક ચોંકાવનારો અને આશ્ચર્યચકિત કરી દેતો કિસ્સો સામે આવ્યો છે. અહીં વર્ષોથી શેરીઓ અને ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગીને પોતાનું એકલવાયું જીવન વિતાવતા 69 વર્ષીય વૃદ્ધા 'નૂર' (હૂર) નું તાજેતરમાં વધતી ઉંમર અને બીમારીના કારણે કુદરતી રીતે અવસાન થયું હતું. તેમના નિધન બાદ સ્થાનિકો અને પરિવારજનોએ ધાર્મિક વિધિ મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા, પરંતુ તે પછી જે બન્યું તેનાથી આખું શહેર અવાચક રહી ગયું છે.
અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ થયા બાદ જ્યારે પરિવારજનો અને સ્થાનિક રહીશોએ વૃદ્ધાની નાની ઝૂંપડીની તપાસ અને સફાઈ હાથ ધરી, ત્યારે ઘરમાંથી એક પછી એક પ્લાસ્ટિકની બોરીઓ નીકળવા લાગી હતી. તપાસ કરતા માલૂમ પડ્યું કે આ બધી જ 30થી વધુ નાની-મોટી બોરીઓ સિક્કાઓ તથા ₹10, ₹20 અને ₹50 ની ચલણી નોટોથી ચિક્કાર ભરેલી હતી. નૂરબેન દરરોજ ભીખમાં મળતા સિક્કા વાપરવાને બદલે તેને ઘરમાં પ્લાસ્ટિકની બોરીઓમાં છુપાવીને એકઠા કરતા હતા.
આ બોરીઓમાંથી સિક્કા અને નોટો ગણવા માટે સ્થાનિક લોકો અને પરિવારજનોએ કલાકો સુધી કાળી મજૂરી કરવી પડી હતી. ઘરમાંથી મળેલી મોટી રોકડ રકમ ઉપરાંત તપાસ દરમિયાન તેમના બેંક ખાતાની વિગતો પણ સામે આવી હતી. ઘરની રોકડ અને બેંક ડિપોઝિટ મળીને વૃદ્ધાની આજીવન બચતનો કુલ હિસાબ ₹8.40 લાખથી વધુ થવા જાય છે.
સ્થાનિક ઈસ્ટ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, વૃદ્ધાનું મૃત્યુ સંપૂર્ણપણે કુદરતી કારણોસર થયું હોવાથી કોઈ ગુનો કે શંકાસ્પદ કેસ નોંધવામાં આવ્યો નથી. સ્થાનિકો અને સંબંધીઓની હાજરીમાં આ તમામ રકમનો કાયદેસર રીતે યોગ્ય નિકાલ કરી સુપરત કરવામાં આવ્યો છે. એક સામાન્ય ભિક્ષુક મહિલાના ઘરમાંથી આટલી મોટી રકમ મળી આવતા સમગ્ર માંડ્યા શહેરમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે.
(5:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
