News of Monday, 24th August 2026
દિલ્હીમાં ભારે વરસાદ અને જળબંબાકાર વચ્ચે રાજકારણ ગરમાયું: AAP કાઉન્સિલરો હાથમાં હોડી અને કચરો લઈને MCDની બેઠકમાં પહોંચ્યા, ગૃહમાં ભારે હોબાળો
પાણી ભરાવાની અને કચરાની સમસ્યાને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર; સંગમ વિહાર અને સદર બજારમાં કમરડૂબ પાણીમાં ચાલવા લોકો મજબૂર

નવી દિલ્હી :દેશની રાજધાની દિલ્હીમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાવાની અને કચરાના ઢગલા થવાની સમસ્યા સામે આવી છે. આ સ્થિતિ વચ્ચે સોમવારે નવી દિલ્હીમાં MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી) ની હાઉસ મીટિંગ દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. દિલ્હીની કથળેલી વ્યવસ્થા અને જળબંબાકારની પરિસ્થિતિ સામે વિરોધ નોંધાવવા માટે આમ આદમી પાર્ટી (AAP) ના કાઉન્સિલરો હાથમાં કાગળ-પ્લાસ્ટિકની બોટો અને કચરો લઈને સિવિક સેન્ટર સ્થિત ગૃહમાં પહોંચ્યા હતા.
બેઠક શરૂ થતાં જ AAP કાઉન્સિલરોએ ગૃહની અંદર અને બહાર બોટ પ્રદર્શિત કરી કચરો ફેંકીને ભાજપ શાસિત MCD અને સરકાર સામે જોરદાર વિરોધ દર્શાવ્યો હતો. કાઉન્સિલરોએ "શરમ કરો! રાજીનામું આપો! જવાબ આપો!" ના જોરદાર નારા લગાવીને ગૃહનું કામકાજ રોકી દીધું હતું. વિરોધ કરી રહેલા કાઉન્સિલરોએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા અને વરસાદી પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, પરંતુ સત્તાધીશો જનતાની તકલીફો પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.
બીજી તરફ, સોમવારે પડેલા મુશળધાર વરસાદને કારણે દિલ્હીના અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ જનકપુરી વિસ્તારમાં સૌથી વધુ 67 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય કનોટ પ્લેસ, મથુરા રોડ, આઈટીઓ (ITO), ભૈરોન માર્ગ અને ઝાખીરા અંડરપાસ જેવા મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયો અનુસાર, સંગમ વિહાર અને જૂની દિલ્હીના સદર બજાર વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક રહીશો કમર સુધીના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
(6:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
