News of Monday, 24th August 2026
"મારી દીકરીને કઈ થશે તો કોણ જવાબદાર?" બાળકીને શાળામાં મચ્છર કરડતાં પિતા પહોંચ્યા ડીએમ દરબારે!
એમિટી યુનિવર્સિટીના પ્રોફેસરે સ્કૂલની બેદરકારી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો; વારંવારની રજૂઆત છતાં શાળા વહીવટીતંત્રે પગલાં ન લેતાં ડીએમએ તપાસના આદેશ આપ્યા

મુરાદાબાદ : ચોમાસાની સીઝનમાં મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધી રહ્યો છે ત્યારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી એક અનોખો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરની શિરડી સાંઈ પબ્લિક સ્કૂલમાં એલકેજી (LKG) માં અભ્યાસ કરતી ૬ વર્ષની માસુમ બાળકીને વર્ગખંડમાં મચ્છરોએ કરડી લેતાં તેના પ્રોફેસર પિતાએ શાળા વહીવટીતંત્રની બેદરકારી સામે મોરચો માંડ્યો છે. વારંવાર શાળા ડાયરીમાં ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આખરે પિતાએ જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) ને ઈમેઈલ કરીને કડક કાર્યવાહીની માગ કરી છે.
નોઈડાની એમિટી યુનિવર્સિટીમાં સહાયક પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. સોનુ સિંહે જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. રાજેન્દ્ર પેન્સિયાને મોકલેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ તેમની દીકરીના સુરક્ષિત ભવિષ્ય અને શિક્ષણ માટે શાળાને પૂરેપૂરી ફી ચૂકવે છે. તેમ છતાં શાળા પરિસરમાં સ્વચ્છતા અને જંતુનાશક દવાઓના છંટકાવ પ્રત્યે ઘોર ઉપેક્ષા દાખવવામાં આવી રહી છે. બાળકીને એકથી વધુ વખત મચ્છર કરડ્યા હોવાની રજૂઆત કરવા છતાં શાળા પ્રશાસને તેને ગંભીરતાથી લીધી ન હતી.
"અમે ફી ચૂકવીએ છીએ, બાળકોની સુરક્ષા કોણ સુનિશ્ચિત કરશે?"
પ્રોફેસર સોનુ સિંહે તીખો સવાલ ઉઠાવતા કહ્યું કે, "એક વાલી તરીકે અમે અમારા માસુમ બાળકોને સુરક્ષિત વાતાવરણની આશા સાથે શાળાના ભરોસે છોડીએ છીએ. જો શાળામાં મચ્છર કરડવાના કારણે મારી દીકરીને ડેન્ગ્યુ, મલેરિયા કે અન્ય કોઈ મચ્છરજન્ય ગંભીર રોગ થશે, તો તેની જવાબદારી કોણ લેશે?" આ ફરિયાદને પગલે વાલીઓ અને શાળાઓ વચ્ચે બાળકોની સુરક્ષાને લઈને નવી ચર્ચા જાગી છે.
ડીએમનો કડક આદેશ: તમામ શાળાઓમાં ફોગિંગ પૂરજોશમાં કરવા સૂચના
આ ફરિયાદને અત્યંત ગંભીરતાથી લેતાં જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. રાજેન્દ્ર પેન્સિયાએ જિલ્લા શાળા નિરીક્ષક (DIOS) ને તાત્કાલિક તપાસ કરવાના નિર્દેશ આપ્યા છે. DIOS રિતુ તોમરે જણાવ્યું હતું કે સંબંધિત ખાનગી શાળાને તુરંત જ ફોગિંગ કરવા અને મચ્છર નિયંત્રણના પગલાં લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. સાથોસાથ જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાઓને પણ સ્વચ્છતા જાળવવા અને નિયમિત કીટનાશક છંટકાવ કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે. જો કોઈ શાળા આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
