<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

સરકારી નોકરીઓ, પીએસયુ અને અનામત મુદ્દે રાજકીય સંગ્રામ: ખડગેના પ્રહારો સામે ચિરાગ પાસવાનનો જડબાતોડ જવાબ

કેન્દ્રમાં ખાલી પડેલી લાખો જગ્યાઓ અને પીએસયુના ખાનગીકરણને મુદ્દો બનાવી કોંગ્રેસે અનામત નાબૂદ કરવાનો મૂક્યો આરોપ: એનડીએના સહયોગી અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને બંધારણીય અધિકાર ગણાવી આપ્યો પડકાર

નવી દિલ્હી:  દેશમાં સરકારી નોકરીઓ અને અનામત  ના મુદ્દાને લઈને રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્રની મોદી સરકાર પર પાછલા બારણેથી અનામત વ્યવસ્થા ખતમ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ખડગેએ આંકડા રજૂ કરતાં દાવો કર્યો કે સરકારી ક્ષેત્રોમાં લાખો પદો ખાલી રાખીને, જાહેર ક્ષેત્રના સાહસો (PSUs)નું ખાનગીકરણ કરીને અને કાયમી નોકરીઓને કોન્ટ્રાક્ટ બેઝિસ પર ફેરવીને પિછાત વર્ગોના બંધારણીય અધિકારો છીનવવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના આ આક્રમક પ્રહારો વચ્ચે એનડીએ સરકારના કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા ચિરાગ પાસવાને અનામતના સમર્થનમાં મજબૂત સ્ટેન્ડ લીધું છે. પાસવાને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અનામત એ કોઈ સરકાર કે રાજનેતા દ્વારા આપવામાં આવતું "દાન" નથી, પરંતુ દેશના બંધારણે આપેલો મૌલિક અધિકાર છે. તેમણે ઉમેર્યું કે જ્યાં સુધી તેઓ સરકારમાં છે અને રામવિલાસ પાસવાનના પુત્ર તરીકે રાજકારણમાં સક્રિય છે, ત્યાં સુધી અનામત વ્યવસ્થાને નબળી પાડવાનો કે નાબૂદ કરવાનો કોઈ પણ પ્રયાસ સફળ થવા દેવામાં આવશે નહીં.

સમાજમાં હજુ પણ અસ્તિત્વ ધરાવતા જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાના ઉદાહરણો આપતાં ચિરાગ પાસવાને ભારપૂર્વક કહ્યું કે અનામતની સમીક્ષા કરવાનો વિચાર પણ દલિતો અને પછાતો પ્રત્યેની સંકુચિત માનસિકતા દર્શાવે છે. બીજી તરફ, ખડગેએ આરોપ લગાવ્યો હતો કે 2015માં કેન્દ્ર સરકારમાં જે ખાલી જગ્યાઓ 4.21 લાખ હતી તે વધીને 8.24 લાખથી વધુ થઈ ગઈ છે. સંરક્ષણ, રેલવે અને ગૃહ મંત્રાલય જેવા મહત્વના વિભાગોમાં મોટી સંખ્યામાં પદો ખાલી રાખીને એસસી, એસટી, ઓબીસી અને ઈડીબ્લ્યુએસ વર્ગને અનામતના લાભથી વંચિત રાખવાનો એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.

(7:51 PM IST)