<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કુંભના બજેટના 0.1% પણ મળ્યા હોત તો 125 શાળાઓ ન બચાવી શકાઈ હોત? સુપ્રીમ કોર્ટના જજનો મોટો સવાલ

સરકારની પ્રાથમિકતાઓ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરતા જસ્ટિસ પ્રસન્ના બી. વરાલેએ કહ્યું કે ધાર્મિક અને ભવ્ય માળખાકીય પ્રોજેક્ટ્સ વચ્ચે મરાઠી માધ્યમની શાળાઓ દમ તોડી રહી છે

મુંબઈ:  મહારાષ્ટ્રમાં શિક્ષણ ક્ષેત્રે કથળતી જતી પરિસ્થિતિ અને સતત બંધ થઈ રહેલી મરાઠી માધ્યમની પ્રાથમિક શાળાઓ અંગે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રસન્ના બી. વરાલેએ અત્યંત ગંભીર અને આંખ ઉઘાડનારી ચિંતા વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ધુળે જિલ્લામાં આયોજિત એક હાઇસ્કૂલના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે સરકારના આયોજનો અને બજેટ ફાળવણીની પ્રાથમિકતાઓ પર સોય ઝાટકીને સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કડક શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે જો સરકારે ધાર્મિક ઉત્સવો કે મોટા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પાછળ ખર્ચાતા જંગી ભંડોળમાંથી નાનો અમથો હિસ્સો પણ શિક્ષણ પાછળ વાપર્યો હોત, તો સેંકડો ગરીબ બાળકોનું ભવિષ્ય રોળાવું બચી ગયું હોત.

સરકારના અબજો રૂપિયાના ખર્ચનો ચીઠ્ઠો ખોલતા જસ્ટિસ વરાલેએ જણાવ્યું હતું કે, એક તરફ નાસિક-ત્ર્યંબકેશ્વર સિંહસ્થ કુંભ મેળા માટે ₹32,000 થી ₹34,000 કરોડ અને વિવિધ કોરિડોર પ્રોજેક્ટ્સ માટે ₹11,000 કરોડની માતબર રકમ ફાળવવામાં આવે છે. જો આ જંગી બજેટના માત્ર 0.01% હિસ્સો પણ (આશરે ₹32 કરોડ) શિક્ષણ ક્ષેત્રને આપ્યો હોત, તો મહારાષ્ટ્રમાં ભંડોળના અભાવે તાળાં લાગી ગયેલી 100 થી 125 શાળાઓને નવજીવન આપી શકાયું હોત. તેમણે પોતાના બાળપણના દિવસો યાદ કરતા કહ્યું કે, તેઓ પોતે મ્યુનિસિપલ અને જિલ્લા પરિષદની મરાઠી શાળાઓમાં ભણ્યા છે અને માતૃભાષામાં અભ્યાસ કરવાથી પ્રગતિ ક્યારેય અટકતી નથી.

ન્યાયાધીશ વરાલેએ રાજ્ય સરકારના ઘટતા જતા શિક્ષણ બજેટ સામે પણ ઘેરો અસંતોષ વ્યક્ત કર્યો હતો. એક બાજુ શાળાએ જતા વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી બાજુ શાળાઓનું શિક્ષણ બજેટ વર્ષોથી 13 ટકાના સ્તર સુધી પણ પહોંચી શક્યું નથી. શાળાઓમાં ભૌતિક સુવિધાઓનો એટલો અભાવ છે કે કેટલીક સરકારી વસવાટ ધરાવતી શાળાઓમાં જમીન પર સૂવા મજબૂર બનેલી ત્રણ છાત્રાઓ સાપના કરડવાથી કાળધર્મ પામી હતી. આ દુઃખદ ઘટનાનો ઉલ્લેખ કરીને તેમણે ભારપૂર્વક કહ્યું કે, માત્ર ભવ્ય ઇમારતો કે પ્રોજેક્ટ્સ બનાવવા પૂરતા નથી, પરંતુ દેશનું ભવિષ્ય ઘડતા પ્રાથમિક શિક્ષણ અને બાળકોની સુરક્ષા પર ધ્યાન આપવું સરકારો માટે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

(7:54 PM IST)