News of Monday, 24th August 2026
અમેરિકા જવાનું સપનું રોળાશે : H-1B અને OPT વિઝા પર નવી ફી ઝીંકવા ટ્રમ્પ સરકાર સક્રિય
લાખો ભારતીય આઈટી વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે યુએસમાં અભ્યાસ તથા કારકિર્દી બનાવવી અત્યંત મોંઘી બનશે : OPT અરજીઓ માટે $100,000 સુધીની ફીનો પ્રસ્તાવ

વોશિંગ્ટન: અમેરિકામાં અભ્યાસ કરવા અને ત્યારબાદ સ્થાયી થઈને કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને આઈટી વ્યાવસાયિકો માટે માઠા સમાચાર આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) દ્વારા H-1B વર્ક વિઝા અને F-1 ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) બંને પર ભારે નિયમનકારી ફી લાદવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવી છે. ઈમિગ્રેશન લો ફર્મ ફ્રેગોમેનના અહેવાલ મુજબ, આ બંને પ્રસ્તાવો હાલમાં રિવ્યૂ માટે ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ (OMB) સમક્ષ મોકલી દેવામાં આવ્યા છે.
યુએસ વિઝા સિસ્ટમમાં ભારતીયોનો દબદબો સૌથી વધુ છે, કારણ કે નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલી કુલ H-1B અરજીઓમાંથી 71% હિસ્સો માત્ર ભારતીય પ્રોફેશનલ્સનો હતો. જોકે, અમેરિકન સરકાર કોઈ ચોક્કસ રાષ્ટ્રીયતાના આધારે ફી વસૂલતી નથી, પરંતુ ભારતીય અરજદારોની વિશાળ સંખ્યાને કારણે આ નવી આર્થિક નીતિની સૌથી મોટી અને સીધી અસર ભારતીય યુવાનો અને ટેકનોક્રેટ્સ પર પડશે. અહેવાલો સૂચવે છે કે OPT અરજીઓ માટે $100,000 સુધીની તગડી ફી પ્રસ્તાવિત કરવામાં આવી શકે છે, જે વિદ્યાર્થીઓ માટે મોટો ઝાટકો છે.
સામાન્ય રીતે H-1B વિઝાની સરકારી ફી સ્પોન્સર કરતી પ્રોસેસિંગ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવે છે, પરંતુ F-1 સ્ટુડન્ટ વિઝાથી H-1B સંક્રમણ માટેનો OPT ખર્ચ સીધો વિદ્યાર્થીએ ઉઠાવવાનો હોય છે. હાલમાં ફોર્મ I-765 માટેની ઓનલાઈન અરજી ફી $470 થી $520 (અંદાજે ₹39,000 થી ₹43,200) ની વચ્ચે છે. અગાઉ અદાલતોએ વિઝા પર લાગુ કરાયેલી વધારાની ફી ગેરકાયદેસર ઠેરવી હતી, પરંતુ હવે ટ્રમ્પ વહીવટીતંત્ર નવા નિયમનકારી માર્ગો અપનાવીને આ અતિશય મોંઘી ફી લાગુ કરવા મક્કમ દેખાઈ રહ્યું છે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
