News of Monday, 24th August 2026
ખાંડ મોંઘી નહીં થાય: ગ્રાહકોને રાહત આપવા કેન્દ્ર સરકારનો સપાટો : ખાંડના ભાવ ઘટે તેવી શિડ્યુલ ગણતરી
હવામાનની વિષમતા અને રોગચાળાના કારણે વૈશ્વિક સ્તરે ખાંડ ઉત્પાદન પર અસર પડી હોવા છતાં દેશમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાનો ISMA અને સરકારનો દાવો

નવી દિલ્હી: રક્ષાબંધન અને આગામી તહેવારોની મોસમ પૂર્વે ખાંડના છૂટક ભાવમાં થયેલા અચાનક વધારા વચ્ચે ગ્રાહકો માટે રાહતના સમાચાર આવ્યા છે. ઇન્ડિયન શુગર મિલ્સ એસોસિએશન (ISMA) એ સોમવારે એક મહત્વપૂર્ણ નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડની કોઈ અછત નથી અને આગામી દિવસોમાં છૂટક બજારમાં ભાવ ઘટવાની પૂરી સંભાવના છે. ISMAના પ્રમુખ નીરજ શિરગાંવકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મિલો દ્વારા કોઈ કૃત્રિમ અછત ઉભી કરવામાં આવી નથી, પરંતુ વેપારીઓની ભાવવધારાની અપેક્ષા અને હવામાનની અનિશ્ચિતતાને કારણે ભાવ સામાજિક સ્તરે ઊંચા ગયા હતા.
સરકારે સ્થિતિ પર કાબૂ મેળવવા માટે 10 લાખ ટન કાચી ખાંડની ડ્યુટી-ફ્રી આયાતને મંજૂરી આપ્યા બાદ બજારમાં ખાંડના દામ નરમ પડવા લાગ્યા છે. સપ્ટેમ્બરના અંતે વર્તમાન સુગર સીઝન પૂરી થશે ત્યારે પણ દેશ પાસે 35 લાખ ટનનો વધારાનો સ્ટોક રહેશે. ઉપરાંત, 15 ઓક્ટોબરથી શરૂ થતી નવી પિલાણ સીઝનમાં ઓક્ટોબર મહિના દરમિયાન જ લગભગ 10 થી 12 લાખ ટન નવી ખાંડનું ઉત્પાદન થશે. ઓક્ટોબરમાં દેશની અંદાજિત માંગ 24 થી 25 લાખ ટન સામે પુરવઠો સંતોષકારક રહેશે.
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ પણ પરિસ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે શેરડીના પાકમાં ‘રેડ રોટ’ રોગ અને ‘અલ નીનો’ની અસરથી ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેના લીધે વૈશ્વિક સ્તરે ભાવ પર દબાણ આવ્યું હતું. ભારતને વાર્ષિક 280 લાખ ટન ખાંડની જરૂરિયાત સામે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કેન્દ્ર સરકાર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી હોવાથી સામાન્ય જનતાને લાંબા સમય સુધી મોંઘવારીનો સામનો કરવો પડશે નહીં.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
