News of Monday, 24th August 2026
મણિપુરના સેનાપતિ જિલ્લામાં બે જૂથો વચ્ચે હિંસા અને ગોળીબાર: એક CRPF જવાન ઈજાગ્રસ્ત
તોફાનીઓએ અનેક ઘરોને આગ ચાંપી દીધી : ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા:વહીવટી તંત્ર એલર્ટ

મણિપુરના સેનાપતિ જિલ્લામાં સોમવારે બે જૂથો વચ્ચે હિંસા અને ગોળીબારની ઘટના સામે આવી છે. આ તણાવપૂર્ણ સ્થિતિ દરમિયાન એક CRPF જવાન ઈજાગ્રસ્ત થયા છે જ્યારે તોફાનીઓએ અનેક ઘરોને આગ ચાંપી દીધી છે. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિક રહેવાસીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા, જેના પગલે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
અધિકારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, કાંગપોકપી જિલ્લાના તાપૌ કુકી ગામમાં સવારે અંદાજે 2:30 વાગ્યે કેટલાક અસામાજિક તત્વો દ્વારા એક ઘરને આગ લગાડવામાં આવી હતી. આ ઘટના બાદ સવારે 4 વાગ્યે સેનાપતિ જિલ્લાના નાગા તાપૌ વિસ્તારમાં પણ અનેક ઘરોને નિશાન બનાવીને સળગાવી દેવામાં આવ્યા હતા, જેના કારણે ભારે સંપત્તિનું નુકસાન થયું છે.
સવારે અંદાજે 9:20 વાગ્યે તાપૌ નાગા વિસ્તારમાં બે સશસ્ત્ર જૂથો વચ્ચે સામસામે ગોળીબાર શરૂ થયો હતો. આ ગોળીબારની ઝપેટમાં આવી જવાથી સુરક્ષામાં તૈનાત એક CRPF જવાન ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક ધોરણે સેનાપતિની જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની તબિયત ખતરા બહાર હોવાનું જાણવા મળ્યું છે.
હિંસાની ઘટનાઓ સામે આવતા જ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. સેનાપતિ ગેટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 2 પર લાકડા તથા ટાયરો સળગાવીને રસ્તો સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. સુરક્ષા દળોએ સ્થિતિ પર કાબૂ મેળવવા માટે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે.
(8:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
