<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભાષાપ્રેમનો યુગાંત: ૧૦૧ વર્ષની વયે પીઢ મરાઠી વ્યાકરણકાર પ્રો. યાસ્મીન શેખનું નિધન; રાજકીય-સાહિત્યિક જગતમાં શોક

યહૂદી પરિવારમાં જન્મ, મુસ્લિમ સાથે લગ્ન અને મરાઠી ભાષાની જીવનભર સેવા; ૧૦૦ વર્ષ વટાવ્યા પછી પણ મરાઠી ભાષા શુદ્ધિ અને વ્યાકરણ માટે કાર્યરત રહ્યા

પુણે : મરાઠી ભાષા, વ્યાકરણ અને ભાષાશાસ્ત્રના અગ્રણી વિદ્વાન તથા જાણીતા પ્રોફેસર યાસ્મીન શેખનું સોમવારે (૨૪ ઓગસ્ટ) પુણે સ્થિત તેમના નિવાસસ્થાને ૧૦૧ વર્ષની વયે અવસાન થયું છે. ઉંમર સંબંધિત બીમારીઓના કારણે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સાત દાયકાથી પણ વધુ સમય સુધી મરાઠી ભાષાની અવિરત સેવા કરનાર પ્રો. શેખના નિધનથી મહારાષ્ટ્રના સાહિત્યિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ઊંડા શોકની કાલિમા છવાઈ ગઈ છે.

 

જેરુશા રૂબેનથી યાસ્મીન શેખ સુધીની અદ્ભુત જીવનયાત્રા

 

પ્રો. યાસ્મીન શેખનો જન્મ ૨૧ જૂન ૧૯૨૫ના રોજ રાયગઢના પેણ ખાતે એક યહૂદી પરિવારમાં થયો હતો અને તેમનું મૂળ નામ જેરુશા રૂબેન હતું. પુણેની પ્રખ્યાત સર પરશુરામભાઉ (SP) કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવતી વખતે એસ.એમ. મેટે અને કે.એન. વાટવે જેવા વિદ્વાનોના સંપર્કમાં આવતા તેમનામાં મરાઠી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ જાગ્યો હતો. વર્ષ ૧૯૪૯માં તેમણે નાસિકના થિયેટર મેનેજર અઝીઝ અહેમદ ઇબ્રાહિમ શેખ સાથે લગ્ન કર્યા અને 'યાસ્મીન શેખ' નામ અપનાવ્યું. ધર્મ પરિવર્તન કર્યા વિના તેમણે સ્પષ્ટ માન્યું હતું કે "ભાષા કોઈ એક ધર્મની નથી હોતી, તે દરેકની હોય છે."

૧૦૦ વર્ષ વટાવ્યા પછી પણ ભાષા શુદ્ધિ માટે સમર્પિત

 

નિવૃત્તિ પછી પણ તેમણે મુંબઈની સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ કરિયર્સ દ્વારા સિવિલ સર્વિસ (MPSC/UPSC) ની તૈયારી કરતા વિદ્યાર્થીઓને મરાઠી વ્યાકરણ ભણાવવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ ૨૦૨૫માં ૧૦૦ વર્ષ પૂરા કર્યા પછી પણ તેઓ મરાઠી ભાષાના પ્રશ્નોના જવાબો આપતા અને લેખકો-સંપાદકોને માર્ગદર્શન આપતા રહ્યા હતા.

 

રાજ ઠાકરે, ફડણવીસ અને પવાર દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ

 

તેમના અવસાન પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું કે, "યહૂદી જન્મ અને મુસ્લિમ લગ્ન છતાં મરાઠી ભાષા પર તેમનું પ્રભુત્વ અસાધારણ હતું. તેમનું નિધન એ માત્ર વ્યાકરણકારની ખોટ નથી, પરંતુ ભાષાને પ્રેમ અને શિસ્ત સાથે જાળવનારી પેઢીની મહત્વની કડી ગુમાવવા સમાન છે." સાથોસાથ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી સુનેત્રા પવારે પણ પ્રો. શેખના યોગદાનને બિરદાવી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

(8:08 PM IST)