<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

મેટાના ઝુકરબર્ગને મોટો આંચકો: $૧૨૫ મિલિયન ખર્ચ્યા બાદ ૧૦ વર્ષે ચાન-ઝુકરબર્ગ સમર્થિત 'યુનિક સ્કૂલ' બંધ!

મેટા સીઈઓ માર્ક ઝુકરબર્ગ અને તેમની પત્ની પ્રિસિલા ચાનની સંસ્થા CZI એ ફંડિંગ ખેંચી લેતાં બોર્ડનો આકરો નિર્ણય; સ્થાનિક ૫૪૦ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ

સાન ફ્રાન્સિસ્કો : સિલિકોન વેલીના અબજોપતિ અને મેટા (Meta) ના સીઈઓ માર્ક ઝુકરબર્ગ તથા તેમના પત્ની ડૉ. પ્રિસિલા ચાન દ્વારા સ્થાપિત અને ભંડોળ મેળવતી 'ધ પ્રાઇમરી સ્કૂલ' (The Primary School) એક દાયકાના સંચાલન બાદ કાયમ માટે બંધ થઈ ગઈ છે. કેલિફોર્નિયાના પૂર્વ પાલો અલ્ટોમાં સ્થિત આ ટ્યુશન-ફ્રી યુનિક શાળાને 'ચાન ઝુકરબર્ગ ઈનિશિયેટિવ' (CZI) દ્વારા ૨૦૨૫-૨૬ શૈક્ષણિક વર્ષ પછી ફંડિંગ આપવાનો ઈનકાર કરાતાં બોર્ડે સર્વાનુમતે શાળા બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

 

વર્ષ ૨૦૧૬ માં સ્થપાયેલી આ શાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ બાળકોને માત્ર મફત શિક્ષણ જ નહીં પરંતુ ડેન્ટલ કેર, વેલનેસ કોચિંગ અને હેલ્થ સ્ક્રીનીંગ જેવી તમામ સુવિધાઓ એક જ છત નીચે પૂરી પાડવાનો હતો. દસ વર્ષમાં આ મોડેલ પાછળ $૧૨૫ મિલિયન (આશરે ૧૦૦૦ કરોડ રૂપિયા) થી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

 

શૈક્ષણિક પરિણામો અપેક્ષા મુજબ ન મળ્યા

 

તમામ સુવિધાઓ અને જંગી ભંડોળ હોવા છતાં શાળાનું શૈક્ષણિક પ્રદર્શન રાજ્યના ધોરણો કરતાં ઘણું પાછળ રહ્યું હતું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસ મુજબ, ૨૦૨૫ ની વસંતઋતુમાં આ શાળાના ત્રીજા અને તેથી ઉપરના ધોરણના માત્ર ૨૬ ટકા વિદ્યાર્થીઓ જ સાક્ષરતાના ધોરણો પૂર્ણ કરી શક્યા હતા, જે સમગ્ર કેલિફોર્નિયા રાજ્યના ૪૭ ટકાના સરેરાશ સ્કોર કરતાં ઘણો ઓછો હતો. સ્વયં પ્રિસિલા ચાને પણ સ્વીકાર્યું હતું કે શાળાના શૈક્ષણિક પરિણામો આશા મુજબના આવ્યા નહોતા.

 

માતા-પિતામાં ભારે રોષ અને આગળનું આયોજન

શાળા અચાનક બંધ થવાના સમાચાર મીડિયા દ્વારા મળતાં વાલીઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. હવે વિસ્થાપિત થનારા તમામ ૫૪૦ બાળકોને નજીકના રેવેન્સવુડ સિટી એલિમેન્ટરી સ્કૂલ ડિસ્ટ્રિક્ટની સરકારી શાળાઓમાં સમાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. CZI એ પોતાની પરોપકારી પ્રવૃત્તિઓનો ઝુકાવ હવે સામાજિક/શૈક્ષણિક કારણોથી હટાવીને વૈજ્ઞાનિક સંશોધનો (Scientific Research) તરફ વાળ્યો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(8:24 PM IST)