News of Monday, 24th August 2026
ભારત-ચીન સંબંધોમાં ઐતિહાસિક મોડ: સાત વર્ષ પછી પ્રથમવાર ભારત આવી રહ્યા છે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ!
દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં હાજરી આપવા ૪૦૦ સભ્યોના વિશાળ પ્રતિનિધિમંડળ સાથે આગમન; સીમા વિવાદ વચ્ચે મુલાકાત પર વિશ્વભરની નજર

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ૨૦૨૦ ની ગલવાન ઘાટીની હિંસક અથડામણ બાદ વણસેલા સંબંધો વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ રાજદ્વારી સમાચાર સામે આવ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી મહિને ૧૨-૧૩ સપ્ટેમ્બર દરમિયાન નવી દિલ્હી ખાતે યોજાનારી બ્રિક્સ (BRICS) સમિટમાં ભાગ લેવા માટે ભારત આવી રહ્યા છે. સાત વર્ષના લાંબા સમયગાળા પછી શી જિનપિંગની આ પ્રથમ ભારત મુલાકાત હશે, જેને બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને થાળે પાડવાના મોટા સંકેત તરીકે જોવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની અધિકારીઓ હાલ નવી દિલ્હીમાં હોટલ અને સુરક્ષા પ્રોટોકોલને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. આ અગાઉ શી જિનપિંગ ઓક્ટોબર ૨૦૧૯ માં ભારતની મુલાકાતે આવ્યા હતા.
૪૦૦ અધિકારીઓનું જંગી પ્રતિનિધિમંડળ અને સીમા વિવાદ
આ વખતે શી જિનપિંગની સાથે લગભગ ૪૦૦ ઉચ્ચ અધિકારીઓનું એક મોટું પ્રતિનિધિમંડળ પણ ભારત આવશે. આ અગાઉ ૨૦૧૯ ની મુલાકાતમાં તેમની સાથે ૨૦૦ થી ઓછા લોકો આવ્યા હતા.

હિમાલયની ૩,૮૦૦ કિલોમીટર લાંબી અસ્પષ્ટ સરહદ (LAC) પર અવારનવાર સર્જાતા તણાવ અને તાજેતરમાં ઓગસ્ટ મહિનામાં દૂરના સરહદી વિસ્તારમાં લશ્કરી પેટ્રોલિંગ ટીમો આમનેસામને આવી ગયા બાદ આ મુલાકાત ખૂબ જ સંવેદનશીલ બની રહે છે. ઓક્ટોબર ૨૦૨૪ માં બંને દેશો વચ્ચે ડિસએંગેજમેન્ટ (સૈન્ય પાછું ખેંચવા) નો કરાર થયો હતો, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે સરહદ પર શાંતિ જ દ્વિપક્ષીય સંબંધોનો પાયો છે.
અજિત ડોભાલ બેઇજિંગ પહોંચ્યા, ટ્રમ્પની નીતિઓની અસર
ચીનના રાષ્ટ્રપતિની મુલાકાત પહેલાં ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ સોમવારે બેઇજિંગ પહોંચ્યા છે, જ્યાં તેઓ સરહદ વિવાદ અંગે ચીનના વિદેશ પ્રધાન વાંગ યી સાથે મહત્વપૂર્ણ બેઠક કરશે.
બીજી તરફ, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વેપાર નીતિઓને કારણે ભારત અને ચીન એક સમાન આર્થિક પડકારોનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, શી જિનપિંગનું બ્રિક્સ સંમેલનમાં આવવું એ સ્પષ્ટ સંકેત આપે છે કે બેઇજિંગ કે નવી દિલ્હી વૈશ્વિક દબાણ સામે બ્રિક્સ મંચને નબળો પડવા દેવા માગતા નથી.
(8:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
