News of Monday, 24th August 2026
ખાંડની કડવાશ પાછળ સંગ્રહખોરોનો ખેલ: દેશમાં પૂરતો સ્ટોક હોવા છતાં બજારમાં કેમ સર્જાઈ અછત?
શેરડીના વિક્રમી ઉત્પાદન વચ્ચે સટ્ટાખોરીને કારણે ભાવમાં ઉછાળો; એક્શન મોડમાં આવેલી સરકારની કડક કાર્યવાહી બાદ હવે ભાવ ઘટે તેવી શક્યતા

નવી દિલ્હી : દેશમાં શેરડીના રેકોર્ડબ્રેક ઉત્પાદન છતાં પણ મોંઘવારીના માર વચ્ચે ખાંડના ભાવમાં અચાનક આવેલી તેજીએ સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવી નાખ્યું છે. જોકે, આ ભાવવધારા પાછળ કુદરતી અછત નહીં પરંતુ વેપારીઓ અને સંગ્રહખોરો દ્વારા કરવામાં આવેલી સટ્ટાકીય ખરીદી જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. ભવિષ્યમાં હવામાન અને રોગચાળાને કારણે ખાંડની અછત સર્જાશે તેવી અફવાઓ ફેલાવીને વેપારીઓએ છેલ્લા દોઢ મહિનાથી ખાંડનો મોટો સ્ટોક ગોડાઉનોમાં જમા કરી લીધો હતો, જેના કારણે બજારમાં કૃત્રિમ અછત ઊભી થઈ હતી.
આ કૃત્રિમ અછતના કારણે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં રિટેલ બજારમાં તેના ભાવ આસમાને પહોંચ્યા હતા. કેન્દ્રીય ગ્રાહક બાબતો અને ખાદ્ય મંત્રી પ્રહલાદ જોશીએ આ સ્થિતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી. ભારતને વાર્ષિક ધોરણે અંદાજે 28 મિલિયન ટન ખાંડની જરૂરિયાત સામે હાલમાં 30.6 મિલિયન ટન ખાંડનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે હવે સંગ્રહખોરો સામે લાલ આંખ કરી છે અને બજારમાં વધારાનો સ્ટોક મુક્ત કરવાની તૈયારી દર્શાવી છે.
સરકારની આ કડક સૂચનાઓ અને બજારમાં વધારાનો પુરવઠો સુનિશ્ચિત કરવાના પગલાં બાદ હવે ખાંડના ભાવમાં નરમાઈના સંકેતો દેખાઈ રહ્યા છે. ભારતીય ખાંડ અને બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એશોસિએશન (ISMA) અને ખાદ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે નિયંત્રણના પગલાંથી બજારમાં સ્થિરતા આવી રહી છે. ગેરકાયદેસર સ્ટોક કરનારા સટ્ટાખોરો સામે કાનૂની કાર્યવાહી તેજ કરવામાં આવી છે, જેથી આગામી દિવસોમાં ગ્રાહકોને રાહત દરે ખાંડ મળી રહેશે.
(8:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
