News of Monday, 24th August 2026
અલીગઢમાં માયાવતીનું અનોખું મંદિર બનાવવા તૈયારી: BSP સુપ્રીમોની લીલી ઝંડી મળતાં જ થશે ભૂમિપૂજન
ભ્રષ્ટચાર વિરોધી સેનાના અધ્યક્ષે પરવાનગી માટે પત્ર લખ્યો; પોતાની જમીન પર કિંમતી પ્રતિમા સ્થાપી ભાવી પેઢી માટે પ્રેરણાસ્થળ બનાવવાનો દાવો

અલીગઢ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ધરાવતા બહુજન સમાજ પાર્ટી (BSP) ના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના સમર્થકો અને પ્રશંસકો તરફથી એક ચોંકાવનારા અને અનોખા સમાચાર સામે આવ્યા છે. બિહાર બાદ હવે યુપીના અલીગઢ જિલ્લામાં માયાવતીનું મંદિર બનાવવાની જોરશોરથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ અનોખા પ્રસ્તાવ માટે ભ્રષ્ટાચાર વિરોધી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત કેશવ દેવ ગૌતમે બસપા સુપ્રીમો માયાવતીને સત્તાવાર પત્ર મોકલીને મંદિર નિર્માણની પરવાનગી માંગી છે.
કેશવ દેવ ગૌતમે 22 ઓગસ્ટના રોજ લખેલા પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ અલીગઢના તહસીલ ખૈર અંતર્ગત આવતા મહોલ્લા ખેરે સ્થિત પોતાની માલિકીની જમીન પર માયાવતીનું ભવ્ય મંદિર બનાવવા માંગે છે. આ નિર્માણ કાર્ય સંપૂર્ણપણે તેમના પોતાના અંગત ખર્ચે કરવામાં આવશે અને તેના માટે સરકાર કે કોઈ પ્રશાસન પાસેથી આર્થિક સહાય લેવામાં આવશે નહીં. તેમણે જણાવ્યું કે બસપા પ્રમુખ તરફથી સકારાત્મક પ્રતિભાવ અને પરવાનગી મળતાની સાથે જ મંદિરનો શિલાન્યાસ સમારોહ (ભૂમિપૂજન) યોજીને કામ શરૂ કરી દેવાશે.
મંદિરના હેતુ અંગે સ્પષ્ટતા કરતા ગૌતમે જણાવ્યું હતું કે આ મંદિર કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહેશે નહીં. આ સ્થળે માયાવતીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે તેમજ તેમના વિચારો અને સંઘર્ષની ગાથા પણ પ્રદર્શિત કરાશે, જે ભાવી પેઢીઓને પ્રેરણા આપવાનું કામ કરશે. ઉલ્લેખનીય છે કે, પંડિત કેશવ દેવ ગૌતમ પોતાના અનોખા વિરોધ પ્રદર્શનો માટે જાણીતા છે; તેઓ 2022ની ચૂંટણીમાં જૂતાની માળા અને 2024ની લોકસભા ચૂંટણીમાં ચંપલનું પ્રતીક મળતાં ચંપલની માળા પહેરીને પ્રચાર કરવાને કારણે દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
