<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

મધ્ય પૂર્વમાં પાકિસ્તાનની નવી શાંતિ પહેલ કે પછી અમેરિકાનો નવો દાવપેચ? અસીમ મુનીર તેહરાન પહોંચ્યા

હોર્મુઝમાં સર્જાયેલા તેલ પુરવઠાના મહાસંકટ અને ટ્રમ્પની આકરા આર્થિક પ્રતિબંધોની ધમકી વચ્ચે યુએસ-ઈરાન યુદ્ધવિરામ વાટાઘાટો પુનઃશરૂ કરવા માટે મુનીર તેહરાનમાં ઉચ્ચસ્તરીય બેઠકો કરી

તેહરાન :  પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અને ગૃહમંત્રી મોહસીન નકવી ઈરાનની રાજધાની તેહરાન ખાતે મહત્વની બેઠકો યોજવા પહોંચ્યા છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરાયેલા સૈન્ય હુમલાઓ બાદ સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. પાકિસ્તાની સેના અનુસાર, આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકા અને ઈરાન વચ્ચે અટકી પડેલી શાંતિ વાટાઘાટોને ફરી પાટા પર લાવવાનો અને પ્રાદેશિક સ્થિરતા જાળવવાનો છે. જોકે, મુત્સદ્દી ગલીયારામાં આ મુલાકાતને શાંતિ મધ્યસ્થતા કરતાં વોશિંગ્ટનના દબાણ હેઠળ લેવાયેલું રાજકીય પગલું તરીકે જોવામાં આવી રહ્યું છે.

આ ગંભીર આંતરરાષ્ટ્રીય સંકટનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝની ખતરનાક સ્ટ્રેટ બની છે, જ્યાંથી વિશ્વનો 20% જેટલો તેલનો પુરવઠો પસાર થાય છે. સૈન્ય સંઘર્ષને કારણે આ દરિયાઈ માર્ગમાં શિપિંગ સંપૂર્ણપણે ખોરવાઈ જતાં વૈશ્વિક સ્તરે ઇંધણના ભાવો ભડકે બળી રહ્યા છે. અગાઉ એપ્રિલ અને જૂનમાં પાકિસ્તાનની મધ્યસ્થી હેઠળ થયેલો વચગાળાનો કરાર તૂટી પડતાં બંને દેશોએ ફરી એકબીજા પર લશ્કરી પ્રહારો શરૂ કર્યા હતા. હવે જ્યારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે "સૌથી આકરા આર્થિક પ્રતિબંધો" લાદવાની ચેતવણી આપી છે, ત્યારે ઈરાનની અર્થવ્યવસ્થા પર ભારે દબાણ ઊભું થયું છે.

ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન અને વરિષ્ઠ અધિકારીઓ સાથે આયોજિત વાટાઘાટોમાં આર્મી ચીફ મુનીર નવી દરખાસ્તો રજૂ કરે તેવી શક્યતા છે. બીજી તરફ ઈરાની સિક્યુરિટી કાઉન્સિલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પડોશી દેશોએ અમેરિકાના આર્થિક અભિયાનમાં ભાગીદાર બનવું જોઈએ નહીં. તાજેતરમાં પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચે થયેલા સંરક્ષણ કરાર બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે પાકિસ્તાનનું આ કદમ કેટલું સફળ રહેશે તેના પર વિશ્વભરની નજર ટકેલી છે.

(10:27 PM IST)