હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વૈશ્વિક સમીકરણો વચ્ચે ભારત-રશિયા સંબંધો વધુ મજબૂત: પુતિને પીએમ મોદીના ‘વ્યક્તિગત યોગદાન’ના કર્યા મુક્તકંઠે વખાણ
મોસ્કોમાં જયશંકર સાથેની ઉચ્ચસ્તરીય બેઠક દરમિયાન પુતિને દ્વિપક્ષીય વેપારમાં વૃદ્ધિનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો : નજીકના ભવિષ્યમાં SCO સમિટમાં મુલાકાતની આશા વ્યક્ત કરી

મોસ્કો : વૈશ્વિક સ્તરે રાજકીય અને આર્થિક સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે ત્યારે રશિયા અને ભારત વચ્ચેના સંબંધો એક નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. મોસ્કો ખાતે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં થયેલા નોંધપાત્ર વધારા પર આનંદ વ્યક્ત કર્યો હતો. પુતિને સત્તાવાર રીતે સ્વીકાર્યું હતું કે આર્થિક અને રાજનૈતિક ક્ષેત્રે આ જે સફળતા મળી છે, તેનો મુખ્ય શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત ધ્યાન અને પ્રયાસોને આભારી છે.
આ મહત્વપૂર્ણ બેઠક દરમિયાન પ્રમુખ પુતિને જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો સહયોગ માત્ર ખરીદ-વેચાણ કે નાણાકીય લેવડદેવડ સુધી સીમિત નથી, પરંતુ તે સંસદીય, સરકારી અને વ્યૂહાત્મક સ્તરે ઊંડે સુધી વિસ્તરેલો છે. તેમણે વિદેશ મંત્રી જયશંકર મારફતે વડાપ્રધાન મોદીને પોતાની ખાસ શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉમેર્યું હતું કે તેઓ આગામી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ દરમિયાન પીએમ મોદીને મળવા આતુર છે. આ સિવાય બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે ચાલુ વર્ષમાં જ અન્ય એક દ્વિપક્ષીય શિખર મુલાકાત યોજાય તેવી પણ પૂરતી શક્યતાઓ છે.
વેપાર અને આર્થિક મુદ્દાઓ સિવાય રશિયાએ ભારતીય કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ ગણાતા ખાતર ના પુરવઠાને અવિરત અને વધુ માત્રામાં પૂરો પાડવાની ખાતરી આપી છે. બંને દેશો વચ્ચે ઉર્જા ક્ષેત્ર, પરમાણુ ઉર્જા તેમજ હાઈ-ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ સહયોગ સતત વધી રહ્યો છે. ભારત-રશિયા આંતર-સરકારી કમિશનની સફળ કામગીરીને બિરદાવતા પુતિને ભવિષ્યમાં પણ આ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
