<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

શાળામાં હિજાબ નહીં, ગણવેશ જ સર્વોપરી: અલ્હાબાદ હાઈકોર્ટે સગીર વિદ્યાર્થીનીની અરજી ફગાવી

શાળા યુનિફોર્મ શિસ્ત, સમાનતા અને ધર્મનિરપેક્ષતાને પ્રોત્સાહન આપે છે તેવું ઠેરવતા અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની ડિવિઝન બેન્ચનો મહત્વપૂર્ણ ચુકાદો

પ્રયાગરાજ :  અલ્હાબાદ હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં નિર્ધારિત ડ્રેસ કોડ જ સાર્વોપરી રહેશે અને શાળામાં હેડસ્કાર્ફ કે હિજાબ પહેરવાની પરવાનગી આપી શકાય નહીં. પ્રયાગરાજની અટ્ટારસુઇયા સ્થિત ટાગોર પબ્લિક સ્કૂલની ધોરણ 11ની સગીર વિદ્યાર્થીની સુકૈના રિઝવી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં અલ્હાબાદ હાઈકોર્ટની ખંડપીઠે આ અવલોકન કર્યું હતું. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે શાળાનો ગણવેશ તમામ ધર્મોના વિદ્યાર્થીઓ વચ્ચે શિસ્ત, સમાનતા, સંસ્થાકીય ઓળખ અને ધર્મનિરપેક્ષ વાતાવરણ જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે.

અરજદાર વિદ્યાર્થીનીએ દલીલ કરી હતી કે તે ધોરણ 6થી જ શાળામાં હિજાબ પહેરીને અભ્યાસ કરતી હતી અને બંધારણની કલમ 19(1)(a) હેઠળ અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા ધાર્મિક પ્રથા મુજબ તેને ધોરણ 11માં પણ હિજાબ પહેરીને પ્રવેશ મળવો જોઈએ. જોકે, શાળા પ્રશાસન અને સરકારી વકીલોએ રજૂઆત કરી હતી કે શાળા એક સહ-શૈક્ષણિક (Co-ed) સંસ્થા હોવાથી તમામ સમુદાયો માટે એક સમાન ડ્રેસ કોડ લાગુ પડે છે અને કોઈપણ એક વિદ્યાર્થીને ખાસ છૂટ આપવાથી શિસ્તનો ભંગ થઈ શકે છે. હાઈકોર્ટે નોંધ્યું કે અગાઉ શાળા પ્રશાસને વાંધો ન ઉઠાવ્યો હોય તો પણ તેનો અર્થ એ નથી કે ડ્રેસ કોડના નિયમોમાં કાયમી શિથિલતા આપી દેવાય.

પોતાના નિર્ણયમાં અલ્હાબાદ હાઈકોર્ટે કેરળ, બોમ્બે અને કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ચર્ચાસપદ ચુકાદાઓનો પણ સંદર્ભ આપ્યો હતો. કોર્ટે પુનરાવર્તિત કર્યું હતું કે જ્યારે વ્યક્તિગત પહેરવેશના અધિકાર અને સંસ્થાના વ્યાપક શિસ્તબદ્ધ હિતો વચ્ચે સંઘર્ષ ઊભો થાય, ત્યારે સંસ્થાકીય નિયમોને પ્રાથમિકતા મળે છે. વધુમાં, હિજાબ પહેરવો એ ઈસ્લામની અપરિહાર્ય કે ફરજિયાત ધાર્મિક પ્રથા નથી તે બાબતને ધ્યાને રાખીને કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓને પોતાના યુનિફોર્મ અંગે આખરી નિર્ણય લેવાનો અધિકાર માન્ય રાખ્યો હતો.

(10:41 PM IST)