હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાયરલ રીલના ચક્કરમાં કાર બની 'કિસિંગ કાર': ૩૪૦૦ લિપસ્ટિક માર્ક્સ કરાવનાર યુવકને પોલીસે પાઠવ્યો મોટો પાઠ, પોલીસ સ્ટેશનમાં કપડાંથી બોનેટ સાફ કરવું પડ્યું
લાઈક્સ અને વ્યુઝની ઘેલછામાં સાડા ત્રણ કલાકની મહેનત પાણીમાં: પ૫ લાખ વ્યુઝ મેળવનાર ગ્વાલિયરના યુવકને ટ્રાફિક પોલીસે ફટકાર્યો ₹૫,૫૦૦ નો દંડ.

ગ્વાલિયર, તા.૨૫: આજના સમયમાં સોશિયલ મીડિયા પર રાતોરાત વાયરલ થવા અને ફેમસ બનવા માટે યુવાનો કેવા-કેવા ક્રેઝી અખતરાઓ કરતા હોય છે, તેનો એક રમુજી પણ આંખ ઉઘાડનારો કિસ્સો મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાંથી સામે આવ્યો છે. અહીં એક યુવકે ઈન્સ્ટાગ્રામ પર ફેમસ થવાના ચક્કરમાં પોતાની આખી કારને લિપસ્ટિકના નિશાનોથી રંગીને 'કિસિંગ કાર' બનાવી દીધી હતી. જોકે, સોશિયલ મીડિયા પર હિટ થયેલો આ સ્ટંટ વાસ્તવિક જીવનમાં યુવક માટે ભારે મુશ્કેલી લઈને આવ્યો હતો.
ગ્વાલિયરના થાટીપુર વિસ્તારમાં રહેતા આદિત્ય સિકરવાર નામના યુવકે પોતાની કાર પર રીલ બનાવવાનું આયોજન કર્યું હતું. આ માટે તેણે પોતાની મહિલા મિત્રની મદદથી કારની આખી બોડી પર લિપસ્ટિકથી હોઠના નિશાન બનાવડાવ્યા હતા. કાર પર લગભગ ૩,૪૦૦ જેટલા લિપસ્ટિકના માર્ક્સ આપવા માટે તેની ગર્લફ્રેન્ડને સતત સાડા ત્રણ કલાક જેટલો સમય લાગ્યો હતો. કાર તૈયાર થયા બાદ યુવકે તે 'કિસિંગ કાર' ને રોડ પર પૂરપાટ ઝડપે દોડાવીને વિડિયો શૂટ કર્યો અને ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કરી દીધો. અનોખી વાહન ડિઝાઇન અને અતરંગી આઈડિયાના કારણે આ વિડિયો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને માત્ર એક જ દિવસમાં પ૫ લાખથી વધુ વ્યુઝ મેળવી લીધા.
પરંતુ, સોશિયલ મીડિયા પર વ્યુઝની હોડ જામી હતી ત્યારે જ આ વાયરલ રીલ ગ્વાલિયર ટ્રાફિક પોલીસના નજરે ચડી ગઈ હતી. પોલીસે વિડિયોમાં સ્પષ્ટ દેખાતા કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે તપાસ હાથ ધરીને કાર અને તેના માલિક આદિત્યને શોધી કાઢ્યા હતા. પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતા કાર જપ્ત કરી લીધી હતી અને વાહનને ટ્રાફિક પોલીસ સ્ટેશને ખેંચી લાવ્યા હતા.
ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા, વાહનના મૂળ સ્વરૂપ સાથે ચેડા કરવા અને રોડ પર બેદરકારીપૂર્વક વાહન હંકારવા બદલ યુવકને ₹૫,૫૦૦ નો રોકડ દંડ ફટકાર્યો હતો. આટલું જ નહીં, પોલીસે યુવક પાસે પોલીસ સ્ટેશનમાં જ ઊભા રાખીને પાણી અને કપડા વડે કાર પર લાગેલા તમામ ૩,૪૦૦ લિપસ્ટિકના નિશાન સાફ કરાવ્યા હતા. ટ્રાફિક પોલીસ અધિકારીઓએ કડક ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર લાઈક્સ કે વ્યુઝ મેળવવા માટે રોડ પર સ્ટંટ કરનારા અને વાહનો સાથે અટકચાળા કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ આકરી કાર્યવાહી કરવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
