<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

વરસાદની ગંભીર અછત...૭૦ ટકા વિસ્‍તારમાં પાણીની તંગી-ખરીફ પાક પર સંકટ

ગુજરાત રાજ્‍યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અનિયમિતતા અને લાંબા વિરામને કારણે અત્‍યંત ચિંતાજનક સ્‍થિતિ સર્જાઈ : ખેડૂતો, ગ્રામીણ વિસ્‍તારો અને વહીવટી તંત્રની ચિંતાઓમાં વધારોઃ ૨૩ જિલ્‍લાઓમાં વરસાદની મોટી ઘટ

નવી દિલ્‍હી,તા.૨૫: ગુજરાત રાજ્‍યમાં ચાલુ ચોમાસાની સીઝનમાં વરસાદની અ નિયમિતતા અને લાંબા વિરામને કારણે અત્‍યંત ચિતાજનક સ્‍થિતિ સર્જાઈ છે. રાજ્‍યના અંદાજે ૭૦ ટકા વિસ્‍તારમાં વરસાદની ભારે અછતવર્તાઈ રહી છે, જેના કારણે ખેડૂતો, ગ્રામીણ વિસ્‍તારો અને વહીવટી તંત્રની ચિતાઓમાં વધારો થયો છે.

રાજ્‍યના કુલ ૩૪ જિલ્‍લાઓમાંથી ૨૩ જિલ્‍લાઓમાં હજુ પણ વરસાદની નોંધપાત્ર ઘટ જોવા મળી રહી છે. સામાન્‍ય કરતાં ઘણો ઓછો વરસાદ વરરસવાને કારણે જળાશયોમાં પાણીનું સ્‍તર પણ અપેક્ષિત સપાટીથી ઘણું નીચે છે. આ પરિસ્‍થિતિ માત્ર પીવાના પાણીના પ્રશ્નને જ નહીં, પરંતુ આગામી દિવસોમાં સિચાઈના પાણીની જરૂરિયાતોને પણ ગંભીરરૂપ અસર કરી શકે છે.

સ્‍થિતિ કેટલી ગંભીર છે તેનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે રાજ્‍યના ઓછામાં ઓછા ૧૦ તાલુકાઓ એવા છે જ્‍યાં હજુ સુધી માંડ ૫ ઇંચથી પણ ઓછો વરસાદ વરસ્‍યો છે. સિચાઈ અને પાણીના પૂરતા સ્‍ત્રોતના અભાવે આ વિસ્‍તારોમાં ખેતીની સ્‍થિતિ અત્‍યંત દયનીય બની રહી છે.

વરસાદના અભાવે ખેડૂતોના પરસેવાથી તૈયાર થયેલ ખરીફ પાક (ચોમાસુ પાક) નિષ્‍ફળ જવાની અછત અને મોટું સંકટ તોળાઈ રહ્યું છે. વાવણી કર્યા બાદ પાણી ન મળવાને કારણે ઊભો પાક સુકાવા લાગ્‍યો છે, જેને લઈને ખેડૂતો આર્થિક મુશ્‍કેલીમાં મુકાયા છે.

હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, આગામી ૧૭ સપ્‍ટેમ્‍બર સુધી વરસાદની સ્‍થિતિ અને હવામાનની આગાહી પર રાજ્‍યભરની નજર છે. ખેડૂતો અને તંત્ર મીટ માંડીને બેઠા છે કે જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં થાય તો પરિસ્‍થિતિ વધુ વિકટ બની શકે છે.

(10:17 AM IST)