<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ચાર હાથ-ચાર પગ સાથે બાળકનો જન્‍મઃ શરીર સાથે જોડાયેલું હતું વધારાનું ધડ

ગુજરાતના પાડોશી રાજ્‍ય મધ્‍યપ્રદેશના છતરપુર જિલ્‍લામાં એક દુર્લભ કિસ્‍સો સામે આવ્‍યો : અહીં એક મહિલાએ ચાર હાથ અને ચાર પગ ધરાવતા બાળકને જન્‍મ આપ્‍યોઃ આ બાળકનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ

છતરપુર,તા.૨૫: મેડિકલ સાયન્‍સમાં ક્‍યારેક એવા દુર્લભ કિસ્‍સા સામે આવે છે, જેના વિશે જાણીને સામાન્‍ય લોકો સ્‍તબ્‍ધ થઈ જાય છે. સામાન્‍ય લોકો તો ઠીક પણ ડોક્‍ટરો માટે પણ આવા કેસ મોટો પડકાર બની જાય છે. ગુજરાતના પાડોશી રાજ્‍ય મધ્‍યપ્રદેશના છતરપુર જિલ્‍લામાં આવો જ એક દુર્લભ કિસ્‍સો સામે આવ્‍યો છે. અહીં એક મહિલાએ ચાર હાથ અને ચાર પગ ધરાવતા બાળકને જન્‍મ આપ્‍યો છે.

રવિવારે (૨૩ ઓગસ્‍ટ,૨૦૨૬) સવારે ૨૯ વર્ષીય નીતા અહિરવારની ડિલિવરી થઈ હતી. જન્‍મ બાદ બાળકને જોઈને હોસ્‍પિટલ સ્‍ટાફ અને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.  હકીકતમાં, જન્‍મ બાદ કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્‍યું કે, બાળકના મુખ્‍ય શરીર સાથે છાતી અને પેટના ઉપરના ભાગમાંથી એક વધારાનું ધડ જોડાયેલું હતું. આ વધારાના ધડમાં બે હાથ અને બે પગ પણ વિકસેલા હતા. એટલે બાળકમાં કુલ ચાર હાથ અને ચાર પગ જોવા મળ્‍યા હતા.

ડોક્‍ટરોના જણાવ્‍યા મુજબ, આ સ્‍થિતિ અવિકસિત જોડિયા ભ્રૂણના અસામાન્‍ય વિકાસને કારણે થઈ શકે છે. મેડિકલ ભાષામાં તેને હેટેરોપેગસ કન્‍જેનિટલ ડિફેક્‍ટ સાથે જોડવામાં આવે છે. આવી સ્‍થિતિમાં એક ભ્રૂણ સંપૂર્ણ રીતે વિકસિત થઈ શકતું નથી અને તેના કેટલાક ભાગ બીજા જીવંત ભ્રૂણના શરીર સાથે જોડાઈ જાય છે.

પ્રાથમિક તપાસ મુજબ, બાળકનું વજન લગભગ ૩ કિલોગ્રામ છે. હાલ બાળક અને તેની માતા બંનેની સ્‍થિતિ સ્‍થિર હોવાનું જણાવાયું છે. જોકે, વધારાના અંગો મુખ્‍ય શરીરની રક્‍તવાહિનીઓ અને આંતરિક અંગો સાથે કેવી રીતે જોડાયેલા છે તે જાણવા માટે વધુ વિગતવાર તપાસ જરૂરી છે. મુખ્‍ય આરોગ્‍ય અધિકારી ડો. રાજેન્‍દ્ર ગુપ્તાના જણાવ્‍યા મુજબ, બાળકની સતત દેખરેખ માટે બાળરોગ નિષ્‍ણાતોની ટીમ તૈનાત કરવામાં આવી છે. વધારાના અંગોને દૂર કરવા માટે જાટિલ સર્જરીની જરૂર પડી શકે છે.

હાલ છતરપુર વહીવટી તંત્ર અને આરોગ્‍ય વિભાગ બાળકને એર એમ્‍બ્‍યુલન્‍સ દ્વારા જબલપુરની સુપર-સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. ત્‍યાં વધુ તપાસ બાદ બાળ સર્જન નક્કી કરશે કે સર્જરી ક્‍યારે અને કેવી રીતે કરવી. આ પ્રકારના જન્‍મના કિસ્‍સા ખૂબ જ દુર્લભ હોય છે. ત્‍યારે મધ્‍યપ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્‍યોમાં પણ આ કિસ્‍સો ચર્ચામાં આવ્‍યો છે

(10:18 AM IST)