<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

રામમંદિરના ચઢાવાની ચોરીમાં નવો વળાંકઃ એપ્રિલમાં પણ કર્મચારીને દૂર કરાયાનો ચંપત રાયની ડાયરીમાં ઉલ્લેખ

ચોથી જૂનની ઘટના પહેલાં પણ ગેરરીતિની શંકાઃ જૂના બનાવ અને ચઢાવાની ગણતરીની સમગ્ર વ્‍યવસ્‍થા તપાસના ઘેરામાં બે ગણતરી કર્મચારીઓનાં નિવેદનોમાં વિરોધાભાસ નોંધાયાનો દાવોઃ આઠ આરોપીઓની ન્‍યાયિક કકસ્‍ટડી પાંચમી સપ્‍ટેમ્‍બર સુધી લંબાવાઈ

અયોધ્‍યા, તા.૨૫: અયોધ્‍યાના શ્રીરામ જન્‍મભૂમિ મંદિરમાં ચઢાવાની રોકડ રકમની કથિત ચોરીના પ્રકરણમાં પૂર્વ મહાસચિવ ચંપત રાયની ડાયરીમાં નોંધાયેલ એપ્રિલ મહિનાનો એક બનાવ સામે આવતાં તપાસના દાયરા અંગે નવા સવાલો ઊભા થયા છે. ડાયરીમાં નોંધાયેલા ઘટનાક્રમ પ્રમાણે, ચોથી જૂને ચઢાવાની રકમની ચોરીનો મામલો સામે આવે તે પહેલાં એપ્રિલમાં પણ એક કર્મચારી ઉપર ચોરીની શંકા વ્‍યક્‍ત થયા બાદ તેને મંદિર પરિસરમાંથી દૂર કરવામાં આવ્‍યો હતો. અહેવાલ મુજબ, એપ્રિલના બનાવમાં સંબંધિત યુવકની પૂછપરછ દરમિયાન તેના પરિચિત બે ગણતરી કર્મચારીઓને પણ અલગ-અલગ બોલાવવામાં આવ્‍યા હતા. બંને કર્મચારીઓ અયોધ્‍યાના રહેવાસી હોવાનું જણાવાયું છે. પૂછપરછમાં તેમના નિવેદનો એકબીજા સાથે મેળ ખાતાં નહીં હોવાનો ડાયરીમાં દાવો કરાયો છે. જોકે, વિરોધાભાસી નિવેદનને માત્રના આધારે કોઈ વ્‍યક્‍તિને ગુનેગાર ગણી શકાય નહીં અને આરોપની પુષ્ટિ નક્કર પુરાવા તથા કાયદેસરની તપાસ પછી જ થઈ શકે છે.

ચોથી જૂનની રાત્રે હુંડી ગણતરી કક્ષાના શૌચાલયમાંથી રોકડ રકમ મળ્‍યાની જાણ થતાં આંતરિક તપાસ શરૂ થઈ હતી. ત્‍યારબાદ ચઢાવાની ગણતરી, રોકડનો હિસાબ, જમા કરવાની પદ્ધતિ, કર્મચારીઓની જવાબદારી અને પ્રવેશ-બહાર નીકળતી વખતે થતી તપાસ સહિતની સમગ્ર વ્‍યવસ્‍થા તપાસના કેન્‍દ્રમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ગણતરી કક્ષામાં અનેક વખત રોકડ રકમ લઈ જવાઈ હોવાની શંકા વ્‍યક્‍ત થઈ હતી.

આ પ્રકરણમાં આઠ વ્‍યક્‍તિઓ સામે પચ્‍ચીસમી જૂને ફરિયાદ નોંધાયા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે તમામ આરોપીઓની ન્‍યાયિક કસ્‍ટડી પાંચમી સપ્‍ટેમ્‍બર સુધી લંબાવી છે. અદાલતની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગ કરતી અરજીની આગામી સુનાવણી ઓગણત્રીસમી ઓગસ્‍ટે નક્કી કરવામાં આવી છે. દરમિયાન, ઉત્તર પ્રદેશના ગળહ વિભાગે ટ્રસ્‍ટને સોંપેલા વિશેષ તપાસ દળના અંતિમ અહેવાલમાં ચંપત રાય અને પૂર્વ ટ્રસ્‍ટી અનિલ મિશ્રાને ચોરીના આરોપોમાંથી દોષમુક્‍ત ગણાવાયા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેથી ડાયરીમાં નોંધાયેલ બનાવ વ્‍યવસ્‍થાકીય ખામી અને જૂના ઘટનાક્રમની તપાસ માટે મહત્ત્વનો બની શકે છે. (રર.૧૧)

(3:09 PM IST)