<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સાતમ-આઠમ આવીઃ ફરવા જવાનું વિચાર્યુ કે નહી ? નિકળી પડો

જન્‍માષ્‍ટમી દરમ્‍યાન દેશ-વિદેશના ડેસ્‍ટીનેશન્‍સ સહેલાણીઓની રાહમાં : ઉંચો અમેરીકન ડોલર, ઉંચા ફલાઇટ રેઇટ, ફયુઅલની કિંમતમાં વધારો, યુધ્‍ધ, ભાવવધારો-મોંઘવારી સહિતના કારણોને લીધે ગત વર્ષની સરખામણીમાં ૩પ ટકા જેટલું ઓછુ બુકીંગ : પસંદગીની ટ્રેનોમાં લાંબુ વેઇટીંગ લીસ્‍ટ * અયોધ્‍યા, વારાણસી(કાશી), ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ઉદયપુર, શ્રીનાથદ્વારા, જોધપુર, જેસલમેર, કુંબલગઢ,નૈનિતાલ, જીમકોબેર્ટ, મસુરી, હરીદ્વારા, ઋષિકેશ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનીટી, જુનાગઢ, સોમનાથ, દ્વારકા, વીરપુર, ખોડલધામ, સાસણ, ધારી, નાગેશ્વર, દિવ, દાર્જીર્લીંગ, પેલીંગ, ગંગટોક, કચ્‍છ-માંડવી, ભુજ, ગાંધીધામ, ઇગતપુરી, પંચમઢી, ભેડાઘાટ, કેરાલા, સિમલા, મનાલી, સ્‍પીટીવેલી, ટાબો, કાલ્‍પા, જીસ્‍પા, બેંગ્‍લોર, મૈસુર, કુર્ગ, ઉંટી, વાયનાડ સહિતના સ્‍થળોએ જવા લોકોમાં ઉત્‍સુકતા * લોનાવાલા, રાજકોટ સહિતના સ્‍થળોએ પ્રાઇવેટ વિલાની ભારે ડીમાન્‍ડ : ગૃપ સર્કલ -ફેમીલી સાથે જવાનો ક્રેઝ * ફોરન ટુરમાં વિયેટનામ, બાલી અને શ્રીલંકાના બુકીંગમાં ઉછાળોઃ આ વર્ષે દુબઇનો ચાર્મ ઓછો થયો * સિંગાપુર, મલેશીયા, ક્રુઝ, હોંગકોંગ, મકાઉ, સેન્‍ઝોન, જયોર્જીયા ફલાય કરવા પણ પ્રવાસીઓ આતુરઃ ફ્રાન્‍સના પેરીસમાં વિશાળ સ્‍વામીનારાયણ મંદીરનું ૬ સપ્‍ટેમ્‍બરે ઉદઘાટન હોય, ભકતોનો ધસારો * ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ ઉપલબ્‍ધ : ઓનલાઇન બુકીંગ પણ પુરજોશમાં : ઓનલાઇન ફ્રોડથી પણ સાવધાની જરૂરી : તહેવારોમાં અણધાર્યા ભાવવધારાથી ફરવાના પ્‍લાનીંગ કેન્‍સલેશનમાં વધારો * અમદાવાદથી કોલંબો જવા માટે FITS એરની ડાયરેકટ ફલાઇટઃ લેન્‍ડીંગની પરમીશન ન હોય, અમદાવાદથી બાકુની ફલાઇટ કેન્‍સલ

રાજકોટ તા. ર૪ :.. ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણ, માહિતી અને ટેકનોલોજીના આજના ફાસ્‍ટ ફોરવર્ડ યુગમાં લોકોની રહેણીકરણી, ખોરાક-પોશાક, ફ્રી ટાઇમ તથા તહેવારોમાં રજાઓ ગાળવાની પેટર્ન, રજાના દિવસો, જીવન શૈલી, કોમ્‍યુનિકેશન, ટ્રાન્‍સપોર્ટેશન વિગેરેમાં આમૂલ પરિવર્તન દેખાઇ રહ્યું છે. સોશ્‍યલ મિડીયા પ્‍લેટફોર્મ્‍સ જેવા કે ફેસબુક, ઇન્‍સ્‍ટાગ્રામ, સ્‍નેપચેટ, ટવીટર, વોટસએપ, ટેલિગ્રામ સહિતની બોલબોલા વચ્‍ચે લોકોમાં ડ્રાસ્‍ટીક ચેન્‍જ જોવા મળી રહ્યો છે.

સપ્‍ટેમ્‍બર મહિનાના પ્રથમ અઠવાડીયામાં ચાર સપ્‍ટેમ્‍બરના રોજ જન્‍માષ્‍ટમી છે ત્‍યારે સૌરાષ્‍ટ્ર-ગુજરાતના લોકો દેશ-વિદેશમાં સાતમ-આઠમની રજાઓ માણવા માટે આતૂર બન્‍યા છે. દેશ-વિદેશના વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ પણ સહેલાણીઓની રાહ જોઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

* જન્‍માષ્‍ટમીની રજાઓ દરમ્‍યાન આ વખતે લોકો અયોધ્‍યા, વારાણસી (કાશી-બનારસ), ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, ઉદયપુર, શ્રીનાથદ્વારા), જોધપુર, જેસલમેર, કુંબલગઢ, નૈનિતાલ, જીમકોર્બેટ, મસૂરી, હરીદ્વાર, ઋષિકેશ, સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી, જુનાગઢ (રોપ-વે), સોમનાથ, દ્વારકા, વીરપુર (પૂ. જલારામ બાપા), ખોડલધામ, સાસણગીર, ધારી, નાગેશ્વર, દિવ, દાર્જીલીંગ, પેલીંગ, ગંગટોક, કચ્‍છ-માંડવી, ભુજ, ગાંધીધામ, ઇગનપુરી, પંચમઢી, ભેડાઘાટ, કેરાલા, સિમલા, માનાલી, સ્‍પીટીવેલી, ટાબો, કાલ્‍પા, જીસ્‍પા, બેંગ્‍લો (બેંગ્‍લૂરી), મૈસૂર, કુર્ગ, ઊંટી, વાયનાડ, સહિતના સ્‍થળોએ જવા માટે ઉત્‍સુક બન્‍યા છે. પોતાના પસંદગીના સ્‍થળોએ જવા માટે ધડાધડ બુકીંગ કરાવી રહ્યા છે. અથવા તો બુકીંગ માટે દોડાદોડી કરી રહ્યા છે.

* ફરવા જવા માટે ટ્રાવેલ માર્કેટમાં વિવિધ રેઇટસના પેકેજીસ પણ હાલમાં ઉપલબ્‍ધ બન્‍યા છે અને લોકોને પોતાના બજેટ, રજાના દિવસો અને ફેસેલિટી-ડીમાન્‍ડ મુજબ ટ્રાવેલ પેકેજીસ મળતા હોવાનું રાજકોટના વ્‍યાસ ટૂર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સના જીતુભાઇ વ્‍યાસ (મો. ૯૮ર૪૩ ૩૦પપપ), સનરાઇઝ ટુર્સના સમીરભાઇ કારીયા (મો. ૯૮રપ૩ ૭૭૭૦૪), ફેવરીટ ટુર્સના દર્શીતભાઇ મસરાણી (મો. ૭૬૯૮૮ ૮૮૮૮૯) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહ્યા છે.

જો કે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ૩પ ટકા જેટલું ઓછું બુકીંગ હોવાનું ટ્રાવેલ માર્કેટના સૂત્રો જણાવે છે. ટ્રાવેલ માર્કેટમાં પ્રમાણમાં મંદી હોવાના કારણોમાં ઊંચો અમેરિકન ડોલર, ઊંચા, ફલાઇટ રેઇડ (એરફેર), ફયુઅલની કિંમતમાં વધારો, યુધ્‍ધ, ભાવ વધારો, મોંઘવારી, પેકેજની કિંમતમાં વધારો, માર્કેટમાં રૂપિયાની લિકવીટીડીનો અભાવ, હોટલોના ઊંચા ભાડા સહિતના પરિબળોનો સમાવેશ થાય છે. અણધાર્યા ભાવ વધારાથી પણ ફરવાના પ્‍લાન કેન્‍સલ થઇ રહ્યાનું જાણવા મળે છે. ઘણી જગ્‍યાએ તહેવારો દરમ્‍યાન બે થી ત્રણ ગણા ભાડા થઇ જતા હોય છે. મેક માય ટ્રીપ સહિતના પ્‍લેટફોર્મ ઉપર ઓન લાઇન બુકીંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યા છે. ઓનલાઇન ફ્રોડ પણ બનતા હોય, બુકીંગ દરમ્‍યાન સાવધાની રાખવી હિતાવહ છે. હાલમાં જન્‍માષ્‍ટમીની રજાઓને અનુલક્ષીને પસંદગીની ટ્રેનો, બસો તથા ફલાઇટમાં લાંબા વેઇટીંગ લીસ્‍ટસ ઓપરેટર થઇ રહ્યા છે.

જે સહેલાણીઓએ એડવાન્‍સ પ્‍લાનિંગ સાથે બે મહિના અગાઉ ટ્રેનોમાં બુકીંગ કરાવી લીધુ હોય તેઓને ટ્રેનની ટીકીટ સહેલાઇથી ઉપલબ્‍ધ બનતી હોય છે. પરંતુ તહેવારોને લઇને હાલમાં પસંદગીની ટ્રેનોમાં કન્‍ફર્મ બુકીંગ મળવું ખૂબ મુશ્‍કેલ જણાઇ રહ્યું છે. ટ્રાવેલ માર્કેટમાં સાતમ-આઠમને લઇને ઉપલબ્‍ધ વિવિધ ડોમેસ્‍ટીક પેકેજીસ ઉપર એક નજર કરીએ તો...

* રાજસ્‍થાનમાં ઉદયપુર-કુંબલગઢ જવા માટે લોકોએ સારૂં એવું પ્‍લાનિંગ કર્યુ છે. બાયકાર જઇ શકાય છે. અને સાથે સાથે શ્રીનાથદ્વારા અને સાંવરીયા શેઠના દર્શનનો લાભ પણ મેળવી શકાય છે. ઉદયપુરમાં થ્રી સ્‍ટાર-ફોર સ્‍ટાર હોટલમાં કપલદીઠ એક રાત્રી એક દિવસના ૬ હજારથી ર૦ હજાર રૂપિયા સુધીના બુકીંગ ચાલી રહ્યા છે. ઉપરાંત જવાઇ અને રાણકપુર પણ લોકો પ્રીફર કરી રહ્યા છે. રાજસ્‍થાનમાં ર રાત્રી જોધપુર અને ર રાત્રી જેસલમેર એમ ચાર રાત્રી પાંચ દિવસના થ્રી સ્‍ટાર - ફોર સ્‍ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત ર૦ હજાર રૂપિયા આસપાસ સેલ થઇ રહ્યાનું જાણવા મળે છે.

* આ જન્‍માષ્‍ટમી દરમ્‍યાન અયોધ્‍યા, વારાણસી-કાશીના ચાર રાત્રી પાંચ દિવસના એકસ અમદાવાદ બાયએર પેકેજ પ્રતિ વ્‍યકિત ર૭ હજાર રૂપિયા આસપાસ મોટા પ્રમાણમાં બુક થઇ રહ્યા છે. રામ ભગવાનના દર્શન કરી પવિત્ર નગરીનો અલૌકીક આનંદ માણી શકાય છે.

* મહારાષ્‍ટ્રમાં મહાબળેશ્વર, લોનાવાલા, ઇમેજિક, શીરડી, નાસિક, ત્રંબક જવાવાળા સહેલાણીઓની સંખ્‍યા પણ વધારે છે. મહાબળેશ્વર, લોનાવાલામાં બ્રેકફાસ્‍ટ, ડીનર સાથે હોટલની કેટેગરી મુજબ કપલ દીઠ એક રાત્રી-એક દિવસના ૬ હજારથી ૧ર હજાર રૂપિયા સુધી સાતમ-આઠમ દરમ્‍યાન બુકીંગ થઇ રહ્યા છે.

છેલ્લા થોડા વખતથી વિલાનો કન્‍સેપ્‍ટ વધવા લાગતા લોનાવાલામાં ગ્રુપ સર્કલ- ફેમીલી માટે ૬ બીએચકે અથવા તો ૯ બીએચકે ધરાવતા પ્રાઇવેટ વિલાની ભારે ડીમાન્‍ડ જોવા મળે છે. જેમાં ગેટ ટુ ગેધર સાથે ૧પ થી ૧૮ લોકો સાથે રહી રજાનો આનંદ માણી શકે છે. પ૦ હજારથી લઇ એક લાખ રૂપિયા સુધીનું પ્રાઇવેટ વિલાનું ભાડુ સાંભળવા મળી રહ્યું છે. ઉપરાંત મહારાષ્‍ટ્રમાં ઇગનપુરી જવા માટે પણ પ્રવાસીઓ પ્‍લાનિંગ કરી રહ્યા છે.

રાજકોટની આજુબાજુ પણ ઘણાં પ્રાઇવેટ વિલા જોવા મળી રહ્યા છે કે જયાં સહેલાણીઓ લકઝૂરીયસ ફેસેલિટીઝ માણી શકે છે. સાતમ-આઠમ દરમ્‍યાન યોજાતો રાજકોટનો લોકમેળો સમગ્ર વિશ્વમાં પ્રખ્‍યાત છે કે જેમાં લાખો લોકો મહાલતા હોય છે.

* દર વર્ષે એવરગ્રીન ગણાતું ગોવા આ વખતે પ્રમાણમાં ઓછુ ચાલી રહ્યું છે. રાજકોટ-અમદાવાદથી ગોવાની અમૂક ફલાઇટ કેન્‍સલ થતા ભાડા પ્રમાણમાં ઘણાં ઊંચા થઇ ગયા છે. અને કનેકટીવિટીમાં ઘટાડો થયો છે.

અમદાવાદ-ગોવાનું તહેવારો દરમ્‍યાન વન-વે ભાડુ ર૦ હજાર રૂપિયા આસપાસ સંભળાઇ રહ્યું છે. હાલમાં વિધાઉટ એર ટિકીટ ગોવાના ૩ રાત્રી-૪ દિવસના સાઇટ સીન્‍સ, બ્રેક ફાસ્‍ટ, ડીનર, પીકઅપ ડ્રોપ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત ૧૦ હજારથી ૧પ હજાર રૂપિયા આસપાસ પસંદગી પામી રહ્યા છે.

* ગુજરાતના કચ્‍છમાં પણ માંડવીમાં ફોરેના બીચ રીસોર્ટ, ભુજના ટાઇમ સ્‍કવેર રીસોર્ટ, ગાંધીધામના રેડીશન અને હોલી-ડે વિલેજની ડીમાન્‍ડ જોવા મળી રહી છે.  સાથે સાથે આજુબાજુમાં સાઇટ સીન્‍સ પણ થઇ શકે છે. ફોર સ્‍ટાર-ફાઇવ સ્‍ટાર પ્રોપર્ટી હોય, તહેવારોને અનુલક્ષીને કપલદીઠ એક રાત્રીના ૮ હજારથી માંડી ૧પ હજાર સુધીના રેઇટસ હોઇ શકે છે.

આણંદ ખાતે આવેલ મધુવન ફાઇવ સ્‍ટાર રીસોર્ટ પણ કપલ દીઠ એક રાત્રીના ૧૭ હજાર રૂપિયા આસાસ બુક થઇ રહ્યાનું જાણવા મળે છે.

* ગુજરાતના અન્‍ય ડેસ્‍ટીનેશન્‍સની વાત કરીએ તો સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જવા માટે જબ્‍બર ટ્રાફિક રહે છે. બાયરોડ જઇ શકાય છે તથા તેનું બુકીંગ પણ સતાવાર વેબસાઇટ ઉપર ઓનલાઇન થઇ શકે છે. કપલ દીઠ એક રાત્રીના બ્રેકફાસ્‍ટ સાથે ૪ હજાર રૂપિયાથી ૧૦ હજાર રૂપિયા સુધીના બુકીંગ થઇ રહયા છે.

જુનાગઢ (રોપ-વે), સોમનાથ, દ્વારકા, નાગેશ્વર જયોતિર્લિંગ, શીવરાજપુર બીચ, ખોડલધામ, વીરપુર (પૂ.જલારામબાપા), પરબ, તુલશીશ્‍યામ, પ્રેરણાધામ, ગીરનાર જવા માટે પણ લોકો ભારે આતુર જોવા મળી રહયા છે.

સાસણ-ગીર અને સાથે-સાથે ધારી (આંબરડી સફારી) પણ આ વખતે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યુ છે. સાસણગીરમાં બ્રેકફાસ્‍ટ- ડીનર સાથે કપલદીઠ એક રાત્રીના ૪ હજારથી લઇને ૨૦ હજાર રૂપિયા સુધીના વિવિધ ફેસેલીટીઝ સાથેના પેકેજીસ ઉપલબ્‍ધ છે. થ્રી સ્‍ટાર/ ફોર સ્‍ટાર/ ફાઇવ સ્‍ટાર હોટલ સહિત રમણિય રીસોર્ટસ- વિલા પણ અહીં ઉપલબ્‍ધ છે. દિવ જવા માટે પણ લોકો પ્‍લાનિંગ કરી રહયા છે. દિવમાં કપલદીઠ એક રાત્રીના થ્રી સ્‍ટાર/ ફોર સ્‍ટાર હોટલના પેકેજ ૮ થી ૯ હજાર રૂપિયા આસપાસ ચાલી રહયા છે.

સિક્કિમના ગંગટોક, દાર્જીલીંગ, પેલીંગના ૭ રાત્રી ૮ દિવસના એકસ બાગડોગરા પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ સોલ્‍ડ થયા હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. અમદાવાદ થી બાગડોગરા ફલાઇટ અલગથી લઇ શકાય છે. બાગડોગરાથી બાય રોડ ભૂતાન પણ જઇ શકાય છે. ભૂતાનના ૮ રાત્રી ૯ દિવસના પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૦ હજાર રૂપિયા આસપાસ બોલાઇ રહયા છે.

ઉતરાખંડના નૈનિતાલ, જીમકોર્બેટ, મસુરી, હરીદ્વાર, ઋષિકેશના ૭ રાત્રી ૮ દિછસના બ્રેકફાસ્‍ટ- ડીનર સાથેના એકસ દિલ્‍હી પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટુર ઓપરેટર્સ જણાવી રહયા છે.

મધ્‍યપ્રદેશના પંચમઢી અને ભેડાઘાટના ૬ રાત્રીના પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૦ હજાર રૂપિયા આસપાસ વેચાઇ રહયા છે. રાજકોટથી જબલપુર- પીપળીયા ટ્રેનમાં જઇ શકાય છે.

ઉપરાંત હિમાચલ પ્રદેશના સ્‍પીટીવેલી, ટાબો, કાલ્‍પા, જીસ્‍પાના ૭ રાત્રી ૮ દિવસના એકસ ચંડીગઢ પેકેજ પ્રતિ વ્‍યકિત ૪૦ હજાર રૂપિયા આસપાસ મળી રહયા છે.

ઉપરાંત સિમલા- મનાલીના ૭ રાત્રી ૮ દિવસના એકસ દિલ્‍હી પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૨ હજાર રૂપિયા આસપાસ બોલાઇ રહયા છે.

* આ જન્‍માષ્‍ટમી ઉપર સાઉથની વાત કરીએ તો કેરાલા (કેરલમ)ના મુન્નાર, ઠેકડી, એલપ્‍પી, કોવાલમ, અથીરાપલ્લી, એક રાત્રી હાઉસ બોટ સાથેના બાય એર એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૫૫ હજાર રૂપિયા આસપાસ ચપોચપ વેચાયા છે.

સાથે-સાથે બેંગ્‍લોર, મૈસુર, કુર્ગ, ઉંટી, વાયનાડના થ્રી સ્‍ટાર/ ફોર સ્‍ટાર હોટલ સાથેના ૭ રાત્રી ૮ દિવસના એકસ બેંગ્‍લોર પેકેજ પ્રતિ વ્‍યકિત ૩૫ હજાર રૂપિયા આસપાસ બુક થઇ રહયા છે. રાજકોટ અથવા તો અમદાવાદથી ફલાઇટ ટીકીટ અલગથી કરાવવવાની થાય.

(અહીં આપેલ ડોમેસ્‍ટીક- ઇન્‍ટરનેશનલ પેકેજીસની કિંમત કે પછી ફલાઇટ રેઇટમાં તહેવારોને અનુલક્ષીને સંજોગોવસાત ફેરફાર શકય છે જેથી કોઇપણ ટુર પેકેજ- ટીકીટ બુક કરાવતા પહેલા માન્‍ય ટ્રાવેલ એજન્‍ટ, રૂબરૂ કે ફોન- ઇન્‍ટરનેટ દ્વારા પેકેજ વિશેની તમામ માહિતીની ચકાસણી કરી લેવી હિતાવહ છે.)

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

આ જન્‍માષ્‍ટમી દરમ્‍યાન ફોરેન ફલાય કરવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો વિયેટનામ, બાલી (ઇન્‍ડોનેશીયા) અને શ્રીલંકાના બુકીંગમાં ઉછાળો જોવા મળ્‍યો છે. શ્રીલંકા વધુ ચાલ્‍યુ છે જેના ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ ૯૦ હજારથી એક લાખ રૂપિયા સુધીમાં ફટાફટ બુક થઇ રહયા છે. જેમાં બેન્‍ટોટા, નુવારાઆલીયા, કેન્‍ડી, કોલંબો સહિતના સ્‍થઇોનો સમાવેશ થાય છે. શ્રીલંકામાં લીલાછમ્‍મ ચા ના બગીચાઓ વચ્‍ચેથી પસાર થતા રસ્‍તા ઉપર નાનુઓયાથી એલાની મુસાફરી માણવા જેવી છે. અમદાવાદથી એફ.આઇ.ટી.એસ. એર દ્વારા કોલંબોની ડાયરેકટ ફલાઇટ શરૂ થઇ છે જે સહેલાણીઓ પ્રીફર કરી રહયા છે.

* વિદેશ જવાના ક્રેઝમાં આ વખતે વિયેટનામ પણ સારૂ ચાલ્‍યુ છે. અહીંના આઠ રાત્રી તથા નવ રાત્રીના એકસ અમદાવાદ ફોર સ્‍ટાર હોટલ સાથેના પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ ત્રીસ હાજરથી એક લાખ પાંસઠ હજાર રૂપિયા સુધીમાં કન્‍ફર્મ થઇ રહયા છે. વિયેટનામના ૧૦ રાત્રી ૧૧ દિવસના પેકેજ પણ માર્કેટમાં પ્રીફર થઇ રહયા છે. હોટલની કેટેગરી તથા ફેસેલિટીઝ મુજબ ભાવમાં ફેરફાર શકય છે.

* બાલી (ઇન્‍ડોનેશીયા) જવા માટે પણ લોકો તૈયારી કરી રહયા છે. ૬ રાત્રી ૭ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૭૫ હજાર રૂપિયાથી લઇને ૯૫ હજાર રૂપિયા સુધી સંભળાઇ રહયા છે. દર વર્ષની સરખામણીમાં આ વખતે દુબઇનો ચાર્મ ઘણો ઓછો દેખાઇ રહયો છે.

ઉંચા કરન્‍સી રેઇટ, ઉંચા ભાડા, યુધ્‍ધ, મોંઘુ ફયુઅલ, યુ.એસ. ડોલરની કિંમતમાં વધારો, મોંઘવારી સહિતના કારણોને લીધે દુબઇ સહિતની ફોરેન ટુર ઉપર અસર દેખાઇ રહી છે.

* સાતમ-આઠમ દરમિયાન ૬ રાત્રી ૭ દિવસના મલેશીયાના એકસ અમદાવાદ પેકેજ પણ સારા ચાલ્‍યા છે. જેમાં પ્રતિ વ્‍યકિત ૭૦ હજારથી લઇને એક લાખ રૂપિયા આસપાસ કોલાલમ્‍પુર, જેન્‍ટીંગ, લંકાવી સહિતના સ્‍થળો ફોર સ્‍ટાર/ ફાઇવ સ્‍ટાર હોટલ સહિત લઇ શકાય છે. એકસ મુંબઇ પેકેજ પણ ઉપલબ્‍ધ છે.

* હોંગકોંગ, મકાઉ, સેન્‍ઝેનના ૭ રાત્રી ૮ દિવસના ફોર સ્‍ટાર/ ફાઇવ સ્‍ટાર હોટલ સાથેના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત ૧.૬૫ લાખથી એક લાખ સિંતેર હજાર રૂપિયા આસપાસ કન્‍ફર્મ થયા હોવાનું જાણવા મળે છે.

ઉપરાંત સિંગાપુર, મલેશીયા અને ક્રુઝ સાથેના ૯ રાત્રી ૧૦ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ પાંસઠ હજાર રૂપિયા આસપાસ બુક થયા હોવાનું ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે. આ પેકેજ પણ સારા ચાલ્‍યા છે.

* અમદાવાદથી પાંચ રાત્રી ૬ દિવસના જયોર્જીયાના ટીબલીસી, બાતુમી સાથે પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ પાંત્રીસ હાજર રૂપિયા આસપાસ લોકો દ્વારા પસંદગી પામી રહયા છે.

આ વર્ષે બાકુ (અઝાર- બાયજાન) પ્રમાણમાં ઘણુ ઓછુ ચાલ્‍યુ છે. કારણ કે અમદાવાદથી બાકુની ફલાઇટ કેન્‍સર થઇ હોવાનું જાણવા મળે છે. ટ્રાવેલ માર્કેટમાં ચર્ચાતી વિગતો મુજબ કોઇ પોલિટીકલ ઇસ્‍યુને કારણે બાકુની ફલાઇટને લેન્‍ડીંગની પરમીશન નથી મળી રહી જેથી ફલાઇટ કેન્‍સર થઇ રહી છે.

* યુરોપના ફ્રાન્‍સ- પેરીસમાં ૬ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ વિશાળ અદ્યતન સ્‍વામીનારાયણ મંદિરનું ઉદઘાટન હોય, પેરીસ જવા માટે ભકતોનો સારો એવો પ્રવાહ જોવાઇ રહયો છે. મંદિરને કારણે યુરોપના સાઇટસીન્‍સમાં પણ ઉમેરો થયો છે.

* થાઇલેન્‍ડ જવા માટે ફેમિલી ટ્રાફીક પણ જોવા મળી રહયો છે. બેંગકોક, ફુકેટ, ક્રાબીના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજના બુકીંગ જોવા મળી રહયા છે. અમદાવાદથી બેંગકોકની આવક-જાવક ફલાઇટ ટીકીટ ૩પ હજારથી ૪૦ હજાર રૂપીયા આસપાસ ચાલી રહી છે.

તો ચાલો, થઇ જાવ તૈયાર, જન્‍માષ્‍ટમીના તહેવારોને યાદગાર બનાવવા માટે. દુનિયાનો કોઇ પણ ખુણો હોય, તનતોડ મહેનત કરીને સ્‍વમાન સાથે જીવતા તથા કામના સમયે કામ અને ફરવાના સમયે હરતા-ફરતા ગુજરાતીઓ-સૌરાષ્‍ટ્રવાસીઓ દેશ-વિદેશમાં ન મળે તો જ નવાઇ. સૌ કોઇ પોતાના મનગમતા ડેસ્‍ટીનેશન ઉપર જઇને સાતમ-આઠમના તહેવારોને મનભરીને માણી શકે તેવી અકિલા પરિવાર તરફથી સૌને マદયપુર્વકની શુભેચ્‍છાઓ, જયશ્રીકૃષ્‍ણ, જય જય ગરવી ગુજરાત. (૪.૧૧)

સસ્‍તા ભાવના પેકેજ તથા

ઓનલાઇન ફ્રોડથી ચેતવુ જરૂરી

અમુક ટ્રાવેલ એજન્‍ટોએ લાખોનું ફુલેકુ ફેરવ્‍યું

ટ્રાવેલ માર્કેટમાં ઘણી વખત રેગ્‍યુલર-રૂટીન પ્રાઇસ કરતા દેશ-વિદેશના ડેસ્‍ટીનેશન્‍સના પેકેજ ઘણા સસ્‍તા ભાવે ઓફર કરાતા જોવા મળે છે. આ બાબતની આકર્ષક જાહેરાત ઘણી વખત સોશ્‍યલ મીડીયામાં પણ ફરતી હોય છે. પરંતુ આ બાબતે પુરતી ખરાઇ કરવી જરૂરી છે. કારણ કે કવોલીટી, ફેસેલીટીઝ, મોંઘવારી, ઉંચા ફલાઇટ રેઇટ, ફયુઅલ રેઇટ સહિતના પરીબળોને કારણે સામાન્‍ય રીતે પેકેજીસનો માર્કેટ રેઇટ ઉંચો જોવા મળતો હોય છે. હવે જો બજાર કીંમત કરતા પણ ઘણા નીચા ભાવે ટુર પેકેજ કોઇ ઓફર કરતુ હોય તો તુરત જ ચેતી જવુ જોઇએ. સોશ્‍યલ મીડીયાથી આકર્ષાઇને આવી સ્‍કીમ પર યોગ્‍ય તપાસ કર્યા વગર ભરોસો કરવો હિતાવહ નથી.

ટ્રાવેલ્‍સ માર્કેટમાંથી જાણવા મળ્‍યા મુજબ છેલ્લા એકાદ વર્ષમાં રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાંથી ૪ થી પ ટ્રાવેલ એજન્‍ટસ-ટુર ઓપરેટરોએ કસ્‍ટમર્સ-સહેલાણીઓને સસ્‍તા ભાવના ટુર પેકેજના નામે છેતરીને લાખોનું ફુલેકુ ફેરવીને ગાયબ થઇ ગયાની ચર્ચા છે. સસ્‍તા પેકેજની લાલચમાં લોકોએ લાખો રૂપીયા ગુમાવ્‍યા હોવાનું ટ્રાવેલ એજન્‍ટસ કહી રહયા છે.

ચર્ચાતી વિગતો મુજબ થોડા સમય પહેલા રાજકોટની જ એક ટ્રાવેલ પેઢી ઉઠી ગઇ અને અમદાવાદ જેવા સીટીમાં જઇને અન્‍ય નામે પેઢી શરૂ કરીને બજાર ભાવ કરતા સસ્‍તા ભાવના વિવિધ પેકેજીસ બજારમાં મુકયા હોવાનું જાણવા મળે છે. સાથે સાથે ટુર પેકેજ કે સસ્‍તી ટુરના નામે ઘણી વખત ઓનલાઇન ફ્રોડ પણ થતા જોવા મળે છે. જેથી તે બાબતે પણ સાવચેતી અત્‍યંત જરૂરી છે. બને ત્‍યાં સુધી વિશ્વાસપાત્ર-જાણીતા ટ્રાવેલ એજન્‍ટસ કે ટુર ઓપરેટર્સ પાસે બુકીંગ કરાવવું હિતાવહ છે. અથવા વિશ્વાસપાત્ર સોશ્‍યલ મિડીયા-ઓનલાઇન  ટ્રાવેલ પોર્ટલ-પ્‍લેટફોર્મનો ઉપયોગ કરવો જોઇએ.

(11:38 AM IST)