<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ન્યુઝીલેન્ડમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે

બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ સરકારનો નિર્ણય : સરકાર સંસદમાં એક નવું બિલ રજૂ કરશે

બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ન્યૂઝીલેન્ડ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ન્યૂઝીલેન્ડ 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને સોમવારે જણાવ્યું હતું કે તેમની સરકાર સંસદમાં એક નવું બિલ રજૂ કરશે, જેમાં સગીરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી દૂર રાખવાનો મહત્વનો પ્રસ્તાવ છે. જો આ બિલ કાયદો બને છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેનું પાલન નહીં કરે, તો તેમને પોતાની વૈશ્વિક આવકના 10 ટકા સુધીનો મોટો દંડ થઈ શકે છે.

આ પ્રસ્તાવિત બિલ અંતર્ગત સોશિયલ મીડિયા કંપનીઓ માટે યુઝર્સની ઉંમર ચકાસવી અનિવાર્ય બનાવવામાં આવશે. આ માટે પ્લેટફોર્મ્સે એકાઉન્ટની માહિતી, ચહેરાની ઓળખ (ફેસ રેકગ્નિશન) ટેકનોલોજી અને ડિજિટલ ઓળખ દસ્તાવેજો જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. વડા પ્રધાન લક્સને સ્પષ્ટ કર્યું હતું કે ન્યૂઝીલેન્ડ બાળકોની આખી પેઢીને થઈ રહેલા નુકસાનને નજરઅંદાજ કરી શકે તેમ નથી. સોશિયલ મીડિયા બાળકોને એવી હાનિકારક સામગ્રી, વ્યસનકારક ટેકનોલોજી અને માનસિક દબાણ સામે ધકેલે છે, જેનો સામનો કરવા માટે તેઓ હજુ નાની ઉંમરના છે.

 

સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાનો અતિશય ઉપયોગ બાળકોના પારિવારિક જીવન, માનસિક સ્વાસ્થ્ય, પૂરતી ઊંઘ અને શિક્ષણ પર અત્યંત નુકસાનકારક અસરો પાડી રહ્યો છે. વડા પ્રધાને સ્વીકાર્યું હતું કે આ પ્રતિબંધને સંપૂર્ણપણે જમીની સ્તરે લાગુ કરવો અને દરેક બાળકને તેનાથી દૂર રાખવું સરળ નહીં હોય, તેમ છતાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ દિશામાં સાર્થક પ્રયાસો કરવા જરૂરી છે.

 

આ પ્રસ્તાવિત બિલને સંસદમાં પૂરતું સમર્થન મળશે કે નહીં તે અંગે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે. લક્સનની ગઠબંધન સરકારમાં સામેલ 'ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ' પાર્ટીએ આ કાયદાને સમર્થન આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પાર્ટીના નેતા અને વિદેશ પ્રધાન વિન્સ્ટન પીટર્સે ઓસ્ટ્રેલિયાના મોડેલને ટાંકીને તેને અસફળ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે બાળકોને સોશિયલ મીડિયાથી દૂર રાખવાની પ્રાથમિક જવાબદારી માતાપિતાની હોવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધિત કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો, જ્યાં અંદાજે 4.7 મિલિયન એકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત કેનેડા, બ્રાઝિલ અને ઇન્ડોનેશિયા જેવા દેશો પણ આ દિશામાં કાયદાકીય પગલાં લઈ ચૂક્યા છે અથવા પ્રતિબંધો અમલમાં મૂક્યા છે.

(1:30 PM IST)