<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

દેશમાં 'વન નેશન, વન ઇલેક્શન' આ વિચાર માત્ર 'અવ્યવહારુ' જ નહીં, પરંતુ 'ગેરબંધારણીય'છે :પી ચિદમ્બરમે સખ્ત વાંધો ઉઠાવ્યો

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ આ પ્રસ્તાવનો કડક વિરોધ કર્યો :તેમણે સમિતિ સમક્ષ હાજર થઈને આ વિચારને 'ખામીયુક્ત' અને 'તર્કહીન' પણ ગણાવ્યો

નવી દિલ્હી :દેશમાં 'વન નેશન, વન ઇલેક્શન' (એક દેશ, એક ચૂંટણી) ની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) સમક્ષ આ પ્રસ્તાવનો કડક વિરોધ નોંધાવ્યો છે. તેમણે સમિતિ સમક્ષ હાજર થઈને આ વિચારને માત્ર 'અવ્યવહારુ' જ નહીં, પરંતુ 'ગેરબંધારણીય', 'ખામીયુક્ત' અને 'તર્કહીન' પણ ગણાવ્યો છે.

પી. ચિદમ્બરમે બંધારણ (129મો સુધારો) બિલ 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા (સુધારા) બિલ 2024 પર વિસ્તારથી પોતાની આપત્તિઓ નોંધાવી હતી. તેમના મતે, આ સૂચિત કાયદો ભારતીય બંધારણના મૂળ માળખા અને વિશેષ કરીને સંસદીય લોકશાહીના પાયાના સિદ્ધાંતોને સીધી રીતે નબળા પાડે છે. તેમણે મજબૂત દલીલ કરતા કહ્યું કે, ભારતમાં જનતા દ્વારા ચૂંટાયેલી કોઈપણ રાજ્ય વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષ માટે નિર્ધારિત કરવામાં આવ્યો છે. જો 'એક દેશ, એક ચૂંટણી' લાગુ કરવા માટે કોઈ કાયદા દ્વારા વિધાનસભાનો કાર્યકાળ સમય કરતાં વહેલો સમાપ્ત કરવામાં આવે, તો તે બંધારણીય અને લોકશાહીના દૃષ્ટિકોણથી બિલકુલ યોગ્ય નથી.

ચિદમ્બરમે JPC સમક્ષ બીજો એક મોટો મુદ્દો ઉઠાવ્યો હતો કે કેન્દ્ર સરકાર પાસે આ બિલ પસાર કરાવવા માટે પૂરતું સંખ્યાબળ નથી. તેમણે કહ્યું કે આવા મહત્વપૂર્ણ બંધારણીય સુધારા માટે સંસદના બંને ગૃહોમાં બે-તૃતિયાંશ (2/3) બહુમતી હોવી આવશ્યક છે, જે હાલની સરકાર પાસે નથી.

બેઠક પૂર્ણ થયા બાદ JPC ના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે સમિતિ પી. ચિદમ્બરમ દ્વારા રજૂ કરવામાં આવેલા તમામ વિચારો અને સૂચનોનો ગહન અભ્યાસ કરશે. જોકે, ચૌધરીએ ચિદમ્બરમના તે દાવાને સ્પષ્ટપણે ફગાવી દીધો હતો કે એકસાથે ચૂંટણી કરાવવાની પહેલ બંધારણના મૂળ માળખાનું ઉલ્લંઘન કરે છે.

નોંધનીય છે કે, 'વન નેશન, વન ઇલેક્શન' બિલની ચકાસણી કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિએ સોમવારે એક મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠક કુલ ચાર સત્રો (પારીઓ) માં વહેંચાયેલી હતી.

પ્રથમ સત્રમાં: કાયદાવિદ અને વરિષ્ઠ સાંસદ પી. ચિદમ્બરમે પોતાની રજૂઆત કરી હતી.

બીજા સત્રમાં: દેશના 10 પદ્મ પુરસ્કાર વિજેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ત્રીજા સત્રમાં: નેશન ફર્સ્ટ પોલિસી રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોને સાંભળવામાં આવ્યા હતા.

ચોથા સત્રમાં: વિધિ સેન્ટર ફોર લીગલ પોલિસીના પ્રતિનિધિઓએ પોતાનો મત રજૂ કર્યો હતો.

કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2024 માં લોકસભામાં આ બંને બિલો રજૂ કર્યા હતા, જેને વધુ વિસ્તૃત તપાસ માટે JPC ને સોંપવામાં આવ્યા છે. આ બિલનો મુસદ્દો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો પર આધારિત છે. 2 સપ્ટેમ્બર 2023ના રોજ રચાયેલી કોવિંદ સમિતિએ 191 દિવસ સુધી વિવિધ રાજકીય પક્ષો, નિષ્ણાતો અને હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

આ રિપોર્ટમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અલગ-અલગ તબક્કામાં પણ એકસાથે કરાવવાનું સૂચન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતમાં બંધારણ લાગુ થયા બાદ વર્ષ 1951થી લઈને 1967 સુધી લોકસભા અને તમામ વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે જ યોજાતી હતી. હવે જોવાનું એ રહે છે કે JPC ના રિપોર્ટ અને વિપક્ષના વિરોધ વચ્ચે સરકાર આ બિલને કઈ રીતે આગળ વધારે છે.

(12:50 PM IST)