<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

યુપી ચૂંટણી પહેલાં યોગી સરકારનો માસ્ટરસ્ટ્રોક: ૧ લાખ યુવાનોને મળશે સરકારી નોકરી, દર અઠવાડિયે હજારો ઉમેદવારોને અપાશે નિમણૂક પત્રો

આગામી છ મહિનામાં તમામ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ: 'મિશન રોજગાર' હેઠળ કમિશન અને બોર્ડને સમયમર્યાદા કડકપણે પાળવા મુખ્યમંત્રી આદિત્યનાથની સૂચના.

 

 

લખનૌ, તા.૨૫: ઉત્તર પ્રદેશમાં આસન્ન વિધાનસભા ચૂંટણીઓ પહેલાં સીએમ યોગી આદિત્યનાથે રાજ્યના યુવાનો માટે મોટી અને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આગામી છ મહિનાની અંદર રાજ્યના ૧ લાખ યુવાનોને સરકારી નોકરીના નિમણૂક પત્રો સોંપવામાં આવશે. આ માટેની તમામ પરીક્ષાઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હાલ પરિણામો આખરી તબક્કામાં છે. યુવાનોને લાંબી રાહ ન જોવી પડે તે માટે હવેથી દર અઠવાડિયે તબક્કાવાર રીતે અલગ-અલગ વિભાગોના નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવશે.

લખનૌ ખાતે 'મિશન રોજગાર' અંતર્ગત આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં રાજ્ય કૃષિ ઉત્પાદન બજાર પરિષદ અને કૃષિ વિભાગના ૩,૪૦૦ થી વધુ ટેકનિકલ સહાયકો તેમજ બજાર સચિવોને નિમણૂક પત્રો એનાયત કરતી વખતે મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી હતી. તેમણે તમામ ભરતી બોર્ડ અને કમિશનોને તાકીદ કરી છે કે પરિણામ પ્રક્રિયાની સમયમર્યાદા વધુ ટૂંકી કરવામાં આવે જેથી લાયક ઉમેદવારોને સમયસર રોજગારી મળી શકે.

પોતાના સંબોધનમાં સમાજવાદી પાર્ટી અને અગાઉની સરકારો પર આકરા પ્રહારો કરતા સીએમ યોગીએ જણાવ્યું હતું કે, "અગાઉના શાસનમાં જ્યારે પણ ભરતીની જાહેરાત બહાર પડતી ત્યારે 'કાકા-ભત્રીજા'ની જોડી અને સમગ્ર મહાભારત કુળ વસૂલી કરવા નીકળી પડતું હતું. ભ્રષ્ટ સિસ્ટમના કારણે યુવાનોનો સમય અને ભવિષ્ય બરબાદ થતા હતા અને મામલા અદાલતોમાં અટવાઈ જતા હતા. પરંતુ અમારી સરકારે પાછલા નવ વર્ષમાં ૯ લાખ ૩૦ હજારથી વધુ યુવાનોને સંપૂર્ણ પારદર્શિતા અને 'ઝીરો ટોલરન્સ' નીતિ સાથે સરકારી નોકરીઓ આપી છે, જેના પર કોઈ એક આંગળી પણ ચીંધી શકે તેમ નથી."

તેમણે યુપી બોર્ડ પરીક્ષાનું ઉદાહરણ આપતાં ઉમેર્યું કે જ્યાં પહેલાં પરીક્ષા અને પરિણામોમાં મહિનાઓ વેડફાઈ જતા હતા, ત્યાં હવે માત્ર ૧૪ દિવસમાં પરીક્ષા અને આગામી ૧૪ દિવસમાં પરિણામ જાહેર કરી દેવાય છે. આ જ ઝડપ અને કાર્યક્ષમતા હવે સરકારી ભરતી પ્રક્રિયાઓમાં પણ લાગુ કરવામાં આવી રહી છે, જેથી પ્રદેશના સક્ષમ યુવાનોને તેમનો હક ત્વરિત મળી રહે.

(3:47 PM IST)