<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ: યુસુફ પઠાણ અને સાયની ઘોષ સહિત TMCના 20 બળવાખોર સાંસદો સામે કાર્યવાહીની તૈયારી, નોટિસ ફટકારી

તૃણમૂલ કોંગ્રેસમાં મોટું ગાબડું: પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ સાંસદોને ગેરલાયક ઠેરવવાની અભિષેક બેનર્જીની અરજી પર સુપ્રીમ કોર્ટે બળવાખોરો પાસે જવાબ માંગ્યો

નવી દિલ્હી, તા.25: તૃણમૂલ કોંગ્રેસ (TMC) સંસદીય પક્ષમાં પડેલા મોટા ભંગાણ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ટીએમસીના જનરલ સેક્રેટરી અભિષેક બેનર્જીની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે પાર્ટી છોડીને અન્ય રાજકીય સંગઠનમાં જોડાયેલા ૨૦ બળવાખોર સાંસદોને નોટિસ જારી કરીને તેમની પાસે જવાબ માંગ્યો છે. અભિષેક બેનર્જીએ માંગ કરી હતી કે લોકસભા સ્પીકરને આ તમામ બળવાખોર સાંસદોને ઝડપથી ગેરલાયક ઠેરવવાનો નિર્દેશ આપવામાં આવે. 

સીજેઆઈ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ખંડપીઠે તમામ ૨૦ બળવાખોર સાંસદોને પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આવી જ એક અન્ય અરજી શિવસેના (UBT) દ્વારા પણ દાખલ કરવામાં આવેલી છે, જેમાં એકનાથ શિંદે જૂથમાં જોડાયેલા છ સાંસદો સામે કાર્યવાહીની માંગ કરાઈ છે. 

સ્પીકર અને મહાસચિવ કાર્યાલયને નોટિસ પાઠવવાનો ઇનકાર

અભિષેક બેનર્જીએ લોકસભા અધ્યક્ષ અને લોકસભા મહાસચિવ કાર્યાલયને પણ નોટિસ મોકલવાની અપીલ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે નોંધ્યું હતું કે આ મામલે સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા. પોતાની અરજીમાં ટીએમસી નેતાએ દાવો કર્યો છે કે ગેરલાયકાતની અરજીઓ પર નિર્ણય લેવામાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. 

બળવાનું મુખ્ય કારણ અને પક્ષપલટા કાયદો

ઉલ્લેખનીય છે કે 27 જુલાઈએ લેખિત રજૂઆત બાદ 12 ઓગસ્ટે અભિષેક બેનર્જીએ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત પણ કરી હતી. ટીએમસીના ૨૦ લોકસભા સાંસદોએ ત્રિપુરા સ્થિત રાજકીય સંગઠન 'નેશનાલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા' (NCPI) માં જોડાવવાની અથવા વિલીનીકરણની જાહેરાત કરીને લોકસભામાં અલગ જૂથ તરીકે માન્યતા માંગી હતી. ટીએમસીનો દાવો છે કે આ સાંસદો પક્ષના પ્રતીક પર ચૂંટાયા હોવાથી અન્ય સંગઠનમાં જવું એ સ્વેચ્છાએ પક્ષનું સભ્યપદ છોડવા સમાન છે, તેથી પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમની સામે કાર્યવાહી થવી જ જોઈએ.

નોટિસ મેળવનાર ૨૦ બળવાખોર સાંસદો:


•    કાકોલી ઘોષ દસ્તીદાર

•    શતાબ્દી રોય

•    બાપી હલદર

•    સાયની ઘોષ

•    ખલીલુર રહેમાન

•    અબુ તાહિર ખાન

•    યુસુફ પઠાણ

•    મિતાલી બેગ

•    ડૉ. શર્મિલા સરકાર

•    પ્રસુન બંદ્યોપાધ્યાય

•    જગદીશ બરમા બસુનિયા

•    અસિતકુમાર માલ

•    અરૂપ ચક્રવર્તી

•    રચના બેનર્જી

•    માલા રોય

•    કાલિપદા સોરેન

•    દિપક અધિકારી

•    જૂન માલિયા

•    પાર્થ ભૌમિક

(3:48 PM IST)