હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અલ્હાબાદ હાઈકોર્ટના હિજાબ ચુકાદાથી દેશના રાજકારણમાં ગરમાવો: 'એક શાળા, એક ડ્રેસ કોડ' ના સમર્થન સામે મુસ્લિમ મૌલવીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો
પ્રયાગરાજની શાળામાં હિજાબ પહેરવાની માંગ કરતી અરજી ફગાવી દેવાતા રાજકીય અને ધાર્મિક નેતાઓ આમને-સામને: જાણીએ કોણે શું આપ્યું નિવેદન.

પ્રયાગરાજ, તા.૨૫: શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક પ્રતીકો અને સમાન ગણવેશ (ડ્રેસ કોડ) ની મર્યાદાઓ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણયથી સમગ્ર દેશમાં નવી ચર્ચા અને રાજકીય ગરમાવો ઉત્પન્ન થયો છે. પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી એક સગીર મુસ્લિમ વિદ્યાર્થીનીએ શાળા ગણવેશ સાથે હિજાબ (હેડસ્કાર્ફ) પહેરવાની મંજૂરી માંગતી અરજી દાખલ કરી હતી. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ ઇન્દ્રજીત શુક્લાની ડિવિઝન બેન્ચે આ અરજી ફગાવી દેતાં સ્પષ્ટ કર્યું હતું કે શાળાની ગણવેશ નીતિ સમાન, ભેદભાવ રહિત અને શિસ્ત જાળવવા માટે છે, તેથી વિદ્યાર્થી તેમાં મનસ્વી ફેરફાર કરી શકે નહીં. આ નિર્ણય બાદ રાજકીય નેતાઓ અને ધાર્મિક નેતાઓ વચ્ચે ભારે વાકયુદ્ધ શરૂ થયું છે.
ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ (ઓપી) રાજભરે કોર્ટના આ આદેશનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમણે "એક શાળા, એક ડ્રેસ કોડ" ની નીતિ પર ભાર મૂકતા જણાવ્યું કે, શાળાઓ એ મુખ્યત્વે શિક્ષણ મેળવવાનું અને સમાન ઓળખ ધરાવતું પવિત્ર સ્થળ છે. શાળાઓમાં ધાર્મિક પોશાકની મંજૂરી આપવાથી એકરૂપતા અને શિસ્તનો સિદ્ધાંત ક્ષતિગ્રસ્ત થાય છે. શિવસેના નેતા સંજય નિરુપમે પણ આ ચુકાદાને આવકારતાં કહ્યું હતું કે ધાર્મિક પરંપરાઓનું પાલન ઘરમાં કે પૂજાના સ્થળોએ થવું જોઈએ, શૈક્ષણિક સંસ્થાના નિયમોથી ઉપર ધર્મને રાખી શકાય નહીં. બીજી તરફ, આરજેડી નેતા મનોજ ઝાએ સાવચેતીપૂર્વક પ્રતિક્રિયા આપતા કહ્યું કે ધાર્મિક બાબતો કે પહેરવેશ સંબંધે "કોઈ પર પણ દબાણ કરવું યોગ્ય નથી."
કોર્ટના આ તર્ક સામે મુસ્લિમ ધર્મગુરુઓ અને મૌલવીઓએ તીવ્ર અસંતોષ અને વિરોધ વ્યક્ત કર્યો છે. ઇસ્લામિક સેન્ટર ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ મૌલાના ખાલિદ રશીદે દલીલ કરી હતી કે હિજાબ એ ઇસ્લામિક આસ્થાનો અભિન્ન ભાગ છે અને કુરાનમાં પવિત્રતા તથા શાલીનતા જાળવવા પરદાનો સ્પષ્ટ આદેશ છે. શાળાના ગણવેશ સાથે હિજાબ પહેરવાથી કોઈ નિયમનો ભંગ થતો નથી. આ ઉપરાંત, શિયા ધર્મગુરુ સૈફ અબ્બાસે જણાવ્યું કે આ નિર્ણય બંધારણીય અધિકારો અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. તેમણે ઉમેર્યું કે હાઈકોર્ટ સમક્ષ આ બાબત યોગ્ય રીતે રજૂ થઈ શકી નથી અને તેઓ આ મામલાને હવે દેશની સર્વોચ્ચ અદાલતમાં (સુપ્રીમ કોર્ટ) પડકારશે.
આ ચુકાદાએ ફરી એકવાર દેશમાં વ્યક્તિગત ધાર્મિક સ્વતંત્રતા અને શૈક્ષણિક સંસ્થાઓની શિસ્ત તથા એકરૂપતા વચ્ચેના સંતુલનનો મુદ્દો સપાટી પર લાવી દીધો છે. નોંધનીય છે કે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કર્ણાટક હાઈકોર્ટના ૨૦૨૨ના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ વિચારાધીન હોવાથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ વ્યાપક રૂપ ધારણ કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
