<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

મુંબઈ એરપોર્ટનું થશે મોટું 'રીસેટ' : ૧ ઓક્ટોબરથી ૩૩ ટકા ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ નવી મુંબઈ શિફ્ટ થશે : ટર્મિનલ-૧ રીડેવલપમેન્ટ માટે બંધ કરાશે

૧૫ જાન્યુઆરી ૨૦૨૭થી T1-B ના નોર્થ સેક્શન પર બુલડોઝર ચાલશે : ટ્રાફિકનું તબક્કાવાર પુનઃવિતરણ કરી ટર્મિનલ T1 નું સંચાલન ટર્મિનલ T2 પર ડાયવર્ટ કરવાની તૈયારીઓ શરૂ - ન્યૂઝફર્સ્ટ

મુંબઈ (ન્યૂઝફર્સ્ટ): મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) ખાતે ટ્રાફિક વ્યવસ્થાપન અને ટર્મિનલના પુનઃવિકાસ (રીડેવલપમેન્ટ) માટેનું અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. મુંબઈ એરપોર્ટના ઓપરેશન્સને વધુ ઝડપી અને આધુનિક બનાવવાના ભાગરૂપે ઓક્ટોબર ૨૦૨૬થી હવાઈ સેવાઓમાં મોટાપાયે ફેરફારો અમલી બનાવવામાં આવશે.

 

મળતી વિગતો અનુસાર, ૧ ઓક્ટોબર ૨૦૨૬થી વર્તમાન ટર્મિનલ-૨ (T2) પરથી ઓપરેટ થતી કુલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાંથી આશરે ૩૩ ટકા જેટલી ફ્લાઈટ્સને નવનિર્મિત 'નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ' ખાતે ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ ફેરફારથી મુંબઈના મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ અને પેસેન્જરોના ભારણમાં મોટો ઘટાડો નોંધાશે.

 

આ ઉપરાંત, મુંબઈ એરપોર્ટના ટર્મિનલ-૧ (T1) નો વિસ્તાર વધારવા અને તેને વધુ આધુનિક બનાવવા માટે મેગા રીડેવલપમેન્ટ પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે. આ યોજનાના ભાગરૂપે ૧૫ જાન્યુઆરી ૨૦૨૭થી ટર્મિનલ ૧-બી (T1-B) ના નોર્થ સેક્શનને તોડી પાડવાની (ડીમોલિશન) કામગીરી શરૂ કરવામાં આવશે.

 

૧૫ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ શરૂ થનારા ડીમોલિશન પહેલાં, મુંબઈ એરપોર્ટ તંત્ર દ્વારા ટ્રાફિકનું તબક્કાવાર પુનઃવિતરણ અને રીડેવલપમેન્ટ સંબંધિત પ્રારંભિક કામગીરીઓ શરૂ કરી દેવામાં આવશે. T1 નો અમુક ઓપરેશનલ હિસ્સો T2 પર શિફ્ટ કરવામાં આવશે જેથી કરીને ટર્મિનલ-૧ ના નવીનીકરણ દરમિયાન ફ્લાઈટ કામગીરી અને મુસાફરોની અવરજવર ખોરવાય નહીં. આ માળખાકીય ફેરફારોથી આગામી સમયમાં મુંબઈ અને નવી મુંબઈ બંને એરપોર્ટ વચ્ચે હવાઈ વાહતુકની ક્ષમતામાં મોટો સુધારો જોવા મળશે.

(3:52 PM IST)