<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ CTET પરીક્ષા મુલતવી: ઉમેદવારોને અરજી કરવાની સુવર્ણ તક, દેશભરના લાખો શિક્ષકોની નોકરીઓ પર ઘેરાયા સંકટના વાદળો

૬ સપ્ટેમ્બરની પરીક્ષા પાછી ઠેલાઈ: ૧ સપ્ટેમ્બર સુધી ctet.nic.in પર ફરી શરુ થઈ અરજી પ્રક્રિયા, ૩૧ ઓગસ્ટ ૨૦૨૮ સુધીમાં TET પાસ કરવી અનિવાર્ય.

નવી દિલ્હી, તા.૨૫: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી ૬ સપ્ટેમ્બરના રોજ લેવાનારી સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (CTET સપ્ટેમ્બર ૨૦૨૬) ની પરીક્ષા મુલતવી રાખવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતના તાજેતરના આદેશને પગલે બોર્ડે આ નિર્ણય લીધો છે. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે લાયક શિક્ષકોને જરૂરી TET લાયકાત મેળવવા માટે પૂરતી અને વાજબી તક આપવી જોઈએ. આ આદેશના પાલન રૂપે, અગાઉ અરજી કરવાથી વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે ઓનલાઈન અરજી વિન્ડો ૨૫ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી ફરીથી ખોલી દેવામાં આવી છે.

 

CBSE ની અધિકૃત નોટિસ મુજબ, જે ઉમેદવારોએ ૧૧ મે થી ૧૦ જૂન, ૨૦૨૬ દરમિયાન સફળતાપૂર્વક ફોર્મ ભરી દીધા છે, તેમણે ફરીથી અરજી કરવાની જરૂર નથી. અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ CTET ની ૨૨મી આવૃત્તિ માટેની નવી અને સુધારેલી પરીક્ષા તારીખ જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે, સામાન્ય શ્રેણીના ઉમેદવારોએ પાસ થવા માટે ૧૫૦ માંથી ઓછામાં ઓછા ૯૦ ગુણ (૬૦%) અને SC/ST ઉમેદવારોએ ૮૨ ગુણ (૫૫%) મેળવવા ફરજિયાત છે. CTET પાસ કરનારા ઉમેદવારો કેન્દ્રીય વિદ્યાલય, નવોદય અને આર્મી શાળાઓમાં શિક્ષક પદો માટે પાત્ર બને છે.

 

બીજી તરફ, સુપ્રીમ કોર્ટે શિક્ષકોની ભરતી અને બઢતી માટે TET ને અનિવાર્ય બનાવતા દેશના વિવિધ રાજ્યોમાં વર્ષોથી સેવા આપતા લાખો શિક્ષકોની નોકરીઓ જોખમમાં મુકાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ હવે તમામ સેવા આપતા શિક્ષકો માટે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૮ સુધીમાં TET પરીક્ષા પાસ કરવી ફરજિયાત બની ગઈ છે, નહીંતર તેમણે ફરજિયાત નિવૃત્તિ (Compulsory Retirement) નો સામનો કરવો પડશે. માત્ર એવા શિક્ષકોને જ આમાંથી મુક્તિ મળશે જેમને નિવૃત્તિમાં ૫ વર્ષથી ઓછો સમય બાકી છે.

 

એકલા ઉત્તર પ્રદેશમાં જ આશરે ૧.૮૬ લાખ શિક્ષકો પર નોકરી ગુમાવવાનું સંકટ મંડરાઈ રહ્યું છે, જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઝારખંડ જેવા રાજ્યોમાં પણ હજારો શિક્ષકો આ ભય હેઠળ છે. ઘણા શિક્ષકો સ્નાતક ન હોવાથી પરીક્ષા આપવા માટે પણ ગેરલાયક ઠરે છે. જોકે, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્ય સરકારોએ આ કડક નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજીઓ (Review Petitions) પણ દાખલ કરી છે.

 

(4:04 PM IST)