<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

મુસાફરો માટે ખુશખબર: હવે ગોરખપુર થઈને ગુજરાત પહોંચશે અમૃત ભારત એક્સપ્રેસ, રેલ્વે બોર્ડે આપી લીલી ઝંડી

ભાગલપુરથી ગાંધીધામ વચ્ચે ૨૨ કોચ ધરાવતી નવી હાઇ-સ્પીડ ટ્રેન દોડશે: ૧૬૦૦થી વધુ મુસાફરોને મળશે આરામદાયક અને આધુનિક મુસાફરીનો લાભ.

ગોરખપુર, તા.૨૫: ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાત વચ્ચે મુસાફરી કરતા લાખો મુસાફરો માટે રેલ્વે તરફથી મોટા સમાચાર આવ્યા છે. પૂર્વ ઉત્તર રેલ્વેના મુસાફરોની લાંબા સમયની માંગણીને સંતોષતાં રેલ્વે બોર્ડે ગોરખપુર થઈને ગુજરાતના ગાંધીધામ સુધી નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. હાલમાં ભાગલપુરથી વારાણસી થઈને ગાંધીધામ જતી સ્પેશિયલ ટ્રેનના સ્થાને હવે આ નિયમિત અમૃત ભારત એક્સપ્રેસ સેવા શરૂ કરવામાં આવશે, જે વારાણસીને બદલે ગોરખપુર થઈને પોતાનો રૂટ નક્કી કરશે.

 

હાલના તબક્કે ગોરખપુરથી ગુજરાત માટે માત્ર એક જ સીધી ટ્રેન ઉપલબ્ધ છે. નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ થવાથી ગોરખપુર અને તેની આસપાસના વિસ્તારોમાંથી રોજગાર અને વેપાર અર્થે ગુજરાત જતા શ્રમિકો અને વેપારીઓને મોટી રાહત મળશે. કુલ ૨૨ કોચ ધરાવતી આ ટ્રેન એક ફેરામાં ૧,૬૦૦ થી વધુ મુસાફરોને સુવિધાયુક્ત મુસાફરી પૂરી પાડશે. આ અગાઉ બોર્ડે ગોરખપુરથી દિલ્હી અને મુંબઈ (બાંદ્રા) માટે પણ અમૃત ભારત ટ્રેનોને મંજૂરી આપેલી છે. આ ઉપરાંત, ભવિષ્યમાં દેશભરમાં વધુ ૨૪ નવી અમૃત ભારત ટ્રેનો દોડાવવાનું આયોજન છે, જેમાંથી ૩ ટ્રેનો લખનૌ થઈને પસાર થશે.

 

આ સાથે જ રેલ્વેએ ગોરખપુરથી ચારલાપલ્લી (હૈદરાબાદ) વચ્ચે દોડનારી અમૃત ભારત સાપ્તાહિક એક્સપ્રેસ (૨૨૦૭૫/૨૨૦૭૬) ની શરૂઆતની તારીખો પણ જાહેર કરી દીધી છે. સીપીઆરઓ સુમિત કુમારે જણાવ્યા મુજબ, આ ટ્રેન ૨ ઓક્ટોબરથી દર શુક્રવારે ચારલાપલ્લીથી રાત્રે ૯:૪૫ વાગ્યે ઉપડશે અને ૪ ઓક્ટોબરથી દર રવિવારે સવારે ૮:૩૦ વાગ્યે ગોરખપુરથી રવાના થશે. ૧૩૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ૨૨ કોચની ટ્રેન મુસાફરોને ઝડપી અને સુરક્ષિત પ્રવાસનો અનુભવ કરાવશે.

 

સામાન્ય મુસાફરો અને ઓછી આવક ધરાવતા વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલી આ નોન-એસી અમૃત ભારત એક્સપ્રેસમાં આધુનિક સુવિધાઓનો સંગમ જોવા મળશે. ટ્રેનમાં વેક્યુમ બાયો-ટોઇલેટ, આરામદાયક પુશ-બેક સીટો અને સીસીટીવી કેમેરા જેવી સુરક્ષા પ્રણાલી હશે. આ ઉપરાંત, કટોકટીના સમયે મુસાફરો લોકો પાઇલટ અને ટ્રેન મેનેજર સાથે સીધો સંપર્ક સાધી શકે તે માટે વિશેષ 'ટોક-બેક સિસ્ટમ' પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

 

(4:40 PM IST)