હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: EPFO અને ITR જેવા સંવેદનશીલ ડેટાની ખાનગી એક્સેસ પર ચિંતા વ્યક્ત કરી, કેન્દ્ર સરકારને સિક્યુરિટી વધુ મજબૂત કરવા આદેશ
ઓટીપી કે મંજૂરી વિના ખાનગી કંપનીઓ દ્વારા પર્સનલ રેકોર્ડ્સ મેળવવા સામે અદાલતે લાલ આંખ કરી: નાગરિકોની ખાનગી માહિતીના દુરુપયોગને રોકવા મજબૂત સુરક્ષા માળખું ઘડી કાઢવા કેન્દ્રને નિર્દેશ.

નવી દિલ્હી, તા.૨૫: નાગરિકોના અત્યંત સંવેદનશીલ ગણાતા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) અને ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) સંબંધી ડેટા સુધી ખાનગી કંપનીઓની પહોંચ અને તેના વ્યાપારી ઉપયોગ સામે સુપ્રીમ કોર્ટે ગંભીર ચિંતા દર્શાવી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયાધીશ જોયમલ્યા બાગચી અને ન્યાયાધીશ વી. મોહનાનીની બેન્ચે સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન આ પ્રક્રિયાને "ચિંતાજનક" ગણાવી હતી. કોર્ટે કેન્દ્ર સરકારને તાકીદ કરી છે કે નાગરિકોની વ્યક્તિગત માહિતીના દુરુપયોગને અટકાવવા માટે તાકીદે મજબૂત સુરક્ષા પગલાં લેવામાં આવે.
આ સુનાવણી પિયુષ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર થઈ રહી હતી. અરજદારે કોર્ટમાં દાવો કર્યો હતો કે જ્યારે ખાનગી બેકગ્રાઉન્ડ વેરિફિકેશન સિસ્ટમ્સમાં માત્ર PAN (પાન કાર્ડ) કે UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) દાખલ કરવામાં આવે છે, ત્યારે વ્યક્તિનો આખો નોકરીનો ઇતિહાસ અને નાણાકીય માહિતી સામે આવી જાય છે. આશ્ચર્યજનક બાબત એ છે કે આ પ્રક્રિયામાં સંબંધિત વ્યક્તિની સ્પષ્ટ મંજૂરી, અધિકૃતતા કે કોઈ OTP (વન ટાઈમ પાસવર્ડ) ની પણ જરૂર પડતી નથી.
અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સરકારી એજન્સીઓ દ્વારા ડેટા લીક કરવામાં આવ્યો હોય તેવો સીધો આરોપ નથી, પરંતુ કાનૂની સંસ્થાઓ પાસે જમા થયેલો ડેટા કોઈ પણ રક્ષણાત્મક માળખા વિના ખાનગી એજન્સીઓ સુધી કેવી રીતે પહોંચી રહ્યો છે તે મુખ્ય પ્રશ્ન છે. હાલમાં ઘણી બેકગ્રાઉન્ડ ચેક કંપનીઓ કર્મચારીઓની વેરિફિકેશન, મૂનલાઇટિંગ (એક સાથે બે જગ્યાએ નોકરી) ની તપાસ અને શ્રમ-બજાર પ્રોફાઇલિંગ માટે આ ડેટાનો મુક્તપણે ઉપયોગ કરી રહી છે, જે નાગરિકોની ગોપનીયતા (Privacy) નું સીધું ઉલ્લંઘન છે.
સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું હતું કે આ વિષય મુખ્યત્વે કેન્દ્ર સરકારની નીતિ વિષયક બાબતો (Policy Domain) માં આવે છે, જેના કારણે અરજી પર વધુ સુનાવણી કરવાનો ઇનકાર કરાયો હતો. પરંતુ તે સાથે જ સર્વોચ્ચ અદાલતે બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્ત મારફતે સરકારને સૂચન કર્યું હતું કે આ ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લઈને એક અસરકારક સિસ્ટમ વિકસાવવામાં આવે. કેન્દ્ર સરકારે ખાનગી સાહસોને નાગરિકોની અંગત માહિતીનો વ્યાપારી દુરુપયોગ કરતા રોકવા માટે તાત્કાલિક કડક પગલાં ભરવા પડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
