હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હીથી મસૂરી જવા હવે દહેરાદૂનના ટ્રાફિક જામમાં ફસાવું નહીં પડે: NHAI બનાવી રહ્યું છે ₹૭૧૬ કરોડનો ગ્રીનફિલ્ડ બાયપાસ, પ્રવાસીઓ સીધા પહાડોની રાણી મસૂરી પહોંચશે
એપ્રિલ ૨૦૨૭ સુધીમાં તૈયાર થશે ૧૨ કિલોમીટર લાંબો ૪-લેન એક્સેસ-કંટ્રોલ્ડ હાઇવે: ૧૦૦ કિમી/કલાકની ઝડપે દોડશે વાહનો, મુસાફરીનો સમય ૩૦ થી ૪૦ મિનિટ ઘટશે.

દહેરાદૂન, તા.૨૫: રાજધાની દિલ્હીથી ઉત્તરાખંડના પ્રખ્યાત હિલ સ્ટેશન મસૂરી અને હિમાચલ પ્રદેશના પાઓંટા સાહિબ જતા પ્રવાસીઓ માટે એક ખુશખબર સામે આવ્યા છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દહેરાદૂન શહેરમાં વાહનોનો ટ્રાફિક ઘટાડવા અને પ્રવાસીઓની મુસાફરી સરળ બનાવવા માટે ₹૭૧૬ કરોડના ખર્ચે ૧૨ કિલોમીટર લાંબો, ૪-લેન ગ્રીનફિલ્ડ બાયપાસ બનાવી રહ્યું છે. આ ચાર-માર્ગીય બાયપાસ સીધો દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે, જેનાથી પ્રવાસીઓ દહેરાદૂન શહેરના ટ્રાફિક જામમાં ફસાયા વિના સીધા મસૂરી પહોંચી શકશે.
આ એક્સેસ-કંટ્રોલ્ડ બાયપાસ ઝાઝરાથી શરૂ થઈને NH-7 ના પાઓંટા સાહિબ-બલ્લુપુર સેક્શનને જોડશે અને આશારોડી ચેકપોસ્ટ પાસે દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવેને મળશે. NHAI દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને તેને એપ્રિલ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ બાયપાસ બની જવાથી દિલ્હી અને એનસીઆર (NCR) માંથી આવતા વાહનો દહેરાદૂન શહેરના મુખ્ય રસ્તાઓ પર પ્રવેશ્યા વિના જ મસૂરી, ઋષિકેશ, વિકાસનગર અને પાઓંટા સાહિબ તરફ વળી જશે.
બાયપાસની ડિઝાઇન ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, જેનાથી વાહનચાલકો સુગમ અને આરામદાયક મુસાફરી કરી શકશે. સુરક્ષા અને પહાડી ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક ચોક્કસ ભાગોમાં સ્પીડ લિમિટ ૮૦ કિમી/કલાક રખાશે. આ ઉપરાંત, જંગલ અને પર્યાવરણને નુકસાન અટકાવવા માટે હાઇવેની પહોળાઈ ૩૦ મીટર રાખવામાં આવી છે.
આ નવા રૂટથી સામાન્ય પ્રવાસીઓનો મુસાફરીનો સમય ૩૦ થી ૪૦ મિનિટ જેટલો બચી જશે. તેની સાથે જ હિમાચલ પ્રદેશના સેલાકી ઔદ્યોગિક વિસ્તાર અને હર્બર્ટપુર જેવા ક્ષેત્રોમાં માલસામાનનું પરિવહન ઝડપી બનતાં સ્થાનિક ઉદ્યોગોને પણ મોટો આર્થિક ફાયદો થશે. આ કોરિડોર હરિયાણા, પંજાબ અને હિમાચલ પ્રદેશ વચ્ચેની આંતર-રાજ્ય કનેક્ટિવિટીને એક નવી ઊંચાઈ પર પહોંચાડશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
